મોત... ફિલ્મોમાં... સિરીયલોમાં... !


તમે જોજો, ફિલ્મોમાં અને સિરીયલોમાં મોતના અલગ અલગ અને સાવ વિચિત્ર પ્રકારો હોય છે !

*** 

સાયલન્ટ મોત :
બે એકશન હીરો વિલનના અડ્ડામાં ચૂપચાપ પ્રવેશે છે… પછી પેલા બિચારા સિક્યોરીટી ગાર્ડઝ, જે જાલિમ મશીનગનો લઈને ઊભા હોય છે, એમની પાછળથી હીરો આવે છે… અને માત્ર ‘ખટાક’ કરીને એની ગરદન મરોડી નાંખે છે !

*** 

જથ્થાબંધ મોત :
બે પાંચ સાયલન્ટ મોત પછી ગોળીઓ છૂટવા માંડે છે ! આવા સમયે બંને હિરોની રિવોલ્વરોમાં ભલે આઠ બૂલેટનાં મેગેઝિન હોય છતાં એમાંથી ડઝનબંધ ગોળીઓ છૂટ્યા જ કરે છે ! જેમાં પેલા મામૂલી ગુન્ડાઓ એક જ ગોળી વાગતાંની સાથે ટપોટપ મરવા માંડે છે ! 

(યાર, કોઈને પગમાં, જાંઘમાં, ખભામાં કે બગલમાં ગોળી કેમ નથી વાગતી?)

*** 

વિલંબિત મોત :
જ્યારે જ્યારે કોઈ સાઈડ હીરો, કે હીરોનો ભાઈ, કે હીરોની બહેન જેવું કોઈ મરે છે ત્યારે મરતાં પહેલાં હીરોનાં બે હાથમાં ઝોલાં ખાતાં ખાતાં, એકસો ને અઢાર પીડાદાયક એક્સ્પ્રેશનો આપતાં આપતાં, સાડા ચાર ઇમોશનલ ડાયલોગ્સ ડાયલોગ્સ બોલી નહીં લે... ત્યાં સુધી યમરાજા રાહ જોતા ઊભા રહે છે !

*** 

સ્લો-મોશન મોત :
હીરોને ગોળી લાગતાં જ આખું વાતાવરણ સ્લો-મોશનમાં આવી જાય છે ! પાછળ ઉછળતી કારો, તૂટી રહેલો પૂલ, હવામાં ઉડતાં કાગળિયાં, પથ્થરો પાંદડાં… બધું જ હીરોનું મોત ધ્યાનથી જોવા માટે ધીમું પડી જાય છે !

*** 

એકસ્ટ્રા લેન્થવાળાં મોત :
આવાં મોત સિરીયલોમાં જોવા મળે છે. જેમાં મરનાર પાત્રના ભાઈ-બહેન, મા-બાપ, સાળી-બનેવી, સાસુ-સસરા, બોસ-ફ્રેન્ડ… બધાં વારાફરતી આવી આવીને રડારોડ ના કરી લે ત્યાં સુધી પેલું પાત્ર મરતું જ નથી ! આમાં ક્યારેક તો આખો એપિસોડ અને ક્યારેક અઠવાડિયું (સોમથી શનિ) લાગી જાય છે.

(યમરાજા પણ ‘વેઇટિંગ’માં… હજી ‘કન્ફર્મ’ નથી, બોસ !)

*** 

સુપર એકસ્ટ્રા પ્રિમિયમ લેન્થ મોત :
આમાં પેલું કોમામાં જતું રહે છે ! લેતા જાવ ! પછી વરસ… બે વરસ… કંઈ નક્કી જ નહીં…

***

- મન્નુ શેખચલ્લી

Comments