વોટ્સએપ યુનિવર્સિટીમાં તો વરસોથી ચાલી રહ્યું છે કે આપણને આખેઆખો ઇતિહાસ સાવ ખોટો ભણાવ્યો છે…. જેથી આપણું બ્રેઈન-વોશિંગ થઈ જાય !
પણ બોસ, શું તમને ખબર છે ? આપણી બાળવાર્તાઓમાં પણ એવી જ ખતરનાક ‘સાઝિશ’ છે ! નથી માનતા ને ? તો વાંચો…
***
કાચબો અને સસલું
વરસો જુની આ બાળવાર્તામાં સસલું શા માટે રેસ હારી જાય છે?તમે જોજો, ભવિષ્યમાં એક વિડીયો ફરતો હશે જેમાં સવાલ થતો હશે : ‘આખિર સસ્સા ક્યું હારા ?’
પછી ખુલાસો થશે કે હકીકતમાં તો એ આખું ઇન્ટરનેશનલ કાવતરું જ હતું ! શું ખરેખર રેસ થાય તો કાચબો કદી જીતી શકે ખરો ?
ના જ જીતે ને ? પરંતુ આ સ્ટોરી જો કાચી ઉંમરના બાળકોના મનમાં બાળપણથી જ ઘૂસાડી દેવામાં આવે કે ‘ધીરા સો ગંભીર… ઉતાવળ કરવાની કંઈ જરૂર જ નથી…’ તો આખેઆખી પેઢી કાચબાની જેમ આળસુ જ થઈ જાય ને ?
આમાં ને આમાં વિદેશીઓ સસલાની જેમ ક્યાંય આગળ નીકળી ગયા અને આપણે વર્ષો સુધી (ખાસ તો ૭૦ વરસ સુધી) કાચબાની જેમ ઠીચૂક ઠીચૂક ડગલાં ભરતાં રહ્યા ! આખે આખી પેઢીઓ ધીમી અને ‘સહિષ્ણુ’ બની ગઈ !
બાળવાર્તાઓને નિશાળમાં ઘૂસાડનારી એક આખી ‘લોબી’ વડે આ ‘નેરેટિવ’ ચલાવાઈ રહ્યું હતું કે ‘સ્લો એન્ડ સ્ટેડી’ જ રહો ! સમજ્યા ?
- અને એ વખતે ‘રાજ’ કોનું હતું ?
***
વાઘ આવ્યો રે વાઘ…
પછી તો આ વાર્તાનું પણ ‘કાઉન્ટર નેરેટીવ’ આવશે ! જે આપણા બુદ્ધિજીવીઓની રિસર્ચનું પરિણામ હશે.
એમની 'રિસર્ચ' એવું શોધી કાઢશે કે બિચારો વાઘ તો શાંતિપ્રિય હતો ! પણ આ જે નવો રખેવાળ આવ્યો ને, એ ‘વાઘ આવ્યો રે વાઘ…’ એવી બૂમો પાડી પાડીને વારંવાર વાઘની ઉશ્કેરણી કર્યા કરતો હતો.
બિચારો વાઘ વરસોથી શાંત જ હતો પણ દુનિયાભરમાં તેની બદનામી થતી જોઈને તે બિચારો ઉશ્કેરણીમાં ફસાઈ જઈને ભૂલથી ગામના નિર્દોષ પશુઓ ઉપર હુમલા કરી બેઠો હતો !
એમાં બિચારા વાઘનો શું વાંક ? બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment