દેશ અને વિદેશના સમાચારોમાં અમુક ન્યુઝ તો એવા હોય જ છે કે જેમાં કંઈ ને કંઈ ‘ટિપ્પણી’ કરવાનું મન થાય, થાય ને થાય જ ! જુઓને…
***
ન્યુઝ :
અદાણી ગ્રુપના હિસાબી ગોટાળા બહાર પાડનાર ‘હિન્ડનબર્ગ’ કંપની બંધ થવાથી અમુક લોકો બહુ ખુશ થઈ રહ્યા છે…
ટિપ્પણી :
શાંતિ રાખો ભૈશાબ ! એ એક કંપની બંધ તો થઈ છે પણ એમના ૧૧ એક્સ્પર્ટ પાર્ટનરો પોતપોતાનું ‘નવું’ ચાલું કરવાના છે ! એટલે હવે એક નહીં પણ અગિયારથી ચેતવું પડશે…
***
ન્યુઝ :
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થવાના કરારો થયા.
ટિપ્પણી :
આ તો ત્રીજી વાર થયું ! આમાં ખરેખર તો એવું લાગે છે કે હમાસ સતત હાથ જોડીને ઈઝરાયેલને કહી રહ્યું છે કે ‘ભૈશાબ, હવે તો ખમૈયા કરો ?’
***
ન્યુઝ :
કંગના રાણાવતની ફિલ્મ ‘ઇમરજન્સી’ બાંગ્લાદેશમાં પ્રતિબંધિત થઈ છે.
ટિપ્પણી :
એમાં શી નવાઈ ? જે દેશના લોકો પોતાના રાષ્ટ્રપિતા સમાન મુજિબ ઉર રહેમાનને પણ ‘કેન્સલ’ કરી શકતા હોય એમને માટે આપણા સેક્યુલરોનો પ્રિય શબ્દ ‘ઇન્ટોલરન્સ’ પણ નકામો છે !
***
ન્યુઝ :
દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસે જાહેર કર્યું છે કે તે માત્ર ૫૦૦ રૂપિયામાં ગેસનો બાટલો આપશે.
ટિપ્પણી :
યાર, કોંગ્રેસ ફરીથી થાપ ખાઈ ગઈ ! ખરેખર તો ૫૦૦ રૂપિયામાં બાટલાને બદલે ‘બાટલી’નું વચન આપવાની જરૂર હતી !
***
ન્યુઝ :
સૈફ અલી ખાન ઉપર ચાકુ વડે હુમલો થયા પછી પૂજા ભટ્ટે કોમેન્ટ કરી છે કે મુંબઈ શહેર આ પહેલાં કદી આટલું અ-સુરક્ષિત લાગ્યું નથી.
ટિપ્પણી :
૨૬ નવેમ્બર ૨૦૦૮ની રાત્રે તો કંઈ બન્યું જ નહોતું, એમ ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment