ભૂલકણા ભૂલાકાકાના 'મેમરેબલ' કિસ્સા !

‘પોયરા તું કોણ ? તને જોયેલો જોયેલો લાગિયા કરે ! તું કોણને તાંનો પોયરો ? હારું, ઓરખાણમાં નીં આવતું… હું નામ તારું ?’

આવું કોઈ અજાણ્યા માણસને કહેતા હો તો સમજ્યા, પણ જ્યારે કોઈ કાકો પોતાના સગા ભત્રીજાને આવું કહેતો હોય ત્યારે પેલા ભત્રીજાને કેવું લાગે ?

અમારા ગુંદલાવ ગામનો જેન્તી માત્ર ત્રણ વરસ માટે દૂબઈ-મસ્કત જઈને પાછો આવેલો. પોતાના સગા કાકા માટે એ ‘બહાર’ના કાપડનો મોંઘો પિન્ટ-પિસ લઈને આવેલો, કાકાને પગે લાગીને હજી ‘કેમ છો’ કરે છે ત્યાં તો કાકો આંખો ઝીણી કરીને, ચશ્મા કાઢીને બે વાર લૂછીને ફરી પહેરીને આવું પૂછે, તો કેવું લાગે ?

આઘાત જ લાગે ને ? સાવ અડોઅડ, બાજુના જ ઘરમાં ઉછરીને મોટા થયેલા ભત્રીજાને કાકો સાવ ભૂલી ગયો ?

પણ એમાં પહેલો વાંક કુદરતનો, અને બીજો વાંક કાકાની ફોઈનો, જેમણે એમનું નામ ‘ભૂલાભાઈ’ પાડેલું ! જી હા, સિત્તેર વરસની ઉંમરે અમારા ભૂલાકાકાને ભૂલી જવાનો રોગ લાગુ પડી ગયો હતો.

‘ભૂલાકાકા, મેં તમારા નાલ્લાભાઈ અમરતભાઈનો બીજા નંબરનો જેન્તી ! કાલે જ તો દૂભઈથી આઈવો, મને ભૂલી ગિયા કે ? પાય લાગું કાકા…’

એમ કરીને જેન્તી હજી ભૂલાકાકાને પગે લાગવા જાય છે ત્યાં કાકા પોતાના પગ ઊંચા કરીને ખેંચી લેતાં કહે છે : ‘તું વરી કે’દાડનો (કયા દિવસનો) મારો ભત્રીજો ? હાહરીના, મારા પગે પડીને પૈહા કડાવવા આઈવો કે ? એક રૂપિયો નીં આપા !’

છેવટે જ્યારે ભૂલાકાકાનાં ઘરવાળાં વચ્ચે પડીને સમજાવે છે કે ‘આ આપણા અમરતકાકાનો પોયરો… દૂબઈ ગેલો તે…!’

‘દૂબઈ ગેલો તે તો જેન્તી !’ કાકા બોલે છે.

જવાબમાં બધાં સામટાં બોલી ઊઠે છે : ‘એ જ તો છે આ જેન્તી !!’

ફરી આંખો ઝીણી કરતાં ભૂલાકાકા હવે સ્હેજ મલકાઈને કહે છે ‘તે જ તો મેં વિચારું…? પોયરાને કેથે જોયેલો જોયેલો લાગે !’

લો બોલો ! ચારેબાજુ હસાહસી ચાલે… પણ ભૂલાકાકાને આવું અવારનવાર થતું ચાલેલું. આમ પાછો શરીરમાં બીજો કોઈ રોગ નહીં. ના પ્રેશર, ના ડાયાબિટીસ, ના કોઈ બીજી બિમારી… પણ આ ભૂલી જવાવાળું ગમે ત્યારે ત્રાટકે અને અણધાર્યું ત્રાટકે !

સાંજ પડે એ પોતાનું જુનું લેમ્બ્રેટા મોપેડ લઈને નીકળી પડે. ક્યારેક ખેતર બાજુ તો ક્યારેક પોતાની આંબાવાડી તરફ… ત્યાંથી પાછા આવતાં ક્યારેક કોઈ ભલતી જ દિશામાં જતા રહે. બાજુના ગામમાં કોઈના ઘર સામે મોપેડ ઊભું રાખીને ઘરના ઓટલે બેસી જાય !

‘પોરી પાણી લાવજે !’ પોતાની પુત્રવધૂને બોલાવતા હોય એમ હુકમ કરે. ઘરની સ્ત્રી પાણી લઈને આવે તો લોટો લઈને મોં પણ ધોઈ નાંખે ! પછી ચશ્મા આંખે ચડાવતાં પૂછે :

‘પોરી તું કોણ ? મારા ઘરમાં કેમ આવેલી ? કોણ થાય તું અમારી ?’

ભૂલાકાકાની આ ભૂલભૂલામણી ધીમે ધીમે જાણીતી થઈ ગયેલી એટલે એ લોકો સમજાવે કે ‘કાકા, આ તમારું ઘર નીં મલે, તમે ભૂલા પઈડા !’

થોડું સમજાવ્યા પછી ભૂલાભાઈને ‘બત્તી’ થાય. ફળિયાના બે જણા એમને અમારા ગામે પાછા મુકવા આવે… ત્યારે ભૂલાકાકા પોતાના જ ઘર સામે પોતાના જ મોપેડની પાછલી સીટ પરથી ઉતરીને આંખો ઝીણી કરતાં બોલે : 

‘હહરીનું, આ ઘર તો જોયેલું જોયેલું જેવું લાગિયા કરે !’ બોલો, હદ કહેવાય ને ?

કોઈ લગ્ન પ્રસંગે ભૂલાકાકાને ક્યાંક લઈ ગયા હોય તો તે મોટી ઉપાધિ ! એમને મળવા આવનારી દરેક વ્યક્તિને પૂછે ‘તું કોણ ? કોણને તાંની પોરી ? તને કોણને તાં પણ્ણાવેલી (પરણાવેલી) ?’ એ બધું તો ઠીક, છેલ્લે પૂછે ‘તું અંઈ હું કરિયા કરે ?’

આવા એક લગ્ન પ્રસંગે વડીલ ઠરીઠામ થઈને એક ખુરશીમાં બેઠા હતા. બાજુમાં બેઠેલા લોકોની વાતો સાંભળી રહ્યા હતા. એવામાં કોઈ ‘વલ્લભભાઈ’ની વાત નીકળી, કે ‘એ ક્યાં છે આજકાલ ?’ 

ત્યાં કોઈએ કહ્યું ‘એ તો મરી ગિયા, ખબર નીં ?’

બસ, આ સાંભળતાં જ ભૂલાકાના કાન અધ્ધર થઈ ગયા !

‘વલ્લભકાકો મરી ગિયો ? હહરીનાઓ ! તમુંને કંઈ હરમ જેવું મલે કે નીં ? વલ્લભકાકો મરી ગિયો, ને તમે લોકો અંઈ બેહીને લગન ખાયા કરે ? ચાલો ચાલો, ઊભા થાવો… વલ્લભની કાંણે જવા પડવાનું !’

બધા સમજાવે કે વલ્લભકાકાને મરી ગયાને તો બે મહિના થઈ ગયા… તમે પણ એમના બારમામાં આવેલા… લાડવા હો ખાધેલા… ભૂલી ગિયા ?

આવે વખતે છોભીલા પડવાને બદલે ભૂલાકાકા સામો હુમલો કરે : ‘હહરીનાઓ ? મને ભૂલકણો જાણીને ઉલ્લુ બનાવતા છે ? મેં અમણાં ને અમણાં ચાઈલો ! વલ્લભને તાં જેઈને તમુંને ખાતરી કરીને બતલાવું !’

છેવટે એમને સારી રીતે ઓળખનારાઓ વચ્ચે પડે. ‘હારું ભૂલાકાકા… આ લગન પતવા દેવો. પછી ડાયરેક વલ્લભકાકાને ગામે જવાના ! ઓકે ?’

ભૂલાકાકા શાંત પડે… અને લગ્નપ્રસંગ પતે ત્યાં સુધીમાં તો આખી વાત જ ભૂલી જાય ! ‘કોણ, વલ્લભકાકો ? હહરીનું નામ તો હાંભરેલું હાંભરેલું લાગિયા કરે !’

આમ જોવા જાવ તો ભૂલાકાકા ગામલોકો માટે મનોરંજનનું સાધન હતા, પરંતુ ક્યારેક ઘરવાળા માટે બહુ અકળામણ ઊભી કરી નાંખે. કોઈ મહેમાન આવ્યું હોય તો તેની સામે ભૂલાકાકા ચાલુ પડી જાય :

‘મારી વોઉઓ (વહુઓ) બો’ નીં હારી, જો ! અત્યારે બપોરના બે વાગી ગિયા, તો હો અજુ મને ભૂખો જ રાખેલો…. હાહુઓ મને પૂછવા હો નીં આવે કે તમે જમવાના કે ? જોજે, કોઈ દા’ડો મેં આમ જ ભૂખો મરી જવા…’

આવું સાંભળીને ઘરની વહુ બહાર આવીને કહે કે ‘તમે ખાધું તો ખરું !’ 

છતાં ભૂલોકાકો માને જ નહીં ? ‘જોયું ? મને ભૂલકણો જાણીને હાહરીની પોરીઓ ને ભૂખે જ લાખવાની !’

છેવટે વધેલું શાક ગરમ કરીને, નવો રોટલો ટીપીને, વહુ ભાણું કરીને લાવે ત્યારે થોડુંક ખાતાં અટકીને કહે ‘હારું… આ તો ખાધેલું ખાધેલું જેવું લાગે !’

આમ જોવા જાવ તો એમનું કંઈ જ નક્કી નહીં. ક્યારેક સાવ નજીકના ભૂતકાળની વાત ભૂલી જાય તો ક્યારેક બહુ જુના ભૂતકાળની ઘટના સાવ વિચિત્ર રીતે ભૂલી જાય !

અમારો દૂબઈ રિટર્ન જેન્તી આવેલો હતો તેની સાથે વાત કરતાં કરતાં કહે ‘તારી કાકીને મઈલો કે નીં ? હું લાઈવો તેના હારું ?’

જેન્તી જરા સંયમ રાખીને યાદ કરાવે કે ‘કાકા, કાકી તો ચાલી ગેઈને છ વરહ થિયાં…’

‘હું વાત કરિયા કરે ?’ ભૂલાકાકા હસવા લાગે. ‘જરીક ઘરમાં જોઈને જો, એ ચૂલા પાંહે બેહીને પાપડ હેકિયા (શેક્યા) કરે !’

ભૂલાકાકાનાં પત્નીનો સ્વર્ગવાસ થઈ ચૂક્યો છે એની ખાતરી કરાવવા જ્યારે એમને કાકીનો હાર ચડાવેલો ફોટો બતાડવામાં આવે ત્યારે ઝીણી આંખો કરીને પૂછે ‘આ કોણ ? હહરીની જોયેલી જોયેલી જેવી લાગે…’

આવી જ રીતે એકવાર ભૂલાકાકા ફ્લેશબેકમાં ભૂલા પડેલા. એ ભૂલભૂલામણી તો બહુ યાદગાર છે ! 

કાકા  અમારા જેન્તીને કહે ‘તું જ મારો હાચો હગો (સગો) છે. મારાં પોયરાંએ તો મને વીરપુરની જાત્રા હોં નીં કરાવી ! મેં બાધા રાખેલી… પણ અવે બાધા પુરી કઈરા વગર જ મરી જવાનો !’

ભૂલાકાકાના દિકરાઓએ યાદ કરાવ્યું ‘બાપૂજી, આપણે વીરપુર ગયેલા તો ખરા ! પાંચ વરસ થેઈ ગિયા એ વાતને…’

પણ ભૂલોકાકો માનવા જ તૈયાર નહીં ! એ તો જીદ લઈને બેઠો ‘મને કોઈ વીરપુરની જાત્રાએ કોઈ જાવો, નીં તો મેં અન્ન-જળનો તિયાગ કરીને મરી જવા…’

સૌને એમ હતું કે ભૂલોકાકો કાલે સવારે ઉઠશે ત્યાં સુધીમાં બધું ભૂલી જશે. પણ ના ! આ વખતે ભૂલાકાકાની ચોંટી ગયેલી પિન ઉખડી જ નહીં ! છેવટે જ્યારે ચાર ચાર ટંક સુધી ભૂલાકાકાએ થાળીને હાથ ના લગાડ્યો ત્યારે અમારા જેન્તીએ કીધું ‘કાકા, મેં તમુંને વીરપુર લેઈ જવા !’

