અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોર છેડીને આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે ! પણ સાથે સાથે હાહા-હીહીનું બજાર પણ ફાટી નીકળ્યું છે ! સાંભળો ટ્રમ્પની લેટેસ્ટ જોક્સ…
***
ટ્રમ્પે એક બાજુ રશિયા અને નોર્થ કોરિયા ઉપર જરાય નવી ટેરિફ નાંખી નથી ! પણ બે ટાપુ જ્યાં માત્ર પેગ્વિન પક્ષીઓની વસતી છે એની ઉપર ૧૦ ટકા ટેરીફ ઝીંકી છે !
લાગે છે કે ટ્રમ્પને સરમુખત્યારો કરતાં પેંગ્વિનોથી વધારે ડર લાગે છે !
***
કોવિડ-૧૯ની મહામારી વખતે ટ્રમ્પના રાજમાં સાડા પાંચ લાખ જેટલા અમેરિકનો મરી ગયા હતા. યાદ છે ને ।?
- આ વખતે તો એના કરતાં ઘણું સારું છે ! બધાં જીવતા તો છે ને ?
***
૪૦,૦૦૦ અમેરિકનો નોકરીમાંથી કાઢી મુકવાથી ત્યાંની ઈકોનોમીમાં એક સુધારો જરૂર દેખાયો છે…
- દારૂનું વેચાણ ખૂબ વધી ગયું છે !
***
બે કેનેડીયન રાજદૂતો વ્હાઈટ હાઉસની વિશાળ લાયબ્રેરીમાં દાખલ થયાં. એમને ખરેખર નવાઈ લાગી કે ઓહોહો… અહીં ટ્રમ્પ હોવા છતાં સાચી માહિતીથી ભરપૂર પુસ્તકો વાંચવા ઉપર પ્રતિબંધ નથી !
એમણે આખી લાયબ્રેરીમાં આંટા માર્યા. પછી છેવટે લાયબ્રેરીયનને પૂછ્યું :
‘અહીં ટ્રમ્પની 'વર્લ્ડ બિઝનેસ પોલીસી' વિશે કોઈ પુસ્તક છે ખરું?’
લાયબ્રેરીયને ઊંચા અવાજે કહ્યું ‘ગેટ આઉટ ! ગેટ આઉટ !’
પેલા કેનેડીયનો બોલી ઉઠ્યા : ‘યસ ! એ જ છે પુસ્તકનું નામ !’
***
અબ્રાહમ લિંકન ‘અસત્ય’ શું છે એ જાણતા નહોતા.
રિચાર્ડ નિક્સન 'સત્ય' શું છે એ જાણતા નહોતા.
અને ટ્રમ્પ એ બે વચ્ચે ‘ફરક’ શું છે એ જ જાણતા નથી !
***
ટ્રમ્પ : ‘અમે ઇરાનને નરક બનાવી દઈશું… અમે ગાઝા પટ્ટીને સફાચટ કરી નાંખીશું… અમે હૂતીઓને વીણી વીણીને મારી નાંખીશું…’
રિએક્શન : કોઈ નહીં…
ટ્રમ્પ : ‘અમે દુનિયાભરના દેશો પર ટેરિફ નાંખીશું !’
રિએક્શન : હાહાકાર ! હાહાકાર !!
(બોધ : દુનિયા આજે મોતથી નહીં પણ ખોટથી જ ડરે છે !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment