ચિલ્લર પાર્ટી એટલે સોસાયટીનાં ટેણિયાં મેણિયાં ! એમના માટે નવરાત્રિ એન્જોય કરવાનું અલગ જ લેવલ હોય છે…
***
તૈયાર થવામાં પહેલાં…
હજી મમ્મીઓ અને મોટી બહેનો ગરબા માટે ચણિયા ચોળી પસંદ કરતાં હોય એ પહેલાં તો આ ટેણકી બાળાઓને તૈયાર થવાની ઉતાવળ આવે છે ! એમનાં મિની-ચણિયા અને મિની-ચોળી પહેરાવ્યા પછી લાલી લિપસ્ટીકનાં ટીલાં ટપકાં થઈ જાય કે તરત એ ટોળકી પતંગિયાઓની જેમ નાસી છૂટે છે !
***
ગરબાના મેદાનમાં પહેલાં…
ગરબા ‘રમવા’ માટે નહીં, સાતતાળી, સંતાકૂકડી કે બીજું કંઈપણ રમવાનું ! છેવટે કારણ વિના અહીંથી તહીં દોડાદોડી કર્યા કરવાની… જ્યાં સુધી ગરબા શરૂ ના થાય ત્યાં સુધી !
***
ગરબા રમવામાં પણ પહેલાં…
સોસાયટીમાં જ્યારે માંડ માંડ પહેલો ગરબો શરૂ થાય ત્યારે વચ્ચે સૌથી વધુ કોણ અટવાતું હોય છે ? આ ચિલ્લર પાર્ટી ! એમાં વળી એકાદ ટબૂકડીને ધક્કો વાગી જાય તો ભેંકડો તાણીને રડવા માંડશે… લો, મનાવો હવે !
***
સામૂહિક તરસમાં પહેલાં…
શી ખબર શું કારણ હોય, પણ એક સામટાં તમામ ટેણિયાંઓને પાણીની તરસ લાગી જાય છે ! આખું ટોળું કોઈ એકના ઘરે ફ્રીજનું ઠંડુ પાણી પીવા માટે ધસી આવે છે ! પછી ચોક્કસ સમય બાદ સૌને ‘સામૂહિક’ ધોરણે પીપી પણ લાગે છે ! જોકે એના માટે સૌ પોતપોતાને ઘેર જાય છે.
***
ઊંઘ આવવામાં પહેલાં…
હજી ગરબા માંડ બરાબર જામ્યા હોય ત્યાં આ ટેણિયાઓને સામૂહિક ઊંઘ આવે છે ! વારાફરતી બધાં ‘મમ્મી ઊંઘ આવે છે… ચલ ને !’ છેવટે મમ્મીઓએ દાદા કે દાદીને ‘ડ્યૂટી’ સોંપવી પડે છે. એ પણ ઘરમાં નહીં, અહીં જ ! આ સ્પીકરોના ઘોંઘાટમાં જ !
***
ઉપેક્ષિત બાબલાઓ બિચ્ચારા…
આખી ચિલ્લર પાર્ટીનાં બાબાઓને કદી કોઈ ભાવ મળતો જ નથી ! એમને એમનું કૂર્તુ પાયજામું પહેરાવીને, હાથમાં બે દાંડીયા પકડાવીને ‘કાઢી’ મૂકવામાં આવે છે ! પરિણામે એ ઉપેક્ષિત વર્ગ ‘બદલો’ લેવા માટે જ્યાં ને ત્યાં બધાને જુદી જુદી રીતે નડ્યા કરે છે ! જોજો તમે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment