બોલીવૂડમાં 'બોર' વેચાય !

બોલીવૂડની નવાઈ એ છે કે અહીં જે ફિલ્મસ્ટારના ૫૦ લાખ ફોલોઅર હોય એની ફિલ્મની ૫૦ ટિકીટ પણ ક્યારેક વેચાતી નથી ! અને છતાં એ ‘સ્ટાર’ જ રહે છે !

આજકાલ બોલીવૂડ ‘ન્યૂઝ’માં હોવાં કરતાં ‘ગોસિપ’માં વધારે છે ! જુઓ નમૂના…

*** 

કહેવાય છે કે સલમાન ખાનની ‘સિકંદર’ ફિલ્મે ૧૫૦ કરોડનો વકરો કર્યા છતાં તે ફ્લોપ કહેવાય છે…

- પણ ભાઈસાહેબ, અર્જુન કપૂરની છેલ્લી ૧૦ ફિલ્મોનો ટોટલ વકરો ૩૦ કરોડથી વધારે નથી ! છતા એની પાસે ત્રણ નવી ફિલ્મો છે !

આ છે બોલીવૂડ…

*** 

કહેવાય છે કે રશ્મિકા મંદાના જે ‘સિકંદર’માં હિરોઈન હતી તેની ‘સિકંદર’ ફિલ્મ ફ્લોપ જતાં જ રશ્મિકાનું બજાર ‘તળિયે’ બેસી ગયું છે ! બોલો.

- ઓહોહો, આ હિસાબે તો કરીના કપૂર, કેટરીના કૈફ, જાહનવી કપૂર, સારા અલી ખાન અને તાપસી પન્નુનાં બજાર તો ‘પાતાળ’માં જતાં રહ્યાં હશે નહીં ?

આ છે બોલીવૂડ…

*** 
કહેવાય છે કે ઓસ્કારમાં એન્ટ્રી પામેલી બોલીવૂડની ‘લાપતા લેડીઝ’ની સ્ટોરી ઈરાનની શોર્ટ ફિલ્મ ‘બુરખા સિટી’ને આબેહૂબ મળતી આવે છે !

પરંતુ બોલીવુડના લેખકે દાવો કર્યો છે કે ઇરાની ફિલ્મ બને એ પહેલાં જ પોતે પોતાની સ્ટોરી ભારતમાં રજીસ્ટર કરાવી હતી ! બોલો.

- હવે ‘લાપતા લેડીઝ’વાળા પેલા બિચારા ઇરાની ફિલ્મ મેકર પર ચોરીનો આરોપ તો નહીં મુકે ને ? જો ના મુકે તો સમજવું કે…

આ છે બોલીવૂડ…

*** 

કહેવાય છે કે ગાયિકા શ્રેયા ઘોષાલનું હેક થયેલું એક્સ એકાઉન્ટ છેક બે મહિના પછી એક્ટિવ થયું !

અને પેલા કુણાલ કામરાની બે ચાર વિડીયો પોસ્ટ ડીલીટ થઈ એમાં તો બોલીવૂડમાં હોહા મચી ગઈ ! બોલો.

આ છે બોલીવૂડ…

*** 

કહેવાય છે કે છેલ્લા છ મહિનામાં બોલીવૂડના સ્ટારોએ મુંબઈમાં પોતાના ફ્લેટો વેચીને ‘કરોડો’નો નફો ઘરભેગો કરી લીધો છે.

- આ તો હજી સારું છે કે ઘરેણાં વેચવાનો વારો નથી આવ્યો ! બાકી…

આ છે બોલીવૂડ…

***

- મન્નુ શેખચલ્લી

Comments