સોશિયલ મિડીયમાં જે રીતે ડઝનના હિસાબે મગરનાં મિમ્સ ફરી રહ્યાં છે (મગર ગરબા કરે છે, મગરને ખાવાનાં બિસ્કીટ… વગેરે) એ જોતાં સરકારે વહેલી તકે વડોદરમાં ‘મગર ટુરિઝમ’ ચાલુ કરવા જેવું છે ! જુઓ…
***
કમાટીબાગમાં જે મિની-ટ્રેન ચાલે છે તેવી જ એક ‘મગર-ગાડી’ શરૂ કરો ! બાળકો મગર આકારના ડબ્બાઓની પીઠ ઉપર બેસીને બાગમાં લટાર મારશે !
***
‘ચકલી સર્કલ’ અને ‘ગેંડા સર્કલ’ની જેમ ‘મગર સર્કલ’ની માગ તો પુરી કરો જ કરો… ઉપરથી ‘મગર-ચોકડી’ ‘મગર-માર્ગ’ તથા ‘મગર-વ્યુ’ પોઈન્ટ પણ ડેવલપ કરો.
***
વિશ્ર્વામિત્રી નદીના રિ-ડેવલપમેન્ટ માટે જે ૧૦૦૦ કરોડનો પ્લાન છે એમાં રિવરફ્રન્ટની જેમ આખો ‘મગર-ફ્રન્ટ’ તૈયાર કરાવો… જ્યાં ‘મગર-બોટિંગ’ ‘મગર-સ્કિઈંગ’ અને ‘મગર-વોચિંગ-ડાઈવિંગ’ની સ્પોર્ટ્સ હોય !
***
એક આખો ‘મગર-મોલ’ ઊભો કરો. (ભલેને ગેરકાયદેસર જમીન પર હોય) જેમાં સ્વર્ગીય મગરની ચામડીમાંથી બનેલાં મગર-સ્કીન પર્સ, મગર-સ્કીન જેકેટ, મગર-સ્કીન બેલ્ટ, મગર-સ્કીન શૂઝ, મગર-સ્કીન ટ્રાવેલ બેગ અને મગર-સ્કીન ડ્રેસ માસ્ક (ખાસ નેતાઓ માટે) મળતાં હોય !
ધંધો છે બોસ ! આફતમાં અવસર (ધંધાનો) શોધે એ જ
ગુજરાતી !
***
એ મોલમાં હાથીદાંતની જેમ મગરદાંતની પ્રોડક્ટ્સ પણ રાખો. જેમકે મગર દાંતના લોકેટ (વાઘનખની જેમ), મગર દાંતના એરિંગ્સ, મગરદાંતની માળા… વગેરે.
પણ હા, ‘મગરનાં આંસુઓ’નું પરફ્યુમ અતિશયમ મોંઘું હશે. (ફક્ત નેતાઓને જ પોષાય તેવું.)
***
ગરબા અને લગ્નમાં ‘નાગિન-ડાન્સ’ની જેમ ‘મગર ડાન્સ’નાં સ્ટેપ્સ લઈ આવો !
***
વરસાદમાં બે-ચાર ‘મગર-ચોથ’ ‘મગર-સાતમ’ કે ‘મગર-અગિયારસ’ જેવા ઉત્સવો પણ ઉમેરી દો ! જેથી નેતાઓને વિશ્વામિત્રની રીવરફ્રન્ટ ઉપર જઈને મહાઆરતી કરવાના મોકા મળતા રહે ! જય મગરનગર વડોદરા.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment