યાર, આ ગરમીમાં પણ દિમાગમાં કવિતાઓ ઉકળી રહી છે ! પરંતુ એ સારી હોય… એવું જરૂરી તો નથી ! સાંભળો…
***
કાળી સડક પર છત્રી
છત્રીમાં હોય છાંયો
પણ છાંયામાં હોય ઠંડક
… એવું જરૂરી તો નથી !
***
શિયાળે વહેંચે ધાબળા
શેઠ ગરીબોને જઈ
ઉનાળે એસીમાં સૂવડાવે ?
… એવું જરૂરી તો નથી !
***
બરફના એ પહાડો
ને એડમાં ઠંડા ઝરણાં
સાબુમાં જોડે આવે
… એવું જરૂરી તો નથી !
***
બોસની કેબિન એસી
કાર પણ છે એસી
પણ હોય ના એમની ‘તપેલી’
… એવું જરૂરી તો નથી !
***
ગરમા ગરમ છે છાપું
એનો બનાવો પંખો
નીકળે હવાઓ ઠંડી
… એવું જરૂરી તો નથી !
***
ભર તડકે પડે પંચર
ઢસડીને ચાલતા હો
તોય ગર્લફ્રેન્ડ આપે કંપની ?
… એવું જરૂરી તો નથી !
***
છોકરાંઓને વેકેશન
પત્ની પણ જાય પિયર
તો ય દિલમાં ઠંડક ?
… એવું જરૂરી તો નથી !
***
ગરમ થયું હોય માથું
ને ચા મળે સાવ ઠંડી
તો, ઠંડકથી થાય ઠંડક ?
… એવું જરૂરી તો નથી !
***
બંધ પડ્યા છે ફૂવારા
ને ખાલી પડ્યાં તળાવ
પાણી હોય પ્રજામાં…
… એવું જરૂરી તો નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment