ભ્રષ્ટાચાર હવે ભગવાનની માફક ‘સર્વવ્યાપી’ છે એવું સત્ય સ્વીકારી લેવા સિવાય હવે છૂટકો નથી ! આવા સમયે ભ્રષ્ટાચારને લગતા વિવિધ શબ્દોનો અર્થ સમજી લેવા જોઈએ…
***
લાંચ :
દાખલા તરીકે સરકારી જમીનમાં આવેલા સરકારી કૂવામાંથી પાણી કાઢીને સરકારને જ સપ્લાય કરવાનો કોઈ કોન્ટ્રાક્ટ હોય તો એમાં સરકારનાં વિવિધ ખાતાંઓ માટે છેક પંચાયતથી લઈને ગાંધીનગર સુધી મંજુરી લેવા માટે જે પૈસા આપવા પડે, તેને ‘લાંચ’ કહે છે.
***
રિશ્વત :
પછી દર વરસે એ કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે જે રકમનો ‘રિવાજ’ બની જાય તેને ‘રિશ્વત’ કહેવાય.
***
હપ્તો :
એ જ કૂવામાંથી રોજ દસ બાલટીના હિસાબે પાણી મફતમાં આપવું પડે તેને ‘હપતો’ કહેવાય.
***
કટકી :
આખા જિલ્લામાં આવો કોન્ટ્રાક્ટ આપીને એની આવકના પાંચ ટકાનો જે સોદો થાય એને ‘કટકી’ કહેવાય.
***
કડદો :
કૂવામાંથી નીકળતા કાદવને પણ સરકારી ખાતામાં ખાતર તરીકે વેચી મારે તેને ‘કડદો’ કહેવાય.
***
તોડ :
આ બધી ધૂપ્પલો પકડાઈ જાય તો છૂટી જવા માટે જે સમાધાનની રકમ આપવાની હોય તેને ‘તોડ’ કહે છે.
***
ગોબાચારી :
દુકાળના સમયમાં ટેન્કરો ભરી ભરીને પાણી બારોબાર વેચી મારવાના કારભારને ‘ગોબાચારી’ કહેવાય.
***
મલાઈ :
પાણીમાંથી પૈસા બનાવવાની આખી યોજના હવે આખા રાજ્યમાં લાગુ થાય અને એમાંથી જે ‘ઉપર’ની કમાણી કાઢી લેવાની હોય તેને ‘મલાઈ’ કહેવાય. સમજ્યા ?
***
કૌભાંડ :
કૂવા ‘ઓન પેપર’ હોય, એક જ ઠેકાણે બબ્બે કૂવા હોય, તળાવની વચ્ચે કૂવો હોય, કોમર્શિયલ બિલ્ડીંગના ત્રીજા માળે કૂવો હોય… એની આખી વ્યવસ્થિત ચેઈન પણ ગોઠવાયેલી હોય ! આને કહેવાય ‘કૌભાંડ’ મારા સાહેબ !
***
ભાગબટાઈ :
વિપક્ષના નેતાઓને આપવી પડતી રકમ.
***
વિકાસ :
આટલા લાખ તરસ્યા લોકોને આટલા કરોડ લિટર પાણી પહોંચાડ્યું… એવા આંકડા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment