અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને કારણે હવે ધીમે ધીમે આખા દેશમાં ગુજરાતની ‘ખ્યાતિ’ ફેલાવા લાગી છે ! જોકે જતે દહાડે ગુજરાતમાં તો એવી હાલત થશે કે…
***
અગાઉ તો તમે સ્ટેટ બેન્કની બાજુમાંથી પસાર થાઓ તો પણ બેલેન્સ કપાઈ જતું હતું…
હવે કોઈ હોસ્પિટલ પાસેથી પસાર થશો તો તમારું ખિસ્સું કપાઈ જવાના ચાન્સ છે !
***
અગાઉ તો તમે કોઈ હોસ્પિટલની ઓપીડી સારવારની લાઈનમાં ઊભા હો તો તમને ભાજપના કાર્યકર બનાવી દેતા હતા…
હવે જો ઓપીડીની લાઈનમાં ઊભા રહ્યા તો તમારી એન્જિયોપ્લાસ્ટી થઈ જશે !
***
અગાઉ તો તમારા ઘુંટણમાં સતત દુઃખાવો રહેતો હોય તો તમારા ઘુંટણનો બિનજરૂરી એમઆરઆઈ રીપોર્ટ થતો હતો…
હવે તો ઘુંટણના દુઃખાવાનો ઇલાજ સીધો હાર્ટમાં બિનજરૂરી સ્ટેન્ટ નાંખવાથી થવા લાગશે !
***
અગાઉ તો ફ્રી મેડિકલ ચેક-અપના બહાને દરદીઓની સર્જરી થઈ જતી હતી. પણ હવે પબ્લિક ચેતી ગઈ છે…
એટલે હવે તો ભલું પૂછવું, લગ્નના જમણવારમાં ‘ફૂડ-પોઈઝનીંગ’ થવાથી સામટા ૧૦૦ જણાને હોસ્પિટલમાં એડમિટ કરશે…
- અને સવારે તો એમનાં સ્ટેન્ટ લાગી જશે !
***
અગાઉ તો પોતાની વોટ-બેન્ક વધારવા માટે બાંગ્લાદેશથી ઘૂસણખોરોને બોલાવીને એમનાં આધારકાર્ડ બની જતાં હતાં…
હવે તો હોસ્પિટલના સંચાલકો પોતાનું બેન્ક બેલેન્સ વધારવા માટે બાંગ્લાદેશથી પેશન્ટો મંગાવીને એમનાં ‘આયુષ્યમાન કાર્ડ’ બનાવી નાંખશે !
***
અગાઉ તો ગુજરાતની ખ્યાતિ વધારનારું સ્લોગન હતું ‘ખુશ્બુ ગુજરાત કી…’
હવે નવું સ્લોગન આવવાનું છે : ‘યહાં રહોગે, તો કટોગે !’
- ખ્યાતિ ગુજરાત કી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment