રોહિત શર્મા કેપ્ટન તરીકે જોડાયા પછી ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમનો જે કરુણ ફિયાસ્કો થઈ રહ્યો છે તે જોતાં દુઃખી થવાને બદલે સ્હેજ હસી લેવું જ બહેતર છે…
***
ભારતીય ટીમની હાલની દશા જોઈને નેપાળ, તાઈવાન, આયર્લેન્ડ, ફિજી અને યુએસએની ટીમોએ બીસીસીઆઈ સંપર્ક સાધીને કહ્યું છે કે અમારે પણ ભારતીય ટીમ સાથે ટેસ્ટ મેચો રમવી છે !
***
બીસીસીઆઈ પણ આ પ્રસ્તાવો ઉપર ગંભીર રીતે વિચાર કરી રહી છે કેમકે એમ કરવાથી રોહિત શર્મા, વિરાટ કોહલી અને જાડેજા જેવા પ્લેયરોને રિટાયર કરવાને બદલે હજી બે વરસ સુધી રમતા રાખી શકાશે.
***
ટી-૨૦નો વર્લ્ડ કપ જીત્યા પછી હવામાં આવી ગયેલા રોહિત શર્માની સતત નામોશીભરી હાર થઈ રહી છે. આ વાત ઉપર ટીપ્પણી કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા !’
***
એક ઓસ્ટ્રેલિયન વિવેચકે પરફેક્ટ કોમેન્ટ કરી છે કે ‘ભારતીય ટીમની હિંમતને ખરેખર દાદ આપવી જોઈએ ! બાકી ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે માત્ર ત્રણ બેટ્સમેન અને દોઢ ફાસ્ટ બોલરની ટીમ લઈને કોણ મેદાનમાં ઉતરે છે ?’
***
તમારે ટેસ્ટ મેચની લાઈવ કોમેન્ટ્રી સાંભળવી જોઈએ… રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાનમાં ઉતરે ત્યારે એમના ટોટલ કેટલા રન, ટોટલ કેટલી ઇનિંગ્સ, ટોટલ એવરેજ, કેટલી સદી, કેટલી અડધી સદી, કેપ્ટનશીપમાં કેટલી મેચો જીતી…
આ બધા આંકડા બોલવાનું જ્યાં સુધી પુરું ન થાય ત્યાં સુધી એ પિચ ઉપર ‘અડીખમ’ ઊભા હોય છે !
***
આ લોકોએ ઇન્ડિયન ટીમમાં ઓપનિંગ બેટ્સમેનો બદલી જોયા, બેટિંગ ઓર્ડર બદલી જોયો, ફાસ્ટ બોલરો બદલી જોયા, સ્પીનરો બદલી જોયા, અરે, બારમા ખેલાડી અને એકસ્ટ્રા ખેલાડી પણ બદલી જોયા…
મારું એક સજેશન છે કે એકવાર કોચને બદલી જુઓ ! પ્રોબ્લેમ ગૌતમ ગંભીર સામે તો નથી ને ?
દુઃખે છે પેટ (રોહિતને) અને કૂટે છે માથું (બીસીસીઆઈ)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment