અતિવૃષ્ટિના અતિ-ફની સમાચારો !

આખા ગુજરાતમાં ધોધમાર વરસાદના સમાચારો તો તમે જોયