આ શિયાળાની મોસમમાં ગરમાગરમ મસાલેદાર ચા એ ગુજરાતીઓનું ‘નંબર વન’ પીણું છે. (‘નંબર ટુ’ માટે કાં તો પરમિટ લેવી પડે છે કાં તો આબુ-દમણની યાત્રા કરવી પડે છે.)
આ પ્યારી ચા માટે આજે થોડી ગુજરાતી શાયરીઓ… ગુજરાતના મહાન શાયરોની માફી સાથે…
***
નયનને બંધ રાખીને
અમે જ્યાં ચૂસકી લીધી છે
તમારાથી વધારે પણ
તમારી ચાયને ચાહી છે !
***
‘મન્નુ’ મારી જિંદગીને
તો જ લેખું ધન્ય હું
મૃત્યુ ટાણે જો મળે
‘કડક-મીઠી’ ગુજરાતની !
***
જમાનાનાં બધાં પીણાં
જમાનાને મુબારક હો
જીવાડે બે સબડકામાં
ચિતામાં ‘ચા’ મને દેજો !
***
ભૂલથી ભાવ તો પૂછે
ચ્હાની ભૂકી આપી દઉં
સનમ જો પ્રેમથી માગે
ચ્હાની દુકાન આપી દઉં !
***
કોઈ બીજાને ક્યાં કશું
બોલવા જેવું હતું ?
આપણી જ ઉકળેલી ‘ચા’
આપણી વચ્ચે હતી !
***
યાદ કર એ પૂણ્યશાળી
પાપની એકેક ક્ષણ…
કેવી લીલીછમ ઉધારી
‘ચા’ની કિટલી પર હતી !
***
સફળતાનો પિનકોડ ગુજરાતી ચા
સમસ્યાનો તોડ છે ગુજરાતી ચા
તકલીફ પડી ? સંકટ ઘડી ?
જરૂર પડી, ત્યાં ખડી ગુજરાતી ચા !
***
સવારે પીઉં છું અડધી
બપોરે જીવું છું અડધી
જિંદગી ચાની પ્યાલી છે
કડક અડધી, ગરમ અડધી !
***
આપણે બન્ને પરસ્પર
માનતા એવી રાખીએ
તપેલી ઉકળે મારે ત્યાં
ને મારી ચા તમને મળે !
***
કયામતની રાહ પણ
એટલે જ હું જોઉં છું
નર્કની કિટલી ઉપર
મારી ઉધારી પણ હશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment