નવી શ્રેણી… ઝાંઝવું નામે ગામ
હજી નવો નવો મૂછનો દોરો ફૂટવાની ઉંમર હોય ત્યારે છોકરાના દિલમાં ઉછળતો જુવાનીનો દરિયો કેવાં કેવાં પરાક્રમો કરાવી નાંખે છે તેનો આ કિસ્સો છે.
અમારા તલાવચોરા ગામનો તુષાર, એ દસમામાં ત્રણ ટ્રાયલે પણ પાસ ના થયો એટલે બાપાએ એને નોકરીએ લગાડી દીધો. નોકરી ક્યાં હતી ? ચીખલીના મેઈન બસ ડેપોની સામે, દુકાન શેની હતી ? તો કહે, લેડિઝ-જેન્ટ્સ બૂટ ચંપલ સેન્ડલ વગેરેની. ઉપર મસ્ત રંગની બોર્ડ પણ ચીતરાવેલું : ‘લવલી ફૂટવેર’
આપણો તુષાર ત્યાં સેલ્સમેનોની નોકરી કરે. દુકાનનો માલિક બપોરે જમવા જાય ત્યારે ‘લવલી ફૂટવેર’ સંપૂર્ણપણે આપણા તુષારના ‘હેન્ડલિંગ’માં હોય.
તો, શિયાળાના એક હુંફાળા તડકાવાળી બપોરે ‘લવલી ફૂટવેર’માં જ્યારે તુષાર બેઠો બેઠો ઝોંકા ખાતો હતો ત્યારે એક ‘લવલી’ લાગતી છોકરી આવીને બોલી : ‘લેડીઝ ચંપલ રાખતા છે કે ?’
‘કેમ નીં રાખે ? દુકાન લેઈને અમથો બેહેલો છું કે ?’ તુષાર કુમારે તરત જ ઊભા થઈને સ્ટુલ ઉપર કપડાનો ફટ્ટો મારતાં કીધું. ‘બેહોંની, હામાં બતલાવું ? સેન્ડલમાં કે ચંપલમાં ? ઊંચી એડી ગમે કે ?’
તુષારે ચકોર નજરથી જોઈ લીધું કે બે ચોટલાની સાઈડમાં જાસૂદનું ફૂલ ખોસેલી એ છોકરીના હાથમાં નોટો અને ચોપડીઓ હતી, એ સમજી ગયો કે આ એસટી બસમાં અપ-ડાઉન કરતી કોઈ કોલેજમાં ભણતી છોકરી હોવી જોઈએ.
છોકરીના પગમાં વારંવાર સેન્ડલ પહેરવાનો ચાન્સ મળે એટલા કાતર તુષાર જાણી જોઈને ભલતી જ ચોઈસની આઇટમો બતાડતો રહ્યો ! છેવટે જ્યારે પેલીએ લાલ રંગની ફેન્સી એક ડિઝાઈન પસંદ કરી ત્યારે પોતાના જોખમે ૨૫ રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ આપીને તુષારે વધુ એક જોખમ લઈ નાંખ્યું…
તેણે સેન્ડલની જોડી પેક કરી આપતી વખતે જાણીજોઈને નાની સાઈઝનું ખોખું પધરાવી દીધું ! બસ, પછી તો એ જ થયું, જે તુષારને જોઈતું હતું… બીજા જ દિવસે એ બે ચોટલાવાળી બપોરના કુમળા તડકામાં આવી પહોંચી.
‘આ તો બો’ ફીટ પડે ! એવી કેવી આઈપી ?’
‘હું વાત કરે ? જરીક પે’રી બટલાવો જોઉં ?’ એમ કરીને તુષારે ફરી એકવાર કન્યાના ચરણસ્પર્શનો લહાવો લીધો ! પછી સેઇમ ડિઝાઈનની, કરેક્ટ સાઇઝની સેન્ડલ પણ બે હાથે ‘ચરણસ્પર્શ' કરીને પહેરાવી. ઉપરથી હુકમ કર્યો : ‘જરીક ચાલીને બટલાવો, જોઉં ?’
આમ, સુંદર ‘કેટવોક’નો લહાવો લીધા પછી તુષાર કુમારે વધુ એક જોખમ લીધું… આ વખતે ‘લવલી ફૂટવેર’ની પ્લાસ્ટિકની કોથળીમાં તેણે એ સેન્ડલની જોડી પધરાવી દીધી, જેની એડી તેણે પોતે જ ગઈકાલે સ્હેજ ઉખાડી નાંખી હતી ! એટલું જ નહીં, કોથળી છોકરીના હાથમાં પકડાવતા પૂછી પણ લીધું :
‘કયે ગામના તમે ? કઈ કોલેજમાં જતાં છે ? તમારી બેનપણીઓને બી કેવોનીં કે આ દુકાનમાં બો’ લવલી સેન્ડલ મલતાં છે ?’
બે ચોટલાવાળીએ જવાબમાં ફક્ત સ્માઈલ જ કર્યું. એમાં તો તુષાર કુમારના બત્રીસે કોઠા દીવા થઈ ગયા ! એ હવે રાહ જોવા લાગ્યો કે ઉખડેલી એડીવાળું સેન્ડલ બદલાવવા એ ક્યારે દુકાને આવશે ! પરંતુ પેલી સેન્ડલની એડી ઉખડવી પણ જોઈએ ને ? લવ સ્ટોરીમાં ધીરજ રાખવી જરૂરી હોય છે…
આખું અઠવાડિયું ધીરજ રાખ્યા પછી જ્યારે એક બપોરે પેલી બે ચોટલાવાળી દૂરથી આવતી દેખાઈ ત્યારે તુષાર હરખાઈ ઊઠ્યો ! આજે તો એણે ચોટલામાં મોગરાની વેણી નાંખી હતી.
પરંતુ એ જ વખતે ન બનવાનું બની ગયું…
બન્યું એવું, કે ચાર દુકાન છોડીને જ્યાં એક પાનનો ગલ્લો હતો ત્યાં ઊભા રહીને તડાકા મારી રહેલા ચારેક કોલેજિયનો ઉપર બાઈકો લઈને ધસી આવેલા ચાર જણાએ અચાનક જ હૂમલો કર્યો ! થોડી જ વારમાં ધનાધની મચી ગઈ ! આ જોઈને પાનની દુકાનવાળો વચમાં પડવા ગયો, તો એને બે ચાર લમણાંવાળી પડી ગઈ !
બસ, આ જોઈને આપણા તુષારનો ગુસ્સો ઉકળી ઉઠ્યો. (પાનવાળાને બે પડી એટલે નહીં, પણ પેલી બે ચોટલાવાળી દૂરથી આ બધું જોઈ રહી હતી એટલે !) તુષાર બાંયો ચડાવતો એ તરફ દોડ્યો. બીજી બાજુ એસટી ડેપોની આજુબાજુ ઊભા રહેલા કોલેજિયનો પણ દોડી આવ્યા…થોડીવાર માટે તો ઓલમોસ્ટ રમખાણ ફાટી નીકળ્યું હોય એવો સીન થઈ ગયો.
એટલામાં ક્યાંકથી પોલીસની સીટી સંભળાઈ ! અને જાણે જાદૂ થયો હોય એમ ત્રીસ જ સેકન્ડમાં બધા જ ત્યાંથી ગાયબ થઈ ગયા ! બસ, રણમેદાનમાં બચ્યો હતો એક જ ‘બહાદૂર’…
આપણો તુષાર કુમાર ! એનાં શર્ટનાં તમામ બટન તૂટી ગયાં હતાં, એક પગ મચકોડાઈ ગયો હતો, હાથ ચાર ઠેકાણેથી છોલાઈ ગયા હતા, ડાચું ત્રાંસુ થઈ ગયું હતું અને મિનિમમ ચાર દાંત હલી ગયા હતા !
ધૂળમાં રગદોળાઈને ફસડાઈ પડેલા તુષારને પોલીસે આવીને પૂછ્યું કે ‘હું થિયું ? કોણ ઉતા એ લોકો ?’
ત્યારે તુષાર જુઠું બોલ્યો કે, ‘મને હું ખબર ? મેં તો આ પાનની દુકાનવારાને છોડાવા આવેલો, પણ હહરીનાઓએ મને જ -’
વગર લેવેદેવે કૂટાઈ ગયેલો તુષાર જુઠું એટલા માટે બોલ્યો હતો કેમકે એને બરાબર યાદ હતું કે એક લાંબા થોભિયાંવાળો, હિન્દી ફિલ્મોના વિલનોના ચમચાઓ રાખે તેવી મૂછોવાળો, પહોળા કોલરનું શર્ટ અને ૨૪ ઇંચની મોરીવાળું ‘બોલ-બોટમ’ પેન્ટ પહેરેલો એક માણસ હતો. જેણે તેને સૌથી પહેલાં કાનમાં ધાક પડી જાય અને ચાર દાંત હલી જાય એવો તમાચો માર્યો હતો !
તુષારની ઇજ્જતનાં છોતરાં ઊડી ગયાં હતાં. તે ઊભો થયો…. ચારેબાજુ જોયું… એની એક ચંપલ તૂટીને રોડને છેડે પડી હતી અને બીજી ચંપલ તો ક્યાંય દેખાઈ જ નહીં !
એ જ ક્ષણે એણે મનમાં ‘પ્રતિજ્ઞા’ લીધી કે ‘એની બેનને… જાં લગી પેલા બેલ-બોટમવારાને લાફો મારીને મારો બડલો (બદલો) નીં લેંમ, તાં લગી… હહરીની, મેં પગમાં ચંપલ નીં પે’રું !’
જોકે એ વખતે તો મનમાં જ પ્રતિજ્ઞા લીધી હતી પણ પછી જ્યારે એ તલાવચોરા ગામમાં પણ ઉઘાડા પગે ફરતો દેખાયો ત્યારે તેણે દરેક પૂછનાર આગળ પોતાની ‘કસમ’ દોહરાવવાનું શરૂ કર્યું ‘જાં લગી મેં મારો બડલો નીં લેંમ, તાં લગી ચંપલ નીં પે’રું !’
ધીમેધીમે તુષારની આ પ્રતિજ્ઞા પ્રખ્યાત થતી ગઈ… પહેલાં ફળિયાનાં લોકો, પછી ગામનાં લોકો અને પછી ચીખલી બસ-ડેપો સામે આવેલી ડઝન દુકાનોમાં વાત ફેલાઈ ગઈ કે ‘આ પોયરો અ’વે બડલો લેવાનો છે, જો !’
પણ ‘બડલો’ લેવાનો શી રીતે ? પેલો મોટી મૂછવાળો બેલ-બોટમધારી વિલન કોણ હતો ? એનું નામ શું ? એ કયા ગામનો હતો ? એની તો તુષાર કુમારને ખબર જ નહોતી !
પૂછતાં-જાણતાં ખબર પડી કે એ ધનજી નામનો મૂચ્છડ વિલન રૂમલા નામના ગામમાં કણબીવાડમાં રહેતો હતો. ઠીક છે, એનું ઠામ-ઠેકણું તો મળ્યું, પણ એવા પડછંદને મારવો એ કંઈ ખાવાના ખેલ થોડા હતા ?
બીજી બાજુ જ્યારે તુષારે ફરી પેલી ચીખલીની ‘લવલી ફૂટવેર’માં નોકરી ચાલુ કરી ત્યારે પેલી બે ચોટલાવાળી એક દિવસ આવી ! આ વખતે એ બપોરને બદલે સાંજે આવી. આવતાંની સાથે એણે ‘લવલી ફૂટવેર’ની પ્લાસ્ટિકની કોથળીમાં પેલું એડી નીકળી ગયેલું સેન્ડલ બતાડીને માલિક આગળ જ ફરિયાદ કરી :
‘આ જુવો, કેવું સેન્ડલ આઈપું ? મહિનો નીં થિયો તાં એડી છૂટી પડી ગેઈ.. આ પોયરાએ જ આપેલી મને !’
તુષાર બોલી પડ્યો : ‘એમાં હું ? અમણાં બડલી (બદલી) આપું. અમારી દુકાનનો માલ ખરાબ નીકરે જ નીં, તો બી મારા પગારમાંથી પૈહા કાપી લેજો. હું કે’તા છે ?’
દુકાનના માલિકે આ સાંભળીને તુષારનાં વખાણ કર્યા ‘જોયું ? અમારે તાંનો પોયરો બો બહાદુર જો ! પેલા રૂમલાવાળાને મારહે નીં તાં લગી પગમાં ચંપલ હોં નીં પે’રવાનો, જોયું કે ?’
એ જોઈને પેલી હસી. ‘આ મારહે કે ? આ ?’
તુષાર કુમાર તો સમસમી ગયા. પણ થાય શું ? ક્યાં પેલો પડછંદ બેલબોટમવાળો અને ક્યાં આ લબરમૂછિયો તુષાર ? પરંતુ નસીબનું ચક્કર ફરવાનું હતું તે એ રીતે ફર્યું કે ચીખલીના એકમાત્ર સિનેમાહોલમાં ‘એન્ટર ધ ડ્રેગન’ નામની એકશન ફિલ્મ આવી !
તુષાર કુમારે એ ફિલ્મ સાત વાર જોઈ કાઢી ! (કેમકે આઠમા દિવસે તો ઉતરી ગઈ હતી.) ફિલ્મ જોઈને તુષાર કુંગ-ફૂ કરાટેના રવાડે ચડ્યો… ‘હા…! હુ…!’ એવી ચીસો પાડીને તેણે લાતો ઉછાળવાની અને ઘરની લીંપણવાળી દિવાલમાં મુક્કા મારવાની પ્રેક્ટિસ કરવા માંડી !
સવાર સવારના એ તલાવચોરા ગામના તળાવે દંડ પીલતો દેખાય… સાંજના ટાઇમે માટીનાં મોટાં મોટાં ઢેફાં પોતાના ‘ચોપ’ વડે ભૂક્કા બોલાવતો દેખાય.. અને ચીખલીને પેલી ‘લવલી ફૂટવેર’ની બહાર નવરો પડે ત્યારે પણ હવામાં લાતો ઉછાળતો દેખાય !
લોકો એને પૂછે, ‘પિરા, તું બડલો કિયારે લેવાનો ?’ જવાબમાં તુષાર મુઠ્ઠી બતાડીને કહેતો ‘લેમ (લઉં) તિયારે જોજોનીં ? ડુનિયા યાદ કરહે !’
આમ કરતાં કરતાં મહિનો વીતી ગયો. એવામાં એક બુરી ખબર આવી. પેલી બે ચોટલાવાળી, જેનું નામ આરતી હતું, તેની સગાઈ થઈ ગઈ ! આનાથી તુષારનું દિલ તૂટી ગયું, પણ હિંમત ડબલ થઈ ગઈ. ‘અજુ તેના લગન થોડાં થિયાં છે ?’
અને એક દિવસે એણે જાહેર કર્યું, ‘આજે મેં પેલા રૂમલાવારા ધનજીને મારવા જવાનો !’
આ સાંભળીને ફળિયાવાળાં ઉશ્કેરાઈ ગયા ! જુવાનિયાઓ બોલી ઊઠ્યા ‘અમે હો તારી હાથે આવવાના !’ એક ઉત્સાહીએ પોતાનો ટેમ્પો તૈયાર કરી દીધો. ‘ચાલો, આમાં ચડી જાવો !’
પછી તો સરઘસ ઉપડ્યું ! એક ટેમ્પો, ચાર બાઈક, દસેક સાઈકલો અને બીજાં નાનાં મોટાં ટોળાં !
આખું લશ્કર ચીખલી પહોંચ્યું તો થોડા દુકાનવાળા પણ પોતાનાં વાહનો સાથે જોડાયા ! આખા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ. ‘તલાવચોરાવાળો તુષાર પેલા રૂમલાવાળા ધનજીને મારવા ચાઈલો !’
‘એક લાફો મારું પછી જ પગમાં ચંપલ પે’રું’ એવી પ્રતિજ્ઞા લીધેલા તુષારની આગેવાનીમાં આ વરઘોડો જ્યારે રૂમલા ગામે પહોંચ્યો ત્યારે જાનૈયા તો અડધા જ બચ્યા હતા પણ અહીં સમસ્યા અલગ હતી.
ફળિયાના નાકે પહોંચીને તુષારે સૌને કહ્યું, ‘તમે અંઈ ઊભા રેવો… તમુંને આટલા બધા જોહે, તો એ હહરીનો નાહી (નાસી) જહે. એના કરતાં પેલ્લાં મેં એકલો જેઈને એને બા’ર બોલાવું. પછી તમે આવજો…’
આવું ગોઠવીને તુષાર ગયો. ટોળું દૂર ઊભું ઊભું જુએ છે. તુષારે બારણું ખખડાવ્યું… બારણું ખુલ્યું… અંદરથી કોઈ બહાર આવતું દેખાયું નહીં… તુષાર કંઈ વાત કરતો દેખાયો…
અને આ શું ?
એ પાછો આવ્યો ! બધા પૂછે છે : ‘હું થિયું પિરા ? કેમ ખાલી હાથે પાછો આઈવો ?’
જવાબમાં તુષારે ‘બ્રેકીંગ ન્યુઝ’ આપ્યા. ‘એ તો હહરીનો પંદર દા’ડા પેલ્લાં દૂબઈ ચાલી ગૈલો !’
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment