ટુ... ઔરોં કી ક્યું હો ગઈ ?

નવી શ્રેણી... ઝાંઝવું નામે ગામ 

‘ટુ હમારી ઠી
જાંન સે પ્યારી ઠી
ટેરે લિયે મૈં ને
ડુનિંયા સંવારી ઠી
ટુઉઉઉઉઉ… ઔરો કી ક્યું હો ગઈ ?’

અમારા વલવાડા ગામનો આશિક, નામે રવજી સોમો, જ્યારે જ્યારે ગામમાં કોઈની જાન આવે ત્યારે બેન્ડવાજા પાર્ટીમાં જઈને ગમે તે રીતે માઈક હાથમાં લઈને આ ગાયન તો લલકારે જ ! કેમકે એની પાછળ એક નહીં, બબ્બે લવ-સ્ટોરીઓ હતી.

કપાળે ચાઠાં, ગાલે ખીલના ખરબચડા ખાડા અને કાળો ભઠ્ઠ ચહેરો હોવો છતાં શમ્મીકપૂર સ્ટાઈલમાં ઝુલ્ફાં રાખતા રવજી સોમાને ‘લવ’ થઈ ગયેલો ગામના વેપારી શંકરલાલાની દિકરી લતા સાથે. 

આમાં બિચારી લતાને તો આખેઆખા પ્રેમની જ કશી ખબર નહીં ! અને પેલી બાજુ રવજી સોમો એના પ્રેમમાં ડૂબીને હિન્દી ફિલ્મનાં ગાયનો ગાયા કરે : ‘ટુઝે ડેખા.. ટુઝે ચાહા, ટુઝે પૂજા મૈંને, બસ ઇટની ખટા હૈ મેરી ઔર ખટા ક્યા ?’

બાય ધ વે, રવજી સોમાનો અવાજ પાછો ખરેખર સારો હોં ? મહંમદ રફીમાં મહેન્દ્ર કપૂરનો વઘાર કરો તો કેવો ખાસ અવાજ આવે ? એમાંય વળી જ્યારે મુકેશનું ગાયન હોય ત્યારે નાકમાંથી નીકળતા સ્વરો ઉમેરાય ! આના માટે રવજી સોમો દરેક શબ્દ ઉપર એક એક અનુસ્વાર ચડાવી દે : ‘ટૂંમ બિંન જીંવન કૈંસે બીંટા, પૂંછો મેંરે ડિંલ સે.. હાંયે રે, પૂંછો રે ડિલ સે..’

ગામના જુવાનિયાઓનાં ટ્રાન્ઝિસ્ટરની બેટરી જ્યારે ઉતરી જાય ત્યારે એ લોકો રવજી સોમાને બોલાવીને ફરમાઈશો કરતા. એમાં જ્યારે રવજી સોમો ‘યે ગાના ખાસ મેરી પેમિકા લટા કે લિયે…’ એવું સળંગ મહિના સુધી બોલ્યો ત્યારે બધાને લાઈટ થયેલી કે આ તો પ્રેમી જીવડો છે !

હવે તમે જ વિચારો. ક્યાં પેલી સુંદર નમણી, લાંબા ચોટલીમાં રોજ જાસૂદનું ફૂલ નાખીને મંદિરે દર્શન કરવા જતી લતા, અને ક્યાં આપણો કાળો, ખરબચડો, શમ્મીકપૂરની બગડેલી બત્રીસમી કાર્બન કોપી જેવો રવજી સોમો ?

પણ જુવાનિયાઓને ટીખળ સુઝી. ‘હારા, ટું કાં લગી આમ ગાયન ગાયા કરહે ? એક લવ લેટર લખનીં ?’ આ લવ લેટર યાને કે ‘પ્રેમ-પટ્ર’ લખવા માટે એ લોકો પેલી સસ્તામાંની પુસ્તિકા પણ લઈ આવેલા. એમાંથી નકલ મારી મારીને રવજી સોમા પાસે પ્રેમ-પટ્ર લખાવડાવ્યો :

‘મ્હારી ગુલબડન, મ્હારી પ્રિયટમા, ખટ લિખટા હું ખૂન સે સ્યાહી મટ સમજના, મેં હી ટુમ પર મરટા હૂં, કોઈ ઔર મટ સમજના… ટુ રાની ઔર મૈં રાજા હોટા, ઈસ ડુનિયાં મેં આસિયાના હમારા હોટા, લોગ ટુમેં ડૂર સે ડેખા કરટે, નજડીક સે ડેખને કા હક સિરફ હમારા હોટા…’ 

આવી બધી શાયરીઓ ભભરાવીને રવજી સોમાએ આખો ફૂલ સ્કેપ કાગળ ભરી નાંખ્યો. પણ પ્રેમપત્ર આપવા કોણ જાય ? 

એટલે એક ટેણિયાને મનાવવામાં આવ્યો. સોડા-લેમન અને લાલ કલરની બે લોલિપોપનાં ઈનામની લાલચ આપી ને ‘કાસિદ’ને રવાના કરવામાં આવ્યો.. જોકે રવજી સોમાને ક્યાં ખબર હતી કે એનો પત્ર ‘એન્ડ ટુ એન્ડ એન્કીપ્ટેડ’ નહોતો ?
પત્ર તો વચમાંથી જ ગાયબ થઈ ગયો ! 

બીજા દિવસે નાનકડી ચીઠ્ઠી આવી : ‘જો તું મારા ઘરની હામેં *** થેઈને નાચે તો હું માનું કે તું મને હાચો લવ કરતો છે.’ આમાં ત્રણ ફૂદડીને જગ્યાએ જે શબ્દ હતો તેનો સારી ભાષામાં અર્થ ‘નિર્વસ્ત્ર’ થતો હતો !

કહેવાય છે ને કે પ્રેમીઓ, પ્રેમમાં આંધળા થઈ જાય છે, તો રવજી સોમાને થયું ઓહો, આમાં શું મોટી વાત છે ? એણે શંકરલાલાના બે માળના ઘર સામે સ્ટ્રીટ ડાન્સની સાથે સાથે ‘સ્ટ્રીપ ડાન્સ’ શરૂ કર્યો !

શરૂઆતમાં તો શંકરલાલાને સમજ ન પડી પરંતુ જ્યારે રવજી શર્ટ, બનિયાન અને પેન્ટ ઉતાર્યા પછી અંદર પહેરેલી પટ્ટાવાળી ચડ્ડીનું નાડું છોડવા માંડ્યો ત્યારે શંકરલાલા હાથમાં ઘરના ખાંડણિયાનું સાંબેલું લઈને એને મારવા દોડ્યા !

એ પછી બિચારો રવજી હાથપગનાં ફ્રેકચરો સાથે લતાના ઘરથી દૂર દૂર રહીને ગાયા કરતો કે ‘ડૂર રહ કર ન કરો બાટ, કરીબ આ જાઓ…’ પરંતુ  એવાં વિરહનાં ગીતો ગાવાનો ટાઈમ ઝડપથી પુરો થઈ ગયો કેમકે થોડા સમયમાં લતાનાં લગ્ન પણ નક્કી થઈ ગયાં !

રવજી સોમાનું ‘ડિલ’ તૂટી ગયું ! પણ શું થાય ? છેવટે જ્યારે લતાને પરણવા માટે ગામમાં જાન આવી ત્યારે એના બેન્ડબાજાનું માઈક ગમે તેમ કરીને રવજીએ કબજે કરી લીધું અને ગાવા લાગ્યો ‘ટુઉઉઉઉ… ઔરોં કી ક્યું હો ગઈ ?’

જાન માંડવે પહોંચે ત્યાં સુધીમાં રવજીએ પાંચ વખત આ ગાયન ગાઈ નાંખ્યું ! છેવટે વરપક્ષના વડીલોને શંકા જતાં એના હાથમાંથી બળજબરીથી માઈક છોડાવવું પડ્યું. બિચારો રવજી કન્યા વિદાય પહેલાં જ વિદાય થઈને ત્રણ ગામ દૂર આવેલી દારૂની ભઠ્ઠીએ પહોંચીને ‘ગમ-ગલત’ કરતો રહ્યો…

એ હતો રવજી સોમાનો ફર્સ્ટ લવ. પરંતુ બીજો પ્રેમ પણ શંકરલાલાની બીજી દિકરી સાથે જ થયો ! એનું નામ સંગીતા. એ રોજ સરસ ઇસ્ત્રી કરેલું ફ્રોક પહેરીને, સાઈકલ પર બેસીને ચાર ગામ દૂર આવેલી હાઈસ્કુલમાં ભણવા જાય. ત્યાં રસ્તામાં ક્યાંક ને ક્યાંક રવજી ઊભો રહીને લલકારતો હોય !
રાંહોં મેં ખડેં હૈ, ડિંલ ઠાંમ કે હાંયે હંમ હૈં ડિંવાંને ટેરે નાંમ કે…’ (મુકેશના અવાજમાં)

છતાં એકાદ વરસ સુધી તો સંગીતાને રવજીના સંગીતમાં સમજ ના પડી. પરંતુ જ્યારે બે હાથ પહોળા કરીને રવજી એની સાઈકલ આડે ઊભો રહીને ગાવા લાગ્યો કે ‘રૂંક જાં ! ટ્યાંઉ… ટ્યાંઉં… ટ્યાંઉ…! રૂંકજાં ઓ જાંનેવાંલી રૂંક જાંઆઆ, મૈં ટો રાહી ટેરી મંઝિલ કા…’

ત્યારે સંગીતાને સમજ પડી કે આ હરામી તો મારી પાછળ પડ્યો છે ! એણે બાપાને ફરિયાદ કરી. બાપાએ વિચાર્યું કે રવજી સોમો આમ સીધી રીતે સીધો નહીં થાય એટલે એમણે દિકરીને કહ્યું કે ‘તું જરીક હસીને એને આ જગ્યાએ બોલાવજે.’

બીજા દિવસે જ્યારે રવજી મુકેશના અવાજમાં ‘હંમ ટો ટેરે આંસિક હૈં સડીંયો પુંરાને…’ ગાતાં ગાતાં સાઈકલનો રસ્તો રોકીને ઊભો રહ્યો ત્યારે સંગીતાએ હસીને કહ્યું : ‘ભંજાતે ખેતરની પછાડી આવજે નીં !’

રવજીનું તો ‘ડિલ’ બાગબાગ થઈ ગયું. ‘ભંજાતે’ એટલે અંધારું થાય ત્યારે ! રવજી શંકરલાલાના ખેતરની પાછળ રાહ જોતો ઊભો છે. સાંજનું અંધારુ ઘેરાઈને રાત પડી જાય છે… સમય વીતતો જાય છે… ત્યાં એને દૂરથી એક ફાનસ આવતું દેખાયું.
ફાનસ નજીક આવ્યું ત્યારે ખબર પડી કે એ શંકરલાલાના હાથમાં હતું ! અને ફાનસની પાછળ બીજા ચાર જણા હાથમાં લાકડીઓ સાથે આવી પહોંચ્યા હતા !

ખેર, રવજી સોમાની લવ-સ્ટોરી નંબર બે આ રીતે વધુ બે ફ્રેકચર સાથે પુરી તો થઈ પણ હજી એમાં એક છેલ્લો વળાંક આવવાનો બાકી હતો. 

વાત એમ બની કે હવે શંકરલાલાનો દિકરો જવાન થઈ ગયો હતો. એનાં લગ્ન લેવાનાં હતાં.

હવે સીન જુઓ... લગ્નનો મંડપ બંધાઈ ગયો છે, લાલપીળી લાઈટોની સિરિઝો લબઝબ લબઝબ થઈ રહી છે, મંડપ મહુરત યાને કે ‘શાતંક’ની સાંજે ગામના લોકો જમણવાર પછી પોતપોતાને ઘરે જઈ રહ્યા છે… ત્યાં થોડીવાર પછી મ્યુઝિક ઓરકેસ્ટ્રાના તાલે ગરબા શરૂ થાય છે...

બિચારો રવજી સોમો દૂર ઊભો ઊભો જુએ છે કે એની લતા અને એની સંગીતા બંને સરસ મઝાની સાડીઓ અને ચળકતાં ઘરેણાં પહેરીને પોતપોતાના પતિઓ સાથે ગરબે રમી રહી છે !
આ જોઈને રવજીના પેટમાં વિરહની આગ લાગી.. એ આગને ઠારવા માટે તે ત્રણ ગામ દૂરના દારૂના પીઠેથી બે બાટલીઓ લઈ આવ્યો. (એક લતાના નામની અને બીજી સંગીતાના નામની)

આજે એણે નક્કી કર્યું હતું કે ‘જિટની લિખ્ખી ઠી મુકડ્ડર મેં હમ ઉટની પી ચૂકે… અબ ટો ડિન મરને કે હૈ, જીના ઠા ઉટની જી ચૂકે…’

ટૂંકમા, રવજી સોમાનો ઈરાદો આજે ‘આત્મઘાતી’ ટાઈપનો હતો. પરંતુ બીજી બાજુ શંકરલાલાના ઘરમાં જુદી જ ઘટનાઓ આકાર લઈ રહી હતી…

બન્યું એવું કે બબ્બે જમાઈ એકસાથે આવ્યા હોય તો રાત્રે દારૂની મહેફિલ તો રાખવી જ પડે ને ? પરંતુ શંકરલાલના ઘરના બીજા માળે રાખેલી દારૂની બાટલીઓનો સ્ટોક આવતા જતા મહેમાનો દ્વારા ક્યારે સફાચટ થઈ ગયો હતો એની એમને ખબર જ નહોતી.

છેવટે ગરબાની રમઝટ પતી અને બંને જમાઈઓ ઉપલે માળે ગયા ત્યારે પીતાં પીતાં ખ્યાલ આવ્યો કે ‘સ્ટોક’ ખૂટી પડ્યો છે ! શંકરલાલને થયું, ‘આ તો હાહરીની ઈજ્જતનો સવાલ કહેવાય. ઊભા રહો. મેં મંગાવી આપું !’

પણ જમાઈઓ કહે ‘સસરાજી, તમે તસદી નીં લેવો. અમે જ ગેઈને (જઈને) લેઈ આવીએ.’ આમ બન્ને જણા ત્રણ ત્રણ પેગ પધરાવેલી હાલતમાં બાઈક લઈને નીકળ્યા. પણ નસીબ જુઓ. ત્રણ ગામ દૂર આવેલું પેલું પીઠું બંધ ! એ સિવાય બીજી બે ચાર જગ્યાઓ હતી ત્યાં પણ તપાસ કરી છતાં ‘બાટલું મઈલું ની !’ હવે ?

નિરાશ થઈને પાછા આવતા હતા ત્યાં રસ્તાની વચ્ચોવચ ત્રાંસો થઈને પડેલો રવજી સોમો દેખાયો ! નશાને કારણે એ ‘ટૂન’ થઈને ઊંઘમાં સરી પડ્યો હતો. બાજુમાં એક ખાલી બોતલ આડી પડી હતી. પણ બીજી એક બાટલી હજી એની છાતી ઉપર સાબૂત હતી !

આ જોઈને જમાઈઓની આંખ ચમકી ! એમણે સિફ્તથી એ ભરેલી બાટલી ઉઠાવી લીધી. દારૂની શોધમાં રખડી રખડીને અકળાઈ ગયેલા જમાઈઓની તલબ એટલી બધી તાળવે ચડી ગયેલી કે ત્યાં ઊભા ઊભા જ બંનેએ ચાર ચાર મોટા ઘુંટડા મારી લીધા !

સસરાના ઘરે આવ્યા પછી બંનેએ વ્યવસ્થિત ‘બેઠક’ ચાલુ કરી… પણ આ શું ? થોડી જ વારમાં બંનેને ચક્કર આવવા લાગ્યાં, શરીર પરસેવો પરસેવો થઈ ગયાં અને બંને ઢળી પડ્યા ! મોંમાંથી ફીણ નીકળે !

રાતોરાત બંનેને હોસ્પિટલ ભેગા કરવા પડ્યા. ત્યાં ગયા પછી ખબર પડી કે રવજી સોમાએ ‘જીના ઠા ઉટની જી ચૂકે’ કરીને બીજી બાટલીમાં ઝેર ભેળવેલું હતું !

નસીબજોગે બંને જમાઈ બચી તો ગયા પણ સવારે જ્યારે રવજી સોમાને ખબર પડી ત્યારે એ હોસ્પિટલે જઈને લતા-સંગીતાને આશ્વાસન આપતો હતો : 

‘ટમારામાંથી કોઈ બી વિઢવા ઠાય ટો મેં બેઠેલો છે ! અરે, બંને વિઢવા ઠેઈ, ટો બંનેને મારા ઘરમાં રાખા !’

ખેર, જમાઈઓ તો બચી ગયા. રવજી સોમાનું ‘વિધવા વિવાહ’નું ક્રાંતિકારી પગલું અધ્ધર જ રહ્યું. ચારેક વરસ પછી તેણે લગ્ન પણ કરી લીધાં. પણ નસીબ જુઓ, રવજી સોમાનો સસરો લગ્નનું બેન્ડ ચલાવતો હતો !

સસરાની સલાહ માનીને રવજી સોમાએ પણ ‘લતા-સંગીતા મ્યુઝિક પાર્ટી’ નામનું બેન્ડ ચાલું કર્યું. એની ખાસિયત એ હતી કે જ્યારે જ્યારે રવજી ‘ટુઉઉઉ… ઔરોં કી ક્યું હો ગઈ…’ ગાય ત્યારે અચૂક એને ‘વન્સ-મોર’ મળતા ! 

કેમ કે ગાતાં ગાતાં બિચારા રવજી સોમાની આંખો સાચૂકલાં આંસુથી છલકાઈ જતી હતી…. બોલો.

***

- મન્નુ શેખચલ્લી 

E-mail : mannu41955@gmail.com

Comments