શસ્ત્રવિરામ પછીના ફેક ન્યૂઝ !

બ્રેકિંગ ન્યુઝ… બ્રેકિંગ ન્યુઝ… બ્રેકિંગ ન્યુઝ…!

શેરબજારમાં શસ્ત્રો બનાવતી કંપનીએ આપી પ્રેરણા… ગુજરાતનું હથિયાર-હબ બનશે હળવદ ગામ… વિદેશમાં વાગશે દેશી બોમ્બનો ડંકો…

જી હા, ગુજરાતના હળવદ નામનું એક નાનકડું ગામ બનવા જઈ રહ્યું છે મુંબઈના સ્ટોક મારકેટનું કિંગ !

વિગતવાર વાત કરીએ તો હળવદના એક હુંશીલાલ નામના સાહસિક વેપારી અહીં હળવદમાં જ એક આધુનિક છતાં સંપૂર્ણપણે ભારતીય બોમ્બ બનાવવાની ફેકટરી નાંખવા જઈ રહ્યા છે.

આના માટે તેમણે શિવાકાશીમાં દિવાળીના ફટાકડા બનાવતી ‘ઇમ્પિરીયલ ફાયર વર્કસ’ નામની જાણીતી કંપની સાથે દર મહિને ૩૦,૦૦૦ સૂતળી બોમ્બ બનાવવાના એમઓયુ કરી લીધા છે !

એટલું જ નહીં, આ સુતળી બોમ્બને સરહદ પાર મોકલવા માટે જે રોકેટો બનાવવામાં આવસે તેની ટેકનિકલ પાર્ટનરશીપ માટેના કરાર પણ શિવાકાશીની જ બીજી અગ્રણી ફાયર વર્ક્સ કંપની સાથે થઈ જવાના છે !

આ ‘દેશી-જુગાડ’ ટેકનોલોજી વડે બનેલા શસ્ત્રો ક્યાં વેચવામાં આવશે એવું પૂછતાં સાહસિક વેપારી શ્રી હુંશીલાલ હરખપદુડાએ જણાવ્યું હતું કે આ બાબતની ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી કેમકે પાકિસ્તાનમાં આવા બોમ્બની જબરદસ્ત ડિમાન્ડ છે !

હુંશીલાલે વધુમાં જણાવ્યું હતું કે આમેય પાકિસ્તાનને માત્ર અવાજ કરે છતાં કોઈ નુકસાન ન કરે એવાં જ શસ્ત્રોની તાતી જરૂર છે. હાલમાં ભારત સાથેના યુદ્ધમાં એમને હજારો ડ્રોન ઉડાડવામાં બહુ મોટો ખર્ચો થઈગયો હોવાથી તેમને ત્યાં થોડી સસ્તી ટેકનોલોજીની ડિમાન્ડ ઊભી થઈ છે.

જોકે પાકિસ્તાન આ બાબતે શું કહેવા માગે છે તે જાણવા માટે અમારા બે-ખબર-પત્રીએ સંપર્ક કર્યો ત્યારે પાકિસ્તાને જણાવ્યું હતું કે આ સાવ બોગસ વાત છે, કેમકે અમે ઓલરેડી ચીન પાસેથી જથ્થાબંધ ‘ચાઈનિઝ તુક્કલો’ મંગાવવાનો સોદો ફાઈનલ કરી લીધો છે !

- આવા જ ધડ-માથા વિનાના ફેક ન્યુઝ જોતા રહો, અમારી ચેનલ સાથે !

***

- મન્નુ શેખચલ્લી

Comments