આમ પણ દુબઈ-મસ્કતવાળા કે યુકે-કેનેડાવાળા ઇન્ડિયા આવે ત્યારે એક વાર તો વીરપુરમાં જલારામ બાપાનાં દર્શને જરૂર જતાં હોય છે. જેન્તીએ ટેક્સી કરી લીધી. સાથે ભૂલાકાકા, એમનો મોટો દિકરો અને જેન્તીનો નાનો ભાઈ.

આખા રસ્તે ભૂલાકાકા કીધે રાખે ‘આવું તો ઉતું જ નીં… આવો રસ્તો જ કાં ઉંતો ? આવી ગરમી હો નીં ઉતી… મને કોઈ વીરપુર લેઈ જ નીં ગેલું…’

દિકરો વાંરવાર સમજાવે કે તે વખતે શિયાળો હતો, આપણે કારમાં નહીં, બસમાં ગયેલા, હવે રસ્તો નવો બની ગયો છે… પણ ભૂલોકાકો માને જ નહીં.

એક તો ઘરેથી નીકળતાં બાધા લીધેલી કે ‘જાં લગી બાપા (જલારામ)નાં દરસન નીં કરું તાં લગી મોંમાં અન્નનો દાણો નીં લાખું !' એટલે વીરપુર પહોંચતાં પહોંચતા ભૂલાકાકાનો જઠરાગ્નિ એટલો બધો જાગૃત થઈ ગયેલો કે એ જાતજાતની લવારીએ ચડી ગયેલા ! 

તેથી એમને ઝટપટ દર્શન કરાવીને ચાલુ પંગતે રિક્વેસ્ટ કરીને ફટાફટ જમાડવા બેસાડી દીધા.

આ બાજુ પિતરાઈઓએ પોતે દર્શન કર્યાં. ભૂલાકાકાની બાધા ઉતારી, પ્રસાદ લીધો અને ત્યાં સુધીમાં જમી રહેલા ભૂલાકાકાને કારમાં બેસાડ્યા. ‘તમે શાંતિથી અહીં બેસો. અમે જમીને આવીએ…’

એ દરમ્યાનમાં ભૂલાકાકાને આવી ગઈ ઊંઘ ! પિતરાઈઓ બધું પતાવીને પાછા આવ્યા. કાર ઉપડી… હવે જાગી ગયેલા ભૂલાકાકા બારીમાંથી બહાર જોઈને બબડ્યા કરે છે : 

‘અજુ નીં આઈવું ?... અજુ કેમ નીં આઈવું ? અજુ નીં આઈવુ ? …. અજુ કેમ નીં આઈવું ?’

આખરે જ્યારે ટેક્સી રિટર્ન જર્નીમાં ગોંડલના પ્રખ્યાત ભુવનેશ્વરી માતાના મંદિર આગળ ઊભી રહી તો ભૂલાકાકાની છટકી ‘આ મને કાં લેઈ આઈવા ? આ તો કંઈ ભલતું જ મંદિર લાગે ! જલારામ બાપાનું મંદિર કાં છે ?’

એમને સમજાવ્યા કે ‘ત્યાં તો આપણે જઈને આવ્યા !!' પણ એ માને જ નહીં !

‘હાહરીનાઓ, તમે મને મારી લાખવાના ! મારી બાધા પુરી નીં થહે તો મેં નરકમાં જવા… કોઈ મને વીરપુર લેઈ ચાલો રેએએ….!!!’

ભૂલાકાકાએ રીતસરનો ભેંકડો તાણ્યો ! આ બાજુ બધા ગભરાયા..ભૂલાકાકાનો તમાશો ભીડ ભેગી કરે એના પહેલાં ભત્રીજાએ એમને કારમાં બેસાડ્યા ! ફરી વીરપુર લઈ ગયા !

ત્યાં ટેક્સીમાંથી ઉતરતાંની સાથે ભૂલાકાકા કહે છે : ‘હારું… આ તો કંઈ જોયેલું જોયેલું જેવું લાગિયા કરે !’

***

- મન્નુ શેખચલ્લી 

E-mail : mannu41955@gmail.com

Comments

  1. U have great command over language
    Salute

    ReplyDelete
  2. ભૂલાઈ નહીં એવા ભૂલાકાકા... એક એક થી ચડિયાતા પાત્રો લાવો છો... શાહબુદ્દીન ભાઈની થાનગઢની પાત્રસૃષ્ટિ યાદ આવી ગઈ...

    ReplyDelete

Post a Comment