વેલકમ વિન્ટરમાં વન-લાઇનર્સ !

ધીમે ધીમે શિયાળો ગુલાબી પગલે આપણી પાસે આવી રહ્યો છે, તો એ જ વાત ઉપર થોડાં ઠંડા… અને થોડાં ઠંડા-મીઠાં વેન-લાઈનર્સ…

*** 

શિયાળામાં ઘડિયાળો તમને છેતરે છે. તમે સવારે માત્ર પાંચ મિનિટ વધારે ઊંઘવા માગો છો, પણ સાલી ઘડિયાળ તમારાથી ૩૦ મિનિટ આગળ જતી રહે છે !

*** 

શિયાળામાં માણસ નહાતાં પહેલાં ‘સાઈલેન્ટ મોડ’માં હોય છે, નહાતી વખતે ‘લાઉડ મોડ’માં આવી જાય છે. અને નહાયા પછી ‘વાયબ્રેટ મોડ’માં પહોંચી જાય છે !

*** 

શિયાળામાં જીવનનું એક મોટું સત્ય સમજાય છે… તમારા આંસુ લૂછનારા તો ઘણા મળી જશે પણ નાક લૂંછનારું કોઈ નહીં મળે મિત્ર !

(ખિસ્સામાં રૂમાલ રાખો, ભૈશાબ)

*** 

‘આ ફ્રીજમાં પાણીના બાટલા ભરીને કોણ મુકશેએએ?’ એ દિવસો ગયા !

હવે આવી રહ્યા છે ‘આ રજાઈ અને ધાબડાની ગડી કોણ કરશેએએ?’ના દિવસો !

*** 

આવી ઠંડીમાં રાતના સમયે કોઈ સ્ત્રી સ્વેટર વિના, શાલ વિના, કે પૂરતાં વસ્ત્રો વિના જો થરથર ધ્રુજતી દેખાય તો જરૂરી નથી કે એ બિચારી મેરેજ રિસેપ્શનમાં જ હોય…

એ તમારા મોબાઈલમાં પણ હોઈ શકે છે ! (યાર, ગરમી માટે બીજાં સરળ સાધનો વાપરો ને?)

*** 

અમસ્તો વિચાર આવે છે કે…
આ શિયાળામાં નહાવાના સાબુઓમાં ‘એક ઉપર એક ફ્રી’ની સ્કીમો કેમ નથી આવતી ?

*** 

પેલા ‘સેવ વોટર, સેવ લાઈફ’વાળા ક્યાં ગયા ? એમને માલૂમ થાય કે અમે રોજ નહાવાનું મુલતવી રાખીને રોજની એક બાલદી પાણી બચાવી રહ્યા છીએ !

*** 

આજકાલ સૌથી કપરો સમય બપોરનો છે. પંખો ‘એક’ ઉપર રાખો તો ગરમી લાગે છે અને ‘બે’ ઉપર કરો તો ઠંડી લાગે છે !

*** 

અમસ્તો બીજો વિચાર પણ આવે છે કે…
જો આપણે એક વાર આખી ડોલ ભરીને નહાઈ લઈએ તો એની ‘વેલિડીટી’ કેટલા દિવસની ગણાય ?

*** 

હોસ્ટેલમાં રહેનારા સ્ટુડન્ટોની ખાસ ઓનલાઈન ડિમાન્ડ છે કે ‘સાત દિવસ સુધી પહેરવા છતાં વાસ ના આવે એવાં મોજાં અને જાંઘિયા ક્યાં મળે છે ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments