પોચા દીનુકાકાની છાતીમાં 'બેટરી' !

નવી શ્રેણી... ઝાંઝવું નામે ગામ 

‘આ હું કઈરું ? છાતીમાં બેટરી લખાઈવી? હહરીના બેટરી જ બગડી ગેઈ તો કેમ કરવાના ?’

અમારા મરોલી ગામના દીનુકાકાએ જ્યારથી લોકોના મોઢે આવું સાંભળ્યું ત્યારથી એમનું દિલ પોચું પડી ગયેલું. આમ જુવો તો અમારા દીનુકાકાનો સ્વભાવ પણ જરીક પોચો. માત્ર સ્વભાવે જ નહીં, આખેઆખા દીનુકાકા પોચા !

એમના ગોરા સરખા ગાલ પોચા. એમની હંમેશા ગુલાબી રહેતી હથેળીઓ પોચી. એમનું હર્યુંભર્યું અને ફૂલેલું ફાલેલું પેટ પણ પોચું. એ ધોતિયું પણ પોચું પહેરે અને પગમાં એમને ચંપલ બહુ ડંખે એટલે સ્લીપર પણ પોચાં પહેરે !

જોકે એમની ગુલાબી-પોચી હથેળીમાં ધનરેખા બહુ પાવરફૂલ હશે એટલે એ કમાયા ઘણું. એક બાજુ ડાંગરની, શેરડીની ખેતી ચાલે, બીજી બાજુ ચીકુની અને આંબાની વાડીઓમાં મબલખ મોલ ઉતરે. એટલું ઓછું હોય તેમ એમની એક કરિયાણાની દુકાન ચાલે, દુકાનની બાજુમાં અનાજ દળવાની ઘંટી ચાલે અને ઘંટીની બાજુનાં મોટા પ્લોટમાં ‘ડેન્સો’ ધમ ધમે. (ડેન્સો એટલે બેન્ડ-સૉ. જેમાં મોટાં મોટાં મશીનનો કરવત વડે લાકડાં કાપવાનું કારખાનું હોય.)

જોકે એમનું દિલ એટલે કે હાર્ટ વધારે પડતું પોચું ત્યારે પડી ગયું જ્યારે એમની એકની એક વ્હાલી પત્ની ગુજરી ગયાં. એ પછી દીનુકાકા અવારનવાર એમનો ધંધો સંભાળતા થઈ ગયેલા દીકરાઓ આગળ ફરિયાદ કર્યા કરે : ‘હારું, છાતીમાં ઝીણું ઝીણું દુખિયા કરે ! એમ કેમ થતું ઓહે ?’

દીકરાઓ કહે ‘એ તો માંય (મા) ચાલી ગેઈ એટલે તમુંને એવું લાગે, બાકી જરી મન મક્કમ રાખે તો બધું મટી જાહે.’

‘તે હહરીની, મન મક્કમ રાખવાની કોઈ દવા આવતી ઓહે કેનીં ? તે લાવી આપોનીં ?’ 

દીનુકાકાને મૂળ દાકતરી ઇલાજમાં પહેલેથી જ ભારે ભરોસો. મરોલી ગામમાં દવાખાનું ખોલીને બેઠેલા ડોક્ટર દેસાઈ પણ જાણતા હતા કે પોચા મનવાળા દીનુકાકાને એવો કંઈ રોગ નથી છતાં મહિનામાં પાંચ વાર કોઈને કોઈ બહાને એ દવાખાને આવ્યા જ હોય.

‘આ જુવોનીં, જરીક સરદી થેઈ ગેઈ પછી મટતી જ નીં મલે. ડીલ (શરીર)માં હો જો ધગુ-ધગુ (ગરમ-ગરમ) લાઈગા કરે…’
ડોક્ટર દેસાઈ એમને ભૂરી-ગુલાબી એવી વિટામિનોની જ ગોળીઓ પધરાવે. એમાં પાછું દીનુકાકાને ‘બો હારું લાગે !’ 

પરંતુ આ વખતે ડોક્ટર દેસાઈને પણ લાગ્યું કે મામલો જરા સિરીયસ છે. એટલે એ જાતે એમને નવસારીની હોસ્પિટલમાં લઈ ગયા.

ત્યાંના કાર્ડિયાક સ્પેશીયાલિસ્ટ ડોક્ટરે કાર્ડિયોગ્રામ વગેરે કાઢ્યા પછી ડોક્ટર દેસાઈને મેડિકલ ભાષામાં કહ્યું કે, ‘દરદીના હાર્ટ-બિટ્સ જરા ઈ-રેગ્યુલર છે. એમને મુંબઈમાં કોઈ સારા હાર્ટ સ્પેશિયાલીસ્ટને રીફર કરાવોને.’

દીકરાઓ દીનુકાકાને કારમાં બેસાડીને મુંબઈ લઈ ગયા. ડોક્ટર દેસાઈ ઘરના જ માણસ એટલે એમને પણ સાથે લીધા.

મુંબઈના હાર્ટ સ્પશિયાલીસ્ટે અંગ્રેજીમાં કહ્યું કે ‘પેશન્ટના હાર્ટ-બિટ્સ અમુક ઇન્ટરવલે એક-બે વાર સ્કીપ થાય છે. બેસ્ટ સોલ્યુશન એ છે કે એમની છાતીમાં પેસ-મેકર ફીટ કરી દેવું.’

દીનુકાકાએ ડોક્ટર દેસાઈને પૂછ્યું. ‘આ હજાર રૂપિયાની ફી લેવાવારો ડોક્ટર હું ગોટપીટ ગોટપીટ કરી ગિયો ?’

‘એમણે સાદી ભાષામાં એમ કીધું કે તમારું દિલ છે કે નીં, તે બે પગે દોડવાને બદલે થોડીથોડી વારે લંગરી રમવા લાગતું છે. એને હીધું કરવા માટે છાતીમાં એક નાલ્લું હરખું મસીન લાખી આપે. તેના ધક્કાથી હાર્ટ લંગડી રમવાનું ભૂલી જહે.’

દીનુકાકાના દિમાગમાં આ વાત ગળ્યા શીરાની જેમ ઉતરી ગઈ. પૈસાનો તો પ્રોબ્લેમ હતો જ નહીં, એટલે ત્યાં જ એડમિટ થઈને, છાતીમાં પેસ-મેકર ફીટ કરાવીને દીનુકાકા પાછા અમારા મરોલી ગામમાં આવી પહોંચ્યા.

હવે ‘ઓપરેશન’ કરાવ્યું હોય એટલે સગા-સંબંધી ખબર કાઢવા તો આવે જ ને ? ખબર પડી કે અઢી ઇંચની ડબ્બી વડું આ પેસ-મેકર બેટરી વડે ચાલે છે… કે તરત જ ગામના દોઢ-ડાહ્યાઓને સવાલો થવા લાગ્યા. એમાંથી અમુક તો દીનુકાકાના બાળપણના દોસ્તારો હતા. એમણે પોચકી સ્વભાવના દીનુકાકાની ફીરકી લેવા માટે અઘરા અઘરા ‘ડાઉટ’ લેવા માંડ્યા :

‘એ હહરીની બેટરીના સેલ જ પતી ગિયા તો તૂ હું કરવાનો ?’
‘એની બેનના… એ બેટરીના સેલ પતી ગિયા તેની ખબર હો કેમ કરીને પડવાની ? જુવોની, પેલી બેટરીવારી ઘડિયાલ આવે, તે તો હહરીની અચાનક જ બંધ પડી જતી છે ! તો હારા, તારી બેટરી બંધ પડી ગેઈ તો તું કેમ કેમ કરવાનો ?’

આ બધામાં બળતામાં ઘી ઉમેરવાનું કામ કર્યું દીનુકાકાના વેવાઈ નગીનલાલે ! એક તો એ પોતે મુંબઈના શેરબજારમા સટ્ટો કરવા જતાં પાંચેક લાખના ખાડામાં ઉતરી ગયેલા. તેથી મુંબઈનો ફ્લેટ વેચીને વલસાડમાં રહેવા આવેલા. આ કારણે તે દીનુકાકાની જાહોજલાલીથી જલે ! ઉપરથી એમણે પોતે એક જમાનામાં મુંબઈની ટાટા હોસ્પિટલમાં મોંઘામાંની બાય-પાસ સર્જરી કરાવેલી. એ તો આવતાંની સાથે બોલ્યા :

‘વેવાઈ, આ હું કઈરું તમે ? મને જરીક પૂછવા તો જોવે ? આખા મુંબઈમાં બે ડઝન હાર્ટ સર્જનને મેં ઓળખું ! મને કે'તે તો બેસ્ટ ડોક્ટર પાંહે લેઈ જતે… છતાં ચાલો, જે કઈરું તે કઈરું… પણ વેવાઈ, અ’વે તમે ભરાઈ પડવાના !’

નગીનલાલે ખબર પૂછવાને બહાને જાતજાતના ડાઉટ ઊભા કર્યા. ‘કારમાં તો ડબ્બા જેવડી બેટરી આવે. ખટારામાં મોટી પેટી જેવી બેટલી લાખે. હહરીની એવડી મોટી બેટરી હો બે-ત્રણ વરહે પતી જાય, ને નવી લખાવવા પડે ! તો તમારી છાતીમાં લાખેલી બેટરી કેટલુંક ચાલવાની ?’

પોચકી દીનુકાકાને હવે સિરીયસલી ગભરામણ થવા લાગી. વેવાઈએ તો ચાલું જ રાખ્યું. ‘મોબાઈલની બેટરીમાં તો રિ-ચાર્જ હો કરવા પડે. તારી આ બેટરીને રિ-ચાર્જ કેમ કરીને કરવાની ? અને રિ-ચાર્જ કરવામાં હહરીની મોબાઈલની બેટરીની જેમ ફાટી-બાટી તો ?’

દીનુકાકાનું દિલ પેસ-મેકર હોવા છતાં જરાક લંકડી રમી ગયું ! એમાં વળી વેવાઈ નગીનલાલે નવી થિયરીનો વઘાર કર્યો :

‘છાતીમાં બેટરી લાગી એટલે અ’વે તમારે કરંટ લાગવાનું જોખમ જો ! તમે તમારા ડેન્સામાં (બેન્ડ-સો કારખાનામાં) તો જતા જ નીં ! કેમકે તાં હેવી પાવરથી ચાલતી મોટર લાગેલી ! એ મોટરમાં તો મેગ્નેટ આવે ! એ મેગ્નેટે કરીને જો છાતીની બેટરી ખેંચાવા લાગી તો ? અરે, બેટરીના પાવરને હો બીજી બેટરી ખેંચે !’

એમ કરીને નગીનલાલે સોનેરી સલાહ આપતા હોય એમ ગંભીર મોં રાખીને કહ્યું ‘તમારે છે ને, ઇલેક્ટ્રીકથી ચાલતી જે બી વસ્તુ હોય, તેનાથી આઘા રે’વામાં જ માલ છે ! કેમકે જો નજીક જવામાં બેટરીને કરંટ-બરંટ લાઈગો, તો…’

વેવાઈ તો સલાહ આપીને જતા રહ્યા. પણ આ બાજુ દીનુકાકાના ધબકારા પોચા પડવા માંડ્યા. છ સાત દિવસે પણ ચેન ના પડ્યું. એટલે ડ્રાઈવરને લઈને નવસારીના પેલા ડોક્ટર મળવા ગયા.

ડોક્ટર સમજી ગયા કે આ બધું ‘સાયકોલોજિકલ’ જ છે એટલે એમણે માનસિક ટ્રીટમેન્ટ કરવાનું નક્કી કર્યું. એમના ફરી કાર્ડિયોગ્રામ લેવડાવ્યા.

બસ, અહીંથી દિનુકાકાના દિલમાં યુ-ટર્ન આવ્યો !

થયું એવું કે ડોક્ટરે એક નવી નર્સ રાખેલી. એ હતી ત્રીસેક વરસની પણ રંગે ગોરી-ગુલાબી, ઉપરથી કાયા હરીભરી. એક તો કાર્ડિયોગ્રામ લેવા માટે દીનુકાકાનું પોચી ગાદી ઉપર સૂવડાવીને અડધું શરીર ઉઘાડું કરેલું, ઉપરથી પેલી નર્સ પોતાની ગુલાબી આંગળીઓ વડે કાર્ડિયો-મશીનનાં વાયરો લગાડે !

એમાંય પહેલાં છાતી ઉપર પેલું ચીકણું પ્રવાહી લગાડે ! પછી એની ઉપર પ્લાસ્ટિકની પેલી નાની નાની મંજીરા જેવી ટોપીઓ ચોંટાડે ! દીનુકાકાને થાય ગલગલિયાં ! એમાં નર્સને આવે હસવું ! નર્સને હસતી જોઈને દીનુકાકાના દિલને ‘બો હારું લાઈગું’ !

ત્યારબાદ, કાર્ડિયોગ્રામ ‘નોર્મલ’ આવ્યો એટલે નહીં, પણ નર્સને મળીને ‘બો હારું લાઈગું’ એટલે દીનુકાકાનું હાર્ટ એટલે કે દિલ હવે નવી રિધમમાં ડોલવા લાગ્યું.

પહેલાં તો દર પંદર દહાડે કાર્ડિયોગ્રામ કઢાવવાને બહાને નર્સની સાથે ઓળખાણ પાડી, પછી દીકરાઓને એમ કહીને મનાવ્યા કે ‘નવહારીવારા ડોક્ટરની ટ્રિટમેન્ટ બો’ હારી જો ! ખાલી એટલું જ કે અઠવાડીયે અઠવાડીયે જવા પડે…’

ધંધામાં બિઝી થઈ ગયેલા દીકરાઓને શું ખબર કે બાપો નવસારીમાં કોની ‘ટ્રિટમેન્ટ’ લઈ રહ્યા છે ? આ બાજુ બાપાના દિલમાં અને ડીલમાં (શરીરમાં) નવી જુવાની ફૂટી હતી ! જેનાં બબ્બે પેસ-મેકરો હતાં ! એક હાર્ટમાં અને બીજું નવસારીમાં !

દીનુકાકાએ પેલી નર્સને રહેવા માટે એક નાનો ફ્લેટ પણ ભાડેથી લઈ આપેલો. નર્સની નોકરી પણ છોડાવી દીધી અને નર્સની નવ વરસની દિકરીની ફી પણ પોતે ભરવા માંડી હતી. દિકરી પેલી બાજુ ભણવા જાય અને દીનુકાકા આ બાજુ હાર્ટ-બિટ ‘ગણવા’ આવે !

છ-સાત મહિના સુધી તો બરાબર ચાલ્યું પણ પછી કહાનીમાં ટ્વિસ્ટ આવવાનો જ હતો ને ? ટ્વિસ્ટ એ રીતે આવ્યો કે પેલી નર્સનો પતિ, જે ગલ્ફ કંટ્રીમાં છેલ્લા ચાર વરસથી કમાવા જતો હતો તે પાછો આવી ગયો !

દીનુકાકા તો આમ પણ પોચા એટલે એમણે થોડો સમય ‘ટ્રિટમેન્ટ’ લેવાની બંધ કરી દીધી. એમને હતું કે નર્સનો ધણી પાછો ગલ્ફ કંટ્રીમા જાય ત્યાં સુધી ખમી જીએ, પણ એમા જરા સ્ટોરી બદલાઈ ગઈ. નર્સના ધણીએ તો અહીં નવસારીમાં જ ધંધો ચાલુ કરવાનું નક્કી કર્યું !

દીનુકાકાને હજી એમ હતું કે ધણી ધંધાના કામે જાય અને દીકરી ભણવા જાય ત્યારે આપણું ધક-ધક ગણવાનું ચાલુ રાખીએ તો શું વાંધો ? પણ જ્યારે ખબર પડી કે નર્સના ધણીએ તો લોખંડના વેલ્ડીંગનું કામકાજ ચાલુ કર્યું છે, ત્યારે દીનુકાકા ચેતી ગયા !

ચેતી જવાનું કારણ શું ? તો કહે, એમના વેવાઈની સલાહ !

વેવાઈ નગીનલાલે ચોખ્ખું કીધેલું કે ‘જાં બી ઇલેક્ટ્રીકનો હેવી કરંટ ચાલે, તાંથી તમારે દૂર જ રેવા પડહે, કેમકે જો કરંટથી તમારી છાતીમાંની બેટરી ફાટી-બાટી તો…’

હવે તમે જ કલ્પના કરો, લોખંડના વેલ્ડીંગ કરતું મશીન લઈને પેલી નર્સનો ધણી દીનુકાકા ઉપર ખતરનાક તણખા ઉડાડતો ધસી આવે… તો દીનુકાકાની છાતીમાં પેલી જરીક અમથી બેટરી ઝીલી ઝીલીને કેટલી ઝીંક ઝીલવાની હતી ?

આખી વારતાની જ્યારે ગામના લોકોને ખબર પડી ત્યારે એમનુ કહેવુ એમ હતું કે, ‘હહરીનું પેલું જો વેલ્ડીંગ મશીન નીં ઓ’તે તો દીનુકાકાની પ્રોપર્ટીના આજે બે ભાગલા પડી ગૈલા ઓ'તે !’

***

- મન્નુ શેખચલ્લી 

E-mail : mannu41955@gmail.com

Comments