એક બાજુ દેશમાં અગનગોળા વરસતા હોય એવી ગરમી પડી રહી છે, તો બીજી બાજુ અમુક રાજ્યોમાં વીજળી પડવી સાથે મૂશળધાર ‘માવઠા’ થઈ ગયાં !
કંઈક આવી જ દશા બીજાં ક્ષેત્રોમાં પણ થઈ છે ! સવાલ એ છે કે ‘માવઠાં’ પછી ‘માઠી’ દશા સુધરશે કે બગડશે ?
***
ટ્રમ્પે જોરશોરથી ચીન સામે યુદ્ધમાં ઉતરવાના હોય એમ ૧૩૪ ટકા ટેરીફ ફટકારી દીધી હતી !
હવે એમાં ‘માવઠું’ થયું છે ! ટ્રમ્પજીએ ટેરીફમાંથી સ્માર્ટફોન, કોમ્પ્યુટર અને બીજી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સને રાહત આપી દીધી છે !
સવાલ એ છે કે બે દેશોની વચ્ચે જે ‘માઠી’ બેઠી છે એ સુધરશે ખરી ?
***
અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન યોજાઈ ગયું. સોનિયાજી, રાહુલજી, ખડગેજી સૌએ ભાજપ ઉપર ટીકાની ઝડીઓ વરસાવી. બધા ખુશ હતા !
જોકે આ માત્ર ‘માવઠું’ જ લાગ્યું ! કેમકે ગુજરાતમાં છેલ્લા ૩૦ વરસથી જે ‘માઠી’ બેઠી છે એમાં કોઈ ફેર પડે એમ લાગતું નથી!
***
શેરબજારમાં તો મંદીની ‘માઠી’ એવી બેઠી હતી કે ભલભલા ખેરખાં ફફડી ગયા હતા !
એમાં વળી ટ્રમ્પે ૯૦ દિવસની મુદત પાડીને ‘માવઠું’ નાંખ્યું ! ફરી તેજી આવી ગઈ ! સવાલ એ છે કે તુંડમિજાજી ટ્રમ્પના રહેતાં ‘માઠી’ જશે ખરી ?
***
સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ની ટિકીટબારી ઉપર ચોમાસું બેઠું જ નહીં ! જરીક સો-સવાસો કરોડનું ‘માવઠું’ થયું એટલું જ!
હવે સલમાનભાઈની ‘માઠી’ ફાઈનલ છે કે હજી રિકવરીના ચાન્સ ખરા ?
***
એવું જ ધોનીનું છે ! ભાઈસાહેબ ચેન્નાઈ ટીમના ફરી કેપ્ટન બન્યા તો સૌને લાગ્યું વાહ મજા આવશે !
ત્યાં તો ધોનીભાઈની ટીમ બિલકુલ શરમજનક રીતે હારી ગઈ ! રીતસરનું ‘માવઠું’ ! હવે એ જ સવાલ… ધોનીની ‘માઠી’ ચાલુ જ છે ને ? કે ‘માનભેર’ રિટાયર થવાની વાર છે ?
***
બાકી કોમનમેનની જિંદગીમાં ‘માઠી’ હોય કે ‘માવઠું’… બધું સરખું જ છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment