આખેઆખી નકલી કોર્ટ ?!

હમણાં તો એક નકલી જજ પકડાયા છે પણ ધારો કે જતે દહાડે આખેઆખી કોર્ટ નકલી પકડાય તો ?... 

*** 

‘તમને શી રીતે ખબર પડી કે અહીં નકલી કોર્ટ ચાલે છે ?’

‘શરૂઆતમાં તો શંકા પડે એવું કંઈ લાગ્યું જ નહીં, કેમકે અહીં પણ બહાર નવરા લોકો બેસી રહેતા હતા. ફાલતુ એજન્ટો કોર્ટમાં આવનારાને કામ પતાવી આપવાને બહાને ભેરવી મારતા હતા…’

‘તો પછી શંકા ક્યારે પડી ?’

‘આમ તો એ વખતે પણ શંકા જેવું લાગ્યું નહોતું, પણ ઘણીવાર કોર્ટ રાતના આઠ-આઠ વાગ્યા સુધી ચાલતી હતી !’

‘શું વાત કરો છો ? જજ સાહેબ પણ કોર્ટમાં બેઠા હોય ? રાત્રે આઠ વાગે ? બીજી સરકારી કચેરીઓની જેમ ?’

‘હા ! એટલે જ અમને ડાઉટ ના પડ્યો, કે હશે, આ પણ સરકારી ઓફિસ જ કહેવાય ને ?’

‘તો પછી શંકા પાકી ક્યારે થઈ ?’

‘અરે, એક બે વાર તો કોર્ટ અડધી રાતે ખુલી !’

‘પણ એ તો કોઈ ફિલ્મી હસ્તીનો કેસ હશે. અથવા મિડીયામાં વટ પડે એવી પીઆઈએલ હશે.’

‘હોતું હશે ? આ કંઈ મુંબઈ કે દિલ્હીની કોર્ટ થોડી હતી ? આ તો નાના શહેરની મામૂલી કોર્ટ હતી.’

‘છતાં અડધી રાતે ખુલી ?’

‘હા ! અને મિડીયામાં પણ ના આવ્યું ! એટલે થોડી વધારે શંકા પડી.’

‘તો તમને પાકી શંકા ક્યારે પડી ?’

‘જ્યારે ખબર પડી કે અહીં તો ત્રણ ચાર સુનાવણીમાં કેસના ચૂકાદા આવી જાય છે ! કારણ વિના મુદતો પડતી જ નહોતી !’

‘હદ થઈ ગઈ ! આ રીતે તો કોર્ટ ચાલે જ શી રીતે ?’

‘ચાલતી હતી સાહેબ ! આ કોર્ટ તો ઉનાળા કે દિવાળીના વેકેશનમાં પણ રજાઓ નહોતી પાડતી !’

‘ઓહ ! તો તો એ કોર્ટની વિરુદ્ધ કોર્ટ-કેસ કરવો જોઈએ !’

‘કર્યો જ છે ! પણ સાહેબ, અમને આ કોર્ટ નકલી હોવાની પાકી ખાતરી ક્યારે થઈ, ખબર છે ?’

‘ક્યારે થઈ ?’

‘જ્યારે અમે જોયું કે અહીં તો સૌને બહુ ઝડપથી અને નિષ્પક્ષ રીતે ન્યાય મળી રહ્યો છે !’

‘અચ્છા ! તો તમે શું કર્યું ?’

‘કરવાનું શું હોય ? અમે દરોડો પાડ્યો અને કોર્ટ બંધ કરાવી દીધી ! કેમકે આમનું આમ ચાલે તો દેશનું આખું રગશિયા ગાડા જેવું ન્યાયતંત્ર ભાંગી જ પડે ને !’

***

- મન્નુ શેખચલ્લી

Comments