સાહેબો, જે વાયરસ નરી આંખે દેખાતો પણ નથી, એ ચીનમાંથી ક્યાં ક્યાં ફેલાઈ રહ્યો છે એવું કહીને આખી દુનિયાને બીવડાવનારી અમેરિકાની ટીવી ચેનલોને નરી આંખે દેખાય એવી કેલિફોર્નિયાનાં જંગલોની આગ ક્યાંથી અને ક્યારે શરૂ થઈ એ દેખાઈ જ નહીં ?
આનાથી મોટી જોક કઈ હોઈ શકે ? છતાં બીજાં મસ્ત કાર્ટૂનો પણ છે…
***
હોલીવૂડનો એક એકટર કહે છે : ‘મેં ‘ઇન્ફર્નો’ નામની ફિલ્મમાં બહુ જબરદસ્ત આગને હોલવી હતી.’
હોલીવૂડનો બીજો એકટર કહે છે : ‘મેં તો ‘ટ્વીસ્ટર’ મૂવીમાં ૨૫૦ કિલોમીટરે ભાગતાં વાવાઝોડાનો પીછો કર્યો હતો !’
ત્યાં બોલીવૂડનો એક પ્રોડ્યુસર આવીને કહે છે :
‘એ તો કંઈ ના કહેવાય ! અમે ભારતમાં ‘આગ’, ‘આગ હી આગ’ ‘આગ કા દરિયા’, ‘આગ ઔર શોલા’ ‘આગ કા ગોલા’ ‘આગ સે ખેલેંગે’ ‘આગ લગા દો સાવન કો’ ‘બદલે કી આગ’ ‘ઇન્તકામ કી આગ’ ‘વાસના કી આગ’ ‘જવાની કી આગ’ અને ‘યે આગ કબ બુઝેગી’ એવી બે ડઝન ફિલ્મો બનાવી છે !... અમને સ્હેજ મદદ માટે બોલાવ્યા હોત તો શું વાંધો હતો ?
***
દરમ્યાનમાં રજનીકાંત કહે છે : ‘વો મ્યેરે કો થોડા ઠંડ લગ રહા થા… ઇસ લિયે…’
***
એક બંગલામાં લાગેલી આગ બૂઝાવવા જઈ રહેલા ફાયર ફાઈટરને એક મહિલા કહી રહી છે :
‘ભાઈ તમે અંદર કીચનમાં જાવ તો જરા ગેસ બંધ કરી દેજો ને ?... ભૂલથી ચાલુ રહી ગયો છે !’
***
પાછળ જગંલમાં આગ સળગી રહી છે. આ બાજુ પિક-અપ વાનમાં કેમ્પિંગ અને પિકનિકના સામાન સાથે પાછા વળી રહેલા ચાર જુવાનિયાઓમાંથી એક કહી રહ્યો છે :
‘જોયું ? ચરસની સિગારેટનો છેલ્લો કશ તેં મને ના લેવા દીધો અને સળગતુ ઠુંઠું તેં દૂર ફેંકી દીધું.. એનું શું પરિણામ આવ્યું ?’
***
વોશિંગ્ટનમાં એક હાઈ લેવલની મિટિંગ ચાલી રહી છે. એમાં પેન્ટાગોન, સીબીઆઈ, એફબીઆઈ અને અમેરિકન આર્મીના મોટા મોટા ખડૂસ ઓફીસરો કડક ચહેરા સાથે બેઠા છે.
એમની સામે એક ઓફિસર દિવાલ જેવડા મોટા સ્ક્રીન ઉપર વર્લ્ડનો નકશો બતાડીને કહી રહ્યો છે :
‘જુઓ, આપણાં જાસૂસી ઉપગ્રહોનું સમગ્ર ધ્યાન ઈરાક, ઈરાન, સિરીયા, રશિયા, અફઘાનિસ્તાન અને તાઈવાન જેવા દેશોમાં ચાલી રહેલી ઝીણામાં ઝીણી હરકતો ઉપર જ હતું… પરંતુ કેલિફોર્નિયાના જંગલોમાં તો લોકશાહી સામે ક્યાં ખતરો હતો ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment