કોલકતાની મેડિકલ કોલેજના સ્ટુડન્ટો એક સહાધ્યાયીને ન્યાય અપાવવા લડત આપે છે જ્યારે ગુજરાતના મેડિકલ સ્ટુડન્ટો પોતાનું સ્ટાઇપેન્ડ વધારીને સવાલાખ કરવા માટે હડતાલ ઉપર હતા !
ટુંકમાં, રાજ્યે રાજ્યે સ્ટુડન્ટોમાં લક્ષણો અલગ હોય છે ! જુઓ…
***
જો કોઈ કોલેજિયન પાસે એક જ નોટબુક હોય, અને એ પણ વાળીને જિન્સન પાછલા ખિસ્સામાં ખોસેલી હોય તો…
એ મુંબઈની કોલેજનો સ્ટુડન્ટ હશે.
***
જો નોટબુકની જગ્યાએ મોટું લેપ-ટોપ, જોડે પાવર બેન્ક, વાયરો, પ્લગ્સ, આઇ-પેડ અને પેન ડ્રાઇવ્સ તથા હાર્ડ ડિસ્કનો સંરજામ હોય તો…
એ બેંગલુરુની કોલેજનો સ્ટુડન્ટ હશે.
***
જો એ કોલેજીયનના એક હાથમાં બે ચાર નોટબુકો હોય અને બીજા હાથમાં રાજકીય વિચારધારાનું બેનર કે પ્લેકાર્ડ હોય તો…
એ દિલ્હી યુનિવર્સિટીનો સ્ટુડન્ટ હશે !
***
અને જો કોઈ કોલેજિયનના ખભે લટકાડેલા ઝોલામાં નોટો, ચોપડીઓને બદલે તમંચો, ચેઇન, ચાકુ કે હોકી-સ્ટિક હોય તો…
સમજવું કે એ બિહાર યુનિવર્સિટીનો સ્ટુડન્ટ હશે.
***
જો કોઈ સ્ટુડન્ટે આખા શરીરે ચિત્ર વિચિત્ર ટેટુ ચીતરાવી રાખ્યા હોય, અડધી બાંયવાળું બનિયાન અને બર્મુડા પહેરીને, ખભે મોટું સ્પિકર ઉપાડીને, કાને હેડ-ફોન લગાડીને, મેઇન રોડ ઉપર શરીરને વાંકુચૂકું હલાવતો દેખાય તો…
એ પંજાબ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ જાણવો !
***
બાકી એક હાથમાં મોબાઈલ, બીજા હાથમાં માવો, એક ખિસ્સામાં બાઈકની ચાવી, બીજા ખિસ્સામાં ક્રેડિટ કાર્ડોથી ભરેલું વોલેટ અને બેગપેકમાં જે નાસ્તાનો ડબ્બો હોય એમાં ખાખરા, થેપલાં અથવા દાબેલી, સેન્ડવિચ હોય તો…
તમે સમજી ગયા ! એ ગુજરાતનો સ્ટુડન્ટ છે ! રાઈટ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment