‘ફેક ન્યુઝ’ કોને કહેવાય ? મતદાન પછી જે એક્ઝિટ પોલના ૧૧ વર્તારા બહાર પડ્યા હતા તે ! (એક જ સાચો પડ્યો આંકડાના હિસાબે) પરંતુ અમે લાવ્યા છીએ ‘ફેંક’ ન્યુઝ ! યાને કે ગપ્પાં…
***
ભાજપ પ્રમુખ નડ્ડાએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને ફોન કરીને ચૂંટણી હારી જવા બદલ અભિનંદન આપ્યા હતા અને ભાજપને ભવ્ય જીત અપાવવા બદલ આભાર માન્યો હતો !
***
કોંગ્રેસના હજારો કાર્યકરોએ પણ રાહુલ ગાંધીને અભિનંદન આપ્યા હતાં… દિલ્હીમાં સળંગ ખોબલે ખોબલે ત્રણ વાર ‘ઝીરો’ની હેટ્રિક કરવા બદલ !
***
‘આપ’ના કાર્યકરોએ કેજરીવાલના કરુણ વિદાય સમારંભમાં આંખમાં આંસુ સાથે વિદાય આપતાં માગણી કરી હતી કે કેજરીવાલના ‘શીશમહલ’ નામના નિવાસ સ્થાનને ‘પ્રમાણિક્તા સ્મારક’ તરીકે જાળવી રાખવામાં આવે !
***
જોકે આ કરુણ વિદાય સમારંભમાં આતિશીજી રડતાં દેખાયાં નહોતાં ! અગાઉ ત્રણ ત્રણ વાર મિડીયા સમક્ષ રડી રહેલા આતિશીએ જણાવ્યું હતું કે ‘કેજરીવાલજીનું બીપી હજી નોર્મલ છે. જ્યારે તે ફરી જેલમાં જશે ત્યારે હું જરૂરથી રડીશ !’
***
પેલી બાજુ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચિંતામાં છે. તેમણે આગોતરાં પગલાં રૂપે પંજાબની બોર્ડર સીલ કરી દેવાના આદેશો આપ્યા છે ! એમને ડર છે કે દિલ્હીમાંથી નવરા પડેલા કેજરીવાલ હવે પંજાબના સીએમ બનવા માટે આવી પહોંચશે !
***
તિહાર જેલમાં કેજરીવાલ તથા સિસોદીયા સાથે જે કેદીઓની દોસ્તી થઈ ગઈ હતી તેમણે કહેવડાવ્યું છે કે ‘જલ્દી અહીં પાછા આવી જાવ ! આપણે ફરીથી જલસા કરીશું !’
***
એક તરફ હવે મહિને ૨૫૦૦ રૂપિયા મળશે એવી આશામાં દિલ્હીની મહિલાઓ ખુશ છે (જેમાં સ્વાતિ માલિવાલ અને કેજરીવાલના પત્ની પણ છે)
બીજી તરફ દિલ્હીમા હવે ‘લિકર પોલીસી’ બદલાઈ જશે એ ડરથી દિલ્હીના દારૂડીયા ટેન્શનમાં છે ! (જેમાં ભાજપના કાર્યકરો પણ છે.)
… સાંભળતા રહો, ‘ફેંક ન્યુઝ’ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment