ફેસબુકમાં ઘણીવાર મેઇન પોસ્ટ કરતાં એની નીચે આવેલી કોમેન્ટો જ વાંચવા જેવી હોય છે !
દાખલા તરીકે જો કોઈએ ‘આજકાલની ગુજરાતી ફિલ્મો રેઢિયાળ છે, બકવાસ છે… વગેરે વગરે…’ કરીને આખો લેખ લખી નાંખ્યો હોય તો નીચે આવી કોમેન્ટો આવશે.
***
- ભાઈને પ્રિમિયરના ફ્રી પાસ મળ્યા લાગતા નથી. અથવા પ્રિમિયરમાં પોપ-કોર્ન નહીં મળ્યા હોય.
- હું તો ગુજરાતી ફિલ્મો જોતો જ નથી. હું તો ઇરાનિયન, કોરિયન અને સ્પેનિશ એવી ફિલ્મો જ જોઉં છું.
- આ ભાઈ હજી ગુજરાતમાં કેમ બેઠા છે ? ઇરાન કે કોરિયા કેમ નથી ગયા ?
- ગુજરાતીઓને ગુજરાતી ભાષા માટે કોઈ ગૌરવ જ નથી.
- આમાં ગૌરવની વાત ક્યાં આવી ? આપણે ગુજરાતી ગરબા નથી ગાતા ? ગુજરાતી છાપાં નથી વાંચતા ?
- અંગ્રેજી ના આવડતું હોય તો ગુજરાતી છાપાં જ વાંચવા પડે ને.
- અમુક લોકો ખાલીખોટા ફાંકા મારતા હોય છે. બાકી ઇંગ્લીશ ફિલ્મો પણ હિન્દી ડબિંગમા જ જુએ છે.
- ગુજરાતી ફિલ્મો ખાડે ગઈ છે. કોઈને ફિલ્મ બનાવતાં આવડતું જ નથી.
- તમને બહુ આવડતી હોય તો તમે જાતે બનાવીને બતાડો.
- આ તો કંઈ દલીલ છે ? ખરાબમાં ખરાબ કડિયો પણ કદી નથી કહેતો કે તમે જાતે દિવાલ ચણીને બતાડો.
- સારું કડિયાકામ કરાવવું હોય તો મારી ઓળખાણમાં બે ચાર સારા કારીગર છે.
- અહીં સારી ફિલ્મોની વાત ચાલી રહી છે.
- મારી પાસે એક જોરદાર સારી સ્ટોરી છે. કોઈને જોઈતી હોય તો કહેજો.
- બધાને પોતાની સ્ટોરી સારી જ લાગતી હોય. પબ્લિકને પસંદ બી પડવી જોઈએ ને.
- ગુજરાતી પબ્લિકનો ટેસ્ટ જ બગડી ગયો છે. હવે તો તેલુગુ અને તામિલ ફિલ્મો જોવા પાછળ ૫૦૦-૫૦૦ રૂપિયા ખર્ચી નાંખે છે. પણ ગુજરાતી ફિલ્મો જોવા જતા નથી.
- અગાઉ ટેક્સ-ફ્રી હતી તે સારું હતું. મેં ૩૦-૩૦ રૂપિયામાં જોયેલી છે.
- એ વખતે ટેક્સ-ફ્રી ફિલ્મોના થિયેટરની સીટમાં માંકડ પણ ફ્રી આવતા હતા.
- અમારું ૨૫ કપલ્સનું ગ્રુપ છે. કોઈ સારી ગુજરાતી ફિલ્મવાળા વાજબી ભાવે ઓફર કરતા હોય તો ૫૦ ટિકીટ લઈશું.
- ભાઈ, અમારું તો આખુ જ્ઞાતિમંડળ છે. પણ એ લોકો ફેસબુકમાં સારા રીવ્યુ લખે એને જ ફ્રીમાં બતાડે છે.
- જ્ઞાતિમંડળને તો ગુજરાતી નાટક જ સારુ પડે.
- મારી પાસે એક જોરદાર નાટકની સ્ટોરી છે. કોઈને જોઈતી હોય તો કહેજો…
- કોઈ જોડે ગુજરાતી ફિલ્મનાં પ્રિમિયરના પાસ પડ્યા હોય તો કહેજો ને. મારું ટીવી બગડી ગયું છે...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment