'પાછળ પડેલું ' ગુમડું !

આ વખતનો કિસ્સો ઉત્તર ગુજરાતનો છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે અમારું દેવરાસણ નામનું નાનકડું ગામમાં નવાં નવાં બંધાયેલાં ટેનામેન્ટોમાં અમારા ચાળીસેક વરસના પાનાચંદભાઈ એમની પત્ની રમાભાભી અને નિશાળે જતાં બે બાળકો સાથે મજાથી રહે.

પાનાચંદભાઈને મહેસાણાની કલેક્ટર ઓફિસમાં હેડ ક્લાર્કની નોકરી. એટલે એ સવારના નવેક વાગે ટિફીન લઈને પોતાનું સ્કૂટર લઈને નોકરીએ જવા નીકળે અને સાંજે સાડા સાત આઠ વાગે ઘર આવે.

આ પાનાચંદભાઈનો પાડોશી રણજીત. એ ત્રીસેક વરસનો. ‘ધકધક ધકધક’ અવાજ કરતી બાઈક ચલાવીને મહેસાણામાં પોતાની ઓટો-પાર્ટ્સની દુકાને જાય, ને રાત પડે ગલ્લાનો વકરો લઈને પાછો આવે. એનાં લગન થયે પાંચ વરસ થઈ ગયેલાં પત્નીનું નામ રૂપા.

હવે એક સાંજે રમાભાભી રૂપા આગળ એમનાં દુઃખડાં રોવા બેઠાં છે ! કહે છે :

‘આ તારા કાકાને કોંક હમજાય મારી બોંન ! નકર કોક દા’ડો ગોંમમોં મારે મુઢું બતાડવા જેવું નંઈ રે…’

રૂપા પૂછે છે ‘કાકી, એવું તે શું થ્યું છ ?’

‘અરે વાત જવા દે મારી બઈ ! ઇંયોંનું ચ્યોંક બીજે જ હલાડું ગોઠવઈ જ્યું લાગે !’

‘હાય હાય !’

‘મારોં તો ભાગ ફૂટી જ્યોં રૂપાડી ! ઇંયોન ભોંણે બેહીન હખેથી ખવામાં ય મન નહીં લાગતું. પેલ્લોં તો ચેવોં હવાદ કાઢી કાઢીને ખાતા તા… અવ તો લૂહ લૂહ ખોંય છ, ન ઝટ દઈને ઊભોં થઈ જોંય છે.’

'કાકી, તમારી રસોઈના સ્વાદમાં -'

‘લગ્ગારે ફેર પડ્યો નહીં પણ – અવ તન સુ કઉં ?’ એમ કરીને રમાભાભીએ રૂપાને નજીક બોલાવીને અંદરની વાત કીધી :

‘રાતનોંય હરખુ હુતોં નહીં ! પડખું ફરીન હુઈ જોંય છ ! એકી પડખે હવાર પાડ છ ! ન દૈ જોણે હવારના પો’રમોં વ્હેલ્લા વ્હેલ્લા ઉઠી જોયં છ, ન જાજરૂમોં અડધો અડધો કલ્લાક લગીન બેહી રે છે !’

‘હાય હાય ! એવું ?’

‘અન હોંભળ ! અવ ઓફિસે સ્કુટર લઈન નહીં જતા ! રોજ છકડામોં જાય છ ! મન તો લાગે કે છકડામોં જ ઈંયોન કોઈ લટકારી મલી જઈ લાગે ! નકર છતે સ્કુટર મેલી ને છકડામોં જવાનું શું કોંમ ? બળ્યું, આજકાલ તો છોકરોં જોડે બેહીને ટીવી યે નહીં જોતા. બળ્યું, ટીવી છોડ ને ? ઘરમોં બેહતા જ નહીં ને ? મોડા મોડા આવ છ, વ્હેલા વ્હેલા જતા રે છે, લૂશલૂશ ખોંય છ, ને કલ્લાક કલ્લાક જાજરૂમોં ભરઈ રઈને કુણ જોણે કઈ કાગડીની જોડે ફોનમોં વાતો કરતોં હઈશે ? રૂપાઆઆ… મારે તો ઝેર પીવાનો વારો આયો છ…’

રૂપાએ એના પતિ રણજીતને વાત કરી. રણજીતે રવિવારનો લાગ જોઈને પાનાચંદભાઈને પકડ્યા.

‘કાકા, અમારી કાકીને ચમ રોવરાવો છો ? આ ઉંમરે આવું તમોંન શોભતું નહીં.’

પહેલાં તો પાનાચંદભાઈને સમજ જ ના પડી કે આખી આ ‘લગ્નેતર સંબંધ’ વિશેની વાત જ ક્યાંથી આવી ? પણ જ્યારે વાતની વિગતવાર માંડણી થઈ ત્યારે એમણે પોતાનું દુઃખડું રડવા માંડ્યું !

‘અલ્યા રણજીત ! હાહરીનું ઓમોં કે’વાય નંઈ ને શે’વાય નહીં (સહેવાય નહીં) એવી મોંકાંણ છ ! વાત ઇમ છ કે મને બેહવાની જગાએ ગુમડું થયું છ... હાહરું દા’ડે દા’ડે મોટું થતું જોંય છ ! નથી હખેથી બેહાતું કે નથી હખેતી હૂઈ હકાતું ! જાજરૂમોં જઉ છુ તો પાંચ મિલિટનું કોંમ પતાવતોં પચ્ચી મિલિટ થોંય છ ! ને તારી કાકી એ ઇમ હમજી બેઠી છ કે મારે કોંય લફરું છ ! અલ્યા, લફરુ-બફરુ કોંય નથી, આ ગુમડામોંથી જીવ બા’ર નહીં નેંહરતો !’

રણજીતને પહેલા તો હસવું આવી ગયું ! સાલું, આ તે કેવી જાતનું ગુમડું ! સરસ મજાના સંસારમાં આગ લગાડીને બેઠુ છે ? પણ પછી રણજીતે પ્રેક્ટિકલ ઉપાય બતાડ્યો :

‘પાનાચંદ કાકા, આમોં આટલા ટાઈમથી બેહી શું રયા છો ? આપણા ગોંમમોં મહેશભાઈ ડોક્ટર છે જ ને ? ઇંયોન બતાડી દો ? ફેંસલો આઈ જાય !’

પણ ડોક્ટરનું નામ પડતાં જ પાનાચંદભાઈનું મોં લેવાઈ ગયું : ‘ત્યોં જ તો મોટી મોંકાણ છે, રણજીતીયા ! એ મહેશ ડોક્ટર અમારી નિહાળમોં જોડે ભણતો ’તો.’

‘લો ! તો તો હૌથી હારું છે ને ?’

‘રણજીતીયાઆઆ… એ જ તો મોંકાણ છે !’ પાનાચંદભાઈએ ધીમે રહીને એક ભેદી રહસ્ય ખોલતાં કહ્યું :

‘એ મહેશિયો ખરો ને, એ ભણવામોં પેલ્લો નંબર લાવતો. પણ હાળો વાતેચીતે હાવ બોચિયો ! ઉપરથી અમારા જેવા તોફાની છોકરાંવની ચાડી ખઈ જતો તો ! ઈંનો અમોને માર પડતો… એટલે અમે શું કરતા, કે વારેઘડીયે ઈની ચડ્ડી ઉતારી નોંખતા !’

રણજીતને આ વાત સાંભળીને હસવું આવી ગયુ. પણ એણે દબાવી રાખતાં પૂછ્યું, ‘કાકા, એ જુની વાત થઈ ગઈ. હવે એનું શું છે ?’

‘તું હમજતો નહીં. મહેશિયાની ચડ્ડી ઉતારીને અમે ઇંને અમારી પાછળ પાછળ બઉ દોડાવતા ! મહેશિયો ભેંકડો તોંણીને રોવે નંઈ ત્યોં લગી બચાડાને હેરોંન કરતા…’

આટલા વરસ પછી પાનાચંદભાઈને પસ્તાવો થઈ રહ્યો હતો એ તો સારી વાત હતી પણ એમનું મૂળ દુઃખડું અલગ હતું :

‘રણજીતીયા, હવે આટલોં વરહ પછી મું મહેશ ડોક્ટરને મારું આવું બતાડવા જઉં… તો એ મારો બેટો બદલો લે કે નંઈ ?’

‘ચેવો બદલો ?’

‘અરે, મારું ગુમડુ મટાડવાને બદલે વકરાઈ મેલે તો ? એને તો હાહરાને ચેવી મજા પડે કે જોયુ, આ પાનિયાનું પેન્ટ હત્તરવાર ઉતરાવરાયું ને ?’

આખી વાત સાંભળ્યા પછી રણજીતે સિમ્પલ સોલ્યુશન કાઢ્યું : ‘કાકા, આટલી અમથી વાત ? આપણે ક્યોં મહેશ ડાકટર પર મહોર મારી છ ? મેહોંણામાં ડઝન ડાક્ટર બેઠા છ, ગમ્મે ઇંયોન બતાડી દો ને ?’ 

જોકે આખી વાતમા પાનાચંદભાઈને વાંધો પેલું ‘બતાડી દેવામાં’ જ હતો ! એ બોલ્યા : ‘આ હાળા ડોક્ટરો મંઈ-મંઈ એકબીજોં ને ઓરખતા હોય ! કોઈએ વળી મહેશિયાને વાત કરી, તો ? બધોં ભેગોં થઈન મારી તો… હમણોં કઉ, એ-’

અચ્છા… તો અસલી સમસ્યા આ હતી ! જોકે રણજીત પાસે એનો પણ ઉકેલ હતો. એણે કહ્યું : ‘કાકા, આપણે સાવ ભલતા જ કોઈ બહારથી આયેલા નોન-ગુજરાતી બિહારી ડોક્ટરને બતાઈએ તો ?’

આ વાત પાનાચંદભાઈના દિમાગમાં બરાબર બેસી ગઈ… રણજીત એમને મહેસાણાની મજુર વસ્તીમાં કોઈ બિહારી ડોક્ટર પાસે લઈ ગયો. બે ચાર દિવસની દવામાં પાનાચંદભાઈને મટી પણ ગયું.

પરંતુ હવે નવી મોકાણ શરૂ થઈ ! શું હતી મોંકાણ ?

વાત એમ હતી કે ગુમડામાં નસ્તર મુક્યા પછી ઝટ રૂઝ આવે નહીં, એટલે પાનાચંદભાઈ હજી છકડામાં (અગાઉની જેમ ઊભા ઊભા) આવન-જાવન કરતા હતા. એ દરમ્યાન એમનું ધ્યાન પડ્યું કે પેલો હટ્ટો-કટ્ટો બિહારી ડોક્ટર રોજ એ જ છકડામાં મહેસાણાથી દેવરાસણ ગામે આવતો દેખાય !

એટલું જ નહીં, મારો બેટો છકડામાંથી ઉતરીને બરોબર પાનાચંદભાઈની ‘પાછળ-પાછળ’ જ ચાલતો આવતો હોય !

એક-બે દિવસ તો પાનાચંદભાઈએ ખાસ નોંધ ના લીધી પણ પછી જોયું કે એ હટ્ટોકટ્ટો બિહારી રોજ છકડામાં બેસીને પાનાચંદભાઈને ‘સ્માઈલ’ આપે ! ઉતર્યા પછી ‘પાછળ પાછળ’ જ ચાલે ! અને ભૂલેચૂકે પાનાચંદભાઈની નજર મળે તો સાલો, ફરી ‘સ્માઈલ’ આપે !

પાનાચંદભાઈને થાય કે ‘આ મોંણહનો ઈરાદો શુ છ ? ચમ મારી પાછર પડ્યો છ ?’

પણ પેલો બિહારી શરીરે હટ્ટોકટ્ટો અને કસાયેલા બાવડાંવાળો ! પાનાચંદભાઈની ઝગડો કરવાની હિંમત ચાલે જ નહીં !

આખરે એક દિવસ એમણે થાકીને રણજીતને કહ્યું ‘અલ્યા, મું તો ઉલ મોંથી ચૂલમોં પડ્યો ! મહેશ ડાક્તરથી બચવા રે’યો ઇમોં આ હાહરો બિહારી પાછર પડ્યો છ !’

રણજિત કહે ‘કાકા, તમીં ચિંતા છોડો, મું ઈને શીધો કરે !’

બીજા દિવસે રણજીત એના બે જબરા દોસ્તોને લઈને રાહ જોતો ઊભો હતો. જેવો પાનાચંદભાઈએ પાછળ આવી રહેલા માણસ તરફ ઈશારો કર્યો કે તરત રણજીતના દોસ્તો એને ઝાલીને મેથીપાક ચખાડવા માંડ્યો.

પણ પેલો બિચારી ડરી ગયેલો ! હાથ જોડીને બોલ્યો, ‘ભઈયા, હમરા કસૂર ક્યા હૈ ?’

ત્યારે ખબર પડી કે એ ભાઈ મહેસાણાનું મોંઘું ભાડું બચાવવા આ દેવરાસણ ગામની જ એક સોસાયટીમાં એક રૂમ ભાડે રાખીને રહેતો હતો. અને એની રૂમ તરફ જવાનો આ જ રસ્તો હતો !

ખેર, પછી તો ‘ગેરસમજ’ શું હતી એનો ખુલાસો કરવા જેવો જ નહોતો ને ? 

કારણ કે ચાર પાંચ દિવસ પછી તો પાનાચંદભાઈ સ્કૂટર પર અપ-ડાઉન કરતા થઈ ગયાં હતા…

*** 

(કિસ્સાનું કથાબીજ મોકલનાર : હિરેનભાઈ પટેલ, મહેસાણા)

વાચક મિત્રો, આપના ધ્યાનમાં આ પ્રકારના રમૂજી કિસ્સા હોય તો પત્ર દ્વારા અથવા ઈમેલ કરીને મોકલી શકો છો.

ઇમેઇલ : havamagolibar@gujaratsamachar.com
પત્ર માટે : ગુજરાત સમાચાર કાર્યાલય, ખાનપુર, અમદાવાદ-૧

અથવા મારા ઈમેલ આઈડી પર મોકલી શકો છો.
E-mail : mannu41955@gmail.com

***

- મન્નુ શેખચલ્લી 

Comments