ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર પ્લેયરોની દશા બોલીવૂડના અક્ષયકુમાર જેવી થઈ રહી છે ! ‘નામ બડે દર્શન ખોટે… લાઈફ ઝંડવા, ફિર ભી ઘમંડવા’ !
આ સુપરસ્ટારો હજી ચેમ્પિયન્સ ટ્રોફી સુધી તો મનોરંજન પૂરું પાડવાના જ છે ! જુઓ એમના હાલ…
***
એક તરફ રણજી ટ્રોફી મેચોના ઇતિહાસમાં રેકોર્ડ કહી શકાય એટલા પ્રેક્ષકો દિલ્હીમાં મેચ જોવા આવ્યા…
બીજી તરફ કોહલીનો રેકોર્ડ જરૂર બન્યો ! એ ૨૭૦૦૦થી વધુ પ્રેક્ષકો સામે માત્ર ૬ રનમાં ક્લીન બોલ્ડ થયો !
***
કોહલીની બ્રાન્ડ વેલ્યુ ૧૨૦૦ કરોડની છે ! આટલી ખરાબ રીતે સતત આઉટ થવા છતાં એકપણ બ્રાન્ડ તેને છોડતી નથી. કેમ ?
કારણ કે કોહલી હવે જોક્સ અને મિમ્સમાં વધારે ફેમસ છે !
***
માત્ર કોહલી જ નહીં, રોહિત શર્મા, શુભમન ગિલ, કે એલ રાહુલ અને રિષભ પંત જેવા ધૂરંધર ગણાતા બેટ્સમેનોનાં ડાંડીયા રણજી ટ્રોફીની મેચોમાં ઉડી રહ્યાં છે.
અરે ભઈ, કોણ કહે છે કે આ લોકોની ઓસ્ટ્રેલિયામાં ‘શરમજનક’ હાલત હતી ? સાચા અર્થમાં ‘ઇજ્જતના ભડાકા’ તો ઇન્ડિયામાં જ થઈ રહ્યા છે ! એ પણ સાવ લબરમૂછિયા બોલરો સામે !
***
તમને ખબર છે ? કાશ્મીરની ટીમ સામે હાર્યા પછી રોહિત શર્માને મુંબઈની ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો છે ?
વેલ, તમને તો ખબર હશે, પણ ચીફ સિલેક્ટર અજીત અગરકરને હજી એની ખબર પડી લાગતી નથી !
***
આઈસીસીએ ઉદ્ઘાટન સમારંભ કેન્સલ કરવાથી હવે રોહિત શર્માને પાકિસ્તાનમાં જવું નહીં પડે.
બિચારો રોહિત શર્મા તો પ્રાર્થના કરતો હશે કે મેચો રમવા દૂબઈ પણ ના જવું પડે તો કેવું સારું ?
***
આ પાંચે પાંચ ટોપ ક્રિકેટરો માટે એક જ વાત રાહત આપનારી છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ જવા માટે માત્ર ત્રણ જ મેચ રમવી પડશે !
હાશ, ‘એવરેજ’ તો નહીં બગડે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment