ગુગલે તાજેતરમાં એક લિસ્ટ બહાર પાડ્યું છે જેમાં કહે છે કે ૨૦૨૪ના વરસમા લોકોએ સૌથી વધુ શેની શેની ‘સર્ચ’ કરી ? જેમકે ટોપ ટેનમાં… રાફાહ, સ્ટેમ્પેડ, મોયે મોયે, હિઝબોલ્લાહ, ડોનાલ્ડ ટ્રમ્પ… વગેરે.
આ હિસાબે જોવા જઈએ તો આપણે ગુજરાતીઓ આપણી જિંદગીમાં કઈ ચીજોની સૌથી વધુ સર્ચ કરીએ છીએ ?
***
નંબર વન….
ત્રણ જ અક્ષરનો એ જાદુઈ શબ્દ… જે સૌ ગુજરાતીઓને પ્રિય છે, અને તમામ ગુજરાતીઓ શોધતા જ હોય છે…
મ… ફ… ત…!
યાર, મફતમાં શું મળે છે ? દસ પાણીપુરી પછી એક કોરી પુરી… થી લઈને આપણે ‘વગર મફતનું’ ટેન્શન પણ શોધી જ લઈએ છીએ…
***
નંબર ટુ…
પાસ ! અને એ પણ ફ્રી (મફત) જ હોવો જોઈએ ને ! નવરાત્રિના પાસ, ક્રિકેટ-મેચના પાસ, ક્રિસમસ પાર્ટીના પાસ, ગુજરાતી ફિલ્મના પ્રિમિયરના પાસ… તમે જોજોને, જાન્યુઆરીમાં અમદાવાદમાં જે ‘કોલ્ડ-પ્લે’ની કોન્સર્ટ થવાની છે, જેની ટિકીટો હજારોમાં વેચાય છે એના પણ પાસ ‘શોધનારા’ મળી આવશે.
***
નંબર થ્રી…
કેટલા વધ્યા ?.... કેટલા ઘટ્યા ?... હજી વધે એમ લાગે છે ?... હજી ઘટશે ?.... કેટલામાં ખુલ્યા ?.... કેટલે બંધ થયું… ?
યસ ! શેરબજારના ભાવ વિશેની સર્ચમાં આખા ઇન્ડિયામાં ગુજરાતીઓ ટોપ ઉપર કેમ છે ? એ ‘સર્ચ’નો નહીં, ‘રિ-સર્ચ’નો વિષય છે.
***
નંબર ફોર…
તમને થતું હશે કે યાર, જેનું નામ સૌથી પહેલું લેવાનું હતું એ કેમ ના આવ્યું ? તો લો, એક જ હિન્ટ સાંભળો…
‘પડ્યું છે ?’
યસ બોસ ! દારૂબંધીથી પીડાતા હજારો જેની શોધમાં હોય છે એ –
***
નંબર ફાઈવ…
આમાં પણ ત્રણ અક્ષરનો શબ્દ છે ! પોલીસ, બેન્ક, જજ, અધિકારી, ડીગ્રી, સ્કુલ, યુનિવર્સિટી, સર્ટિફીકેટ, ઓપરેશન, કરન્સી નોટ, ઘી, ચીઝ કે આખેઆખી ઈડીની રેઈડ…
‘અ-સ-લી’ તો છે ને ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment