આપણા જમાનામાં કાં તો ‘લવ’ થતો હતો અથવા નહોતો થતો ! અને ‘લવ’ થયા પછી કાં તો લગન થતાં હતા અથવા નહોતાં થતાં ! ઓકે ?
પણ આજની ‘જેન-ઝિ’ માટે માત્ર ‘લવ’માં જ કેટલી પેટા-કેટેગરીઓ છે ? વાંચીને દંગ થઈ જશો…
***
રીલેશનશીપ :
આનો મતલબ સગાઈ (રીલેશન) નથી હોં ? રીલેશનશીપ એટલે સમજોને લગ્નની ખાતરી વિનાનો માત્ર ‘ગાઢ લાગણીનો સંબંધ’ ! (જરા અઘરું છે, નહીં ? તો આગળ વાંચો…)
***
નેનોશીપ :
આને નેનો કાર સાથે કોઈ સંબંધ નથી ! નેનોશીપ એટલે રીલેશનશીપ ખરી પણ મિની-સાઈઝની ! બહુ લાંબી ના ટકી હોય તેવી ! દાખલા તરીકે એક સાથે ‘બ્રેક-અપ’ થઈ ગયું પછી ‘વિધાઉટ કમિટમેન્ટ’ની રીલેશનશીપ બીજા સાથે શોર્ટ-ટાઈમ માટે થઈ જાયને ? તે !
***
પોલીહાર્મની :
આ જ્યોમેટ્રીની ટર્મ નથી ! આમાં સિરીયસ એક સાથે હોય પણ મજા બીજી ચાર પાંચ વ્યક્તિઓ સાથે ‘ઓન-ગોઈંગ’ હોય છે !
***
ઓર્બિટીંગ :
આનો અર્થ એ નથી કે છોકરો છોકરીની આસપાસ ગોળગોળ આંટા મારે ! (‘ફિલ્ડીંગ નહીં’) આનો મતલબ એ છે કે છોકરી ચેક કરે છે કે છોકરામાં કેટલો ‘દમ’ છે !
***
ફ્રેન્ડશીપ બેનિફીટીંગ :
આમાં એવું હોય છે વડીલ, કે પેલા ‘ઓર્બિટીંગ’ પછી જેને જેને ‘ફ્રેન્ડ’ બનાવવામાં આવ્યા છે તેનાં બેન્ક બેલેન્સ, કાર, બાઈક, મેમ્બરશીપ વગેરેનો જે ફાયદો મળી શકે છે તેનું ‘પ્રોફીટ બુકિંગ’ કરી લેવું !
***
સિચ્યુએશનશીપ :
આ અઘરા ચાંપલા શબ્દનો અર્થ થાય છે કે કોઈ વ્યક્તિ સાથે શારીરીક સંબંધ પણ રાખવા છે છતાં કોઈ સામાજિક બંધનમાં રહેવાની તો તૈયારી નથી !
(ગુજરાતીમાં આપણે જેને ‘ચાલુ હોવું’ કહીએ છીએ તે !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment