અગનઝાળ ગરમીમાં આડા સવાલો !

ભૈશાબ, ગરમી એટલી ખતરનાક પડી રહી છે કે દિમાગમાં શોર્ટ-સરકીટ થઈ રહી છે ! આમાં ને આમાં સાવ વિચિત્ર સવાલોના તણખા ઝરી રહ્યા છે ! જુઓ…

*** 

મિત્રો, આટલી ભયંકર ગરમી પડે છે છતાં હજી કોઈએ મોદી સરકારનો વાંક કેમ નથી કાઢ્યો ? આળસુ થઈ ગયા છે બધા…

*** 

વિરોધ પક્ષમાંથી કોઈ એમ પણ કેમ નથી પૂછતું કે અહીં દેશમાં આટલી ગરમી પડી રહી છે ત્યારે મોદીજી થાઈલેન્ડ અને શ્રીલંકામાં શું કરી રહ્યા છે ? જનતા જવાબ માગે છે…

*** 

આજકાલ સાવ ગાયબ થઈ ગયેલા કેજરીવાલ પણ બહાર આવીને કમ આક્ષેપ નથી કરી રહ્યા કે દેશમાં હિટ-વેવ ફેલાવી દેવાનું આ આખું કાવતરું મોદીજીનું છે ! (જેથી મોંઘવારી-બેકારી જેવા પ્રશ્નો લઈને લોકો ધરણાં જ ના કરી શકે.)

*** 

અમે તો રાહ જોઈ રહ્યા છીએ કે અમદાવાદમાં ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં રાહુલજી ક્યારે જાહેરાત કરે કે ‘જો અમે સત્તામાં આવીશું તો સૌને ૧૦-૧૦ કિલો બરફ મફતમાં આપીશું ! ખટાખટ…’

*** 

અરે, ભાજપના કોઈ નેતા કેમ નથી કહેતા કે ‘નહેરુ-ગાંધી પરિવારે ૭૦ વરસ સુધી એસીમાં બેસીને જલસા જ કર્યા છે… પણ દેશમાં તાપમાન કંટ્રોલની કોઈ યોજના જ નથી બનાવી !’ દેશની જનતા માફ નહીં કરે…

*** 

એ તો ઠીક, ‘જ્યાં દેશના જવાનો હિમાલયમાં માઈનસ ૨૫ ડિગ્રી ઠંડીમાં દેશની રક્ષા કરી શકે છે તો તમે ૪૦ ડિગ્રી ગરમીમાં શેના આટલા અકળાઈ જાવ છો ?’ એવું દેશભક્તિનું નિવેદન પણ હજી વોટ્સેપમાં કેમ નથી આવ્યું ?

*** 

ત્યાં પાકિસ્તાનના આતંકવાદીઓ પણ ડફોળની જેમ ચૂપ બેઠાં છે ! યાર, કોઈ આતંકવાદી સંગઠન કેમ ‘આ ગરમીની જવાબદારી અમારી છે’ એવી ઠાંસ નથી મારી રહ્યું ? ડોબાઓ છે બધા…

*** 

કમ સે કમ મોદીજીએ તો દુનિયાના તમામ દેશોને આ ‘તાપમાન વિરુદ્ધની લડાઈ’માં જોડાવા માટેની હાકલ કરી જ દેવી જોઈએ ને ? શું કહો છો, મોદીજી તો ‘વર્લ્ડ લીડર’ છે ને.

***

- મન્નુ શેખચલ્લી

Comments