બહારવાળા બે ગિરીશની બે મમતા !

સિત્તેરના દાયકાનો આ અજીબોગરીબ કિસ્સો છે. એ સમયે દક્ષિણ ગુજરાતનાં ગામડાંઓમાં ‘બહારવારા’ મૂરતિયાનો જબરો ક્રેઝ હતો. આ ‘બહારવારા’ એટલે ? દેશની બહારવાળા, યાને કે વિદેશમાં જઈને કમાનારા.

આમાં બે કેટેગરી રહેતી હતી. એક તો જે લોકો ઇંગ્લેન્ડ, અમેરિકા કે કેનેડા જેવા દેશોમાં જઈને વસી ગયા હોય તેવા. અને બીજા એટલે ‘દૂબઈ-મસ્કત’વાળા ! આ લોકો કંઈ ગલ્ફ કન્ટ્રીઝના સિટિઝન ના બન્યા હોય. માત્ર ત્યાં જઈને જે મજુરીના પૈસા કમાય તે અહીંના કરતાં ચાર-પાંચ ગણા હોય !

આવું હોવા છતાં મેરેજ માર્કેટમાં ‘બહારવારા’ આવા લગ્નેશ-કુમારો ત્યાંથી અહીં આવે ત્યારે ‘રાત થોડી અને વેશ ઝાઝા’ જેવો જ ખેલ હોય. આવી ઉતાવળમાં કેવો છબરડો થયો તેનો આ અવળચંડો કિસ્સો છે. 

વાત છે બે મૂરતિયાની. એમાંનો એક એટલે ગીરીશ, જે ત્રણ વરસ મસ્કતમાંથી કમાઈને આવેલો. રંગે જુઓ તો સીસમનું લાકડું ! પણ ઠાઠ જુઓ તો પિક્ચરના હીરો જેવા ! એ જમાનાની જાલિમ ફેશન મુજબ અમિતાભ બચ્ચનની જેમ કાન ઉપર વાળ, જાડી મૂછનાં કાઉબોય ટાઈપનાં થોભિયાં, મોટા મોટા કોલરવાળાં ચટપટા કલરવાળાં શર્ટ, અઢાર ઇંચની મોરીવાળાં બેલ-બોટમ પેન્ટ, જાડો બેલ્ટ, જાડી સોનાની ચેઇન, દસ ફૂટ દૂરથી પણ ઊડીને આંખે વળગે એવી સોનેરી ‘રાડો’ કાંડા ઘડિયાળ અને ‘દૂભઈ’ એરપોર્ટથી લીધેલાં ‘રે-બેન’ ટાઈપનાં ગોગલ્સ ! (ઘરમાં બેસીને પોરી જોતી વખતે પણ ગોગલ્સ કાઢતો નહોતો.)

આ ગીરીશ એટલો ‘ચૂઝી’ કે એના દોસ્તાર ભિખુની બાઈક પાછળ બેસીને રોજની દસ-દસ પોરી જોઈ કાઢે ! ભિખુ એનાથી ત્રણ વરસ મોટો. એ આટલી બધી જાત્રા એટલા માટે કરતો હતો કે એ પોતે પાંચ વરસથી વાંઢો ફરી રહ્યો હતો ! એને એમ કે ‘આટલી બધી પોરીમાંથી ગીરીસ તો એકને જ પણવાનો ને ? બાકીનામાંથી એકાદને મેં ગમી ગિયો તો મારું હો ગોઠવાય કેનીં !’

આ રીતે બાઈક ઉપર પોતાનો ‘પોર્ટેબલ સ્વયંવર’ લઈને ફરી રહેલા ગીરીશને એક ગામમાં એક પોરી ગમી ગઈ ! છોકરીનું નામ મમતા અને બાપનું નામ મગનભાઈ. ગીરીશના દોસ્ત ભિખુએ તો ત્યાં જ ‘તત્કાલ બુકિંગ’ના ધોરણે વાત પાકી કરતાં કહી દીધુ ‘બાકીની વાત આપણો રમણકાકો આવીને પાકી કરી જહે, બસ, તમે તૈયારીમાં લાગી જાવ.’

આ રમણકાકો એટલે કોણ ? તો જ્ઞાતિમાં એ રમણ-છોટુના નામે ઓળખાય. જ્ઞાતિનાં નેવું ટકા લગ્નો એમના વહીવટથી જ થયેલાં. કોની છોકરી પરણવાલાયક થઈ ગઈ, કોનો પોયરો કેટલું કમાતો છે, કોની નામ રાશિ કોની સાથે મેળ ખાય તેમ છે અને કોની કુંડળીમાં મંગળદોષ છે તેની બધી ખબર આ રમણકાકો રાખે.

હવે પોતાના પાયામાં શું હતું ? તો કહે, આ જ રમણ-છોટુએ જે છોકરીઓનું લિસ્ટ આપણા દૂભઈ-રિટર્ન ગીરીશને આપેલું એવું જ એક લિસ્ટ ઇંગ્લેન્ડ રિટર્ન મુરતિયાને પણ આપેલું ! મજાની વાત એ હતી કે એનું નામ પણ ગીરીશ !

ફરક એટલો જ કે આ ગીરીશ રંગે સીસમ જેવો તો ખરો જ, પણ ‘શેડ’ જરાક આછો. વાળ બચ્ચનની જેમ જ કાન ઉપર, પણ લંબાઈ થોડી ઓછી. બેલ બોટમ પેન્ટ તો ખરું, પણ અઢારને બદલે સોળની મોરીનું ! એ જ રીતે શર્ટના કોલર, કમરનો બેલ્ટ, ગળાની સોનાની ચેઈન અને કાંડા ઘડિયાળમાં પહોળાઈ-જાડાઈ થોડીક ઓછી ! બસ,. સૌથી મોટો ફરક એ કે આ ગીરીશ ઇંગ્લેન્ડવાળો, એટલે એની કેટેગરી ઊંચી !

આ ગીરીશને પણ આ જ ગામની એક પોરી પસંદ પડી ગઈ ! એના બાપનું નામ પણ મગનભાઈ ! બસ,. ફરક એટલો જ કે પેલા મગનભાઈ ભાણાભાઈ અને આ મગનભાઈ વલ્લભભાઈ !

જોકે ફરક બંને મમતામાં તો હતો જ. પેલી દૂભઈવાળાની મમતા રંગે થોડી ઘઉંવર્ણી, હાઈટમાં થોડી ઓછી અને ભણવામાં સાતમું નાપાસ. જ્યારે ઇંગ્લેન્ડવાળાની મમતા રંગે ગોરી, હાઈટમાં ઊંચી અને ભણવામાં નવમું પાસ ! બસ !

હવે સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે માત્ર વીસ દિવસની રજા લઈને આવેલા બંને ગીરીશકુમારોઓ પોરી ફાઈનલ કરી છેક સોળમા દિવસની રાત્રે ! વચમાં રહ્યા દહાડા ત્રણ… કેમકે વીસમા દિવસે તો બંનેએ મુંબઈ જઈને ફ્લાઈટ પકડવાની હતી.

આવી અરજન્સીમાં પેલા સુપર-વહીવટીયા વડીલ રમણ-છોટુ કામમાં ના આવે તો એ જ્ઞાતિના આગેવાન શેના ? એમણે બંને કુટુંબોને ખાતરી આપી કે ‘તમે ચિંતા હું કરિયા કરે ? મેં બેઠેલો છે નીં ! બધું ચપટીમાં ગોઠવી કા’ડા !’

સામાન્ય રીતે તો એવો રિવાજ હતો કે છોકરા પક્ષના વેવાઈ વેવાણ તથા થોડાં સગાં છોકરીના ઘરે જાય અને ‘બે પૈસા’ આપવાની વિધિ કરે. (સગાઈની વિધિ) પણ રમણકાકાએ શોર્ટ-કટ બતાડ્યો. ‘એ વિધિ તમે જાન લેઈને પહોંચે તિયારે જ કરી લાખવાની ! આવાં તો મેં બો’ લગન લેવડાવેલાં !’

અને આમાં જ કુટાયું આંધળે-બહેરું ! લગ્નનું મહુરત એક જ તિથિ અને એક જ સમયનું નીકળ્યું. કંકોત્રીમાં નામો પણ સરખાં. એમના ગામનું નામ પણ સરખું, બાપનું નામ પણ સરખું અને ફળિયાનું નામ તો એક જ !

અચ્છા, બંને ગીરીશ જ્યારે પોતપોતાની મમતાને જોવા આવેલા ત્યારે ઓલરેડી રાત પડી ગયેલી. એટલે પાકી ભૂગોળ તો ક્યાંથી યાદ હોય ? છતાં સૌથી મોટો લોચો થવાનું કારણ ‘ભૌગોલિક’ જ હતું !

વાત એમ હતી કે આ ગામમાં એક જ જ્ઞાતિનાં બે ફળિયાં છે ! એક જુની નિશાળની પાછળ અને બીજું નાની ટેકરીની પાછળ ! જો બહારગામની વ્યક્તિ આ ભૂગોળથી અજાણ હોય તો ચોક્કસ ગોથે ચડે.

અને થયું પણ એવુ જ ! આપણા દૂભઈવાળા ગીરીશની જાન વાજતે ગાજતે છેક ભંજાતે (અંધારું થવાના ટાઈમે) પહોંચી ત્યારે જે બાજુ માંડવાનું અજવાળું અને લાઉડ સ્પીકરનો ઘોંઘાટ પહેલો સંભળાયો ત્યાં પહોંચી ગઈ ! 

લોચો એ પણ ખરો કે વેવાઈઓ અને વેવાણો પહેલી જ વાર એકબીજાને અહીં જ મળવાનાં હતાં ! ઉપરથી જે વચેટિયો રમણ-છોટુ ચારે પાર્ટીને જાણતો હતો તે તો ક્યાંક ચોથા જ વહીવટમાં નવસારી પહોંચી ગયેલો !

આમાં ને આમાં લગ્નની વિધિ થઈ ગઈ ચાલુ ! અરે, ‘કન્યા પધરાવો સાવધાન’ થયું ત્યારે પણ કોઈનું ધ્યાન ન ગયું ! છેવટે વર અને કન્યા વચ્ચેનો પેલો પરદો હટાવાયો ત્યારે ગીરીશ મમતાનું મોં જોઈને વિચારે છે :

‘સાલું… તે દા’ડે જોયેલી તેના કરતાં તો બો’ હારી લાગતી છે ! મેકપ કરેલો એટલે એવું લાગતુ ઓહે કે ?’

પણ ગીરીશનો અણવર બનીને આવેલો ભિખુ કન્યાને જોઈને વિચારે છે : ‘હહરીની, આ પોરીને તો મેં બો’ જોયેલી જોયેલી લાગે ! તે દા’ડે જોઈ ગયેલા, તેવી તો નીં લાગતી…’

હકીકતમાં વાત એમ હતી કે આ ભિખુ આ જ મમતાને ગયા વરસે પોતાના માટે ‘જોવા’ આવેલો પણ મમતાએ એના મોઢા ઉપર કીધેલું ‘છી ! આવો કેવો ? મને તો જરા બી નીં ગમતો !’

પરંતુ ભિખુને આ ઘટના હજી યાદ આવી રહી નહોતી ! અને આ મમતા ? એ. બિચારી મંડપમાં આવી ત્યારથી શર્મિલી દુલ્હનની જેમ નજરો નીચી કરીને બેઠી હતી !

 પેલી તરફ પેલા બીજા ગીરીશનું શું થયું ? તો ત્યાં વરરાજાની કારમાં પડ્યું હતું પંચર ! અને એ કંઈ જાતે નહોતું પડ્યું ! પણ ઇંગ્લેન્ડવાળા ગીરીશના જ માસીના છોકરા દીપકે પાડ્યું હતું ! પૂછો શા માટે ?

તો વાત એમ હતી કે એ દીપકનું આ ગોરી મમતા સાથે આ વરસે લગભગ નક્કી હતું, પણ છેલ્લી ઘડીએ ‘બહારવાળો’ આવી ગયો એમાં દીપકનું પત્તું કપાઈ ગયું હતું ! દીપક એ વાતે ગિન્નાયેલો હતો કે ‘એની બેન ને, મેં ભણેલો… બીકોમ પાસ, સરકારી નોકરીવાળો ને આ હહરીનો બહારવારો દહમું બી ની ભણેલો, તેને મમતાએ પાસ કીધો ?’

આથી દીપકે પોતાની દાઝ કાઢવા માટે વરઘોડો નીકળ્યો ત્યારે જાનૈયાના નાચવા-ગાવામાં જ્યાં વરરાજાની કાર અટકી ગઈ, ત્યારે બૂટની દોરી બાંધવાને બહાને કારના પાછલા ટાયર આગળ ખીલીઓ ગોઠવી દીધી હતી !

જોકે પહેલા પ્રયાસમાં પંચર પડ્યું જ નહીં ! એટલે બીજા ટાયરમાં એ જ ખેલ કર્યો ! સરવાળે થોડી વાર પછી ખબર પડી કે બબ્બે ટાયરમાં પંચર છે ! હવે ?

રાત તો આમ પણ પડી ગઈ હતી. હવે કરવું શું ? ભાડૂતી કારનો ડ્રાયવર વરરાજાને કહે છે ‘તમે જાનૈયાની બસમાં ચાઈલા જાવો, આમાં તો વાર લાગવાની.’

પણ ઇંગ્લેન્ડવાળો વરરાજો જિદે ચડ્યો : ‘મોડું થાય તો છો થતું ! પણ જવાના તો કાર લેઈને જ !’

છેવટે વચલો રસ્તો એવો કાઢ્યો કે પેલો દીપક બાઈક લઈને જાય અને વેવાઈને સંદેશો આપે કે ‘કારમાં પંચર પડેલું છે એટલે જાન મોડી આવહે… તમે ચિંતા નીં કરતા.’

હવે આ દીપકે પણ આ અગાઉ એક જ વાર આ ગામ જોયું હતું. એ ભાઈ પણ પહોંચ્યા એ જ માંડવે, જે પહેલો દેખાયો. (ખરેખર તો સાચા માંડવે) પણ અહીં આવીને શું જુએ છે ? એક જાન પહેલેથી પહોંચી ચૂકી છે ! એક વરરાજા ઓલરેડી મંડપમાં બેઠો છે !

એણે અંદર આવીને જે ચણભણ શરૂ કરી એમાં આપણા દૂભઈવાળા ગીરીશને સમજ પડી ગઈ કે લોચો શું છે ! 

એણે તાત્કાલિક ગોર મહારાજને નજીક બોલાવીને ખિસ્સામાંથી સો-સોની નોટો પકડાવીને ફૂંક મારી : ‘જલ્દી પતાવો ! ફટાફટ ફેરા ફેરવી લાખો !’

બન્યું એવું કે આ ઘટના પેલો ભિખુ જોઈ ગયો ! એ તો ઓલરેડી ગોરી મમતાથી દાઝેલો હતો ? એણે મચાવી બૂમરાણ : ‘મેં જોયું ! મેં જોયું ! વરરાજાએ બામણને ખાનગીમાં પૈહા આઈપા !’

આ તરફ ઇંગ્લેન્ડવાળાનો સંદેશો લઈને આવેલા દીપકને પણ ‘દીવો’ થયો (બત્તી થઈ) કે ‘આ તો હહરીની એ જ મમતા, જેણે મારું થતું ઉ'તું તે તોડી લખાવેલું !’

તો દીપકે શુ કર્યું ? એણે વડીલોને ઉશ્કેર્યા. ‘લગ્નની વિધિ થેઈ ગેઈ તે થેઈ ગેઈ ! અ’વે લગન ફોક કેમ કરીને થાય ? આ પોરી અ’વે દૂભઈવારાની થેઈ ગઈ ! પૂછો ગોર મહારાજને !’

આ બધી હોહા થઈ એમાં બંને પક્ષના લોકોને છેક હવે સમજાયું કે ઉતાવળમાં ને ઉતાવળમાં બહુ મોટો લોચો વાગી ગયો છે !
પણ હવે એનો ઉકેલ શું ?

પેલી બાજી મમતાના બાપા યાને કે બીજા મગનભાઈ પણ એમનાં સગાંઓ સાથે અહીં આવી પહોંચ્યા. મોડે મોડેથી પેલી પંચરવાળી જાન પણ આવી ગઈ. આખી રાત માથાકૂટ ચાલી… રાંધેલી રસોઈ રઝળી પડી.

છેવટે બીજા દિવસે બપોરે જ્યારે વહેવારીયા રમણ-છોટુ નવસારીથી અહીં પહોંચ્યા ત્યારે એમણે વહેવારુ ઉકેલ કાઢ્યો :

‘અ’જુ લગી કન્યાદાન તો નથી થિયું ને ? જાં લગી બાપ કન્યાનું દાન નીં કરે તાં લગી કોઈ મહારાજાનો મહારાજો જમાઈ બી પોરીની આંગળી નીં પકડી હકે… અ’વે બંને કન્યાના બાપે જ નક્કી કરવાનું કે તે પોતાની કન્યાનું દાન કયા જમાઈને કરવાના !’

***

- મન્નુ શેખચલ્લી 

E-mail : mannu41955@gmail.com

Comments