આ જ તો આઈપીએલ છે !

શું છે આ ક્રિકેટનો મહાકુંભ ? મનોરંજન છે ? જુગાર છે ? સરકસ છે ? સસ્પેન્સ છે ? ખેલ છે કે ખાનાખરાબી છે ?
અરે બોસ, આઈપીએલ તો આઈપીએલ છે…

*** 

રૂપિયાનો આખો ખેલ છે
એ જ તો આઈપીએલ છે !
એમાં પોલ છે, ને ઝોલ છે
એ જ તો આઈપીએલ છે !

*** 
ધોનીભાઈ તો ઢીલા છે
છતાં ભક્તો એમના ઘેલા છે
નામ બડે ઔર દર્શન ખોટે
એ જ તો આઈપીએલ છે !

*** 

છેલ્લા બોલે સિકસર વાગે
તો જ લાગે કે ‘મેચ’ છે
ભલે બાકીનું પિલ્લું વાળો
એ જ તો આઈપીએલ છે !

*** 

ફરી ફેલાયા સોફા ઉપર
રિમોટ સહિત પતિદેવ છે
ખાય બગાસાં તોય જુએ છે
એ જ તો આઈપીએલ છે !

*** 

બાર બોલમાં બાવન રન ?
સાલું, કંઈ કહેવાય નહીં
પૂંછડીયા પણ મારી જાય
એ જ તો આઈપીએલ છે !

*** 

આમ જુઓ તો ફીક્સ છે
ને આમ જુઓ તો રીસ્ક !
પણ ના જુઓ તો ના ચાલે
એ જ તો આઈપીએલ છે !

*** 

વારતા એની એ જ છે
છતાં નવી છે ‘સ્ક્રીપ્ટ’
બુકીઓ પણ હલવાયા છે !
એ જ તો આઈપીએલ છે !

*** 

કોઈની ડ્રિમ ઇલેવન
તો કોઈની માય ઈલેવન
જુગાર પણ જ્યાં લિગલ છે
એ જ તો આઈપીએલ છે !

*** 

વધી કેટલી મોંઘવારી
કેટલો ગગડ્યો રૂપિયો ?
હિસાબ ગણવો ના ગમે
એ જ તો આઈપીએલ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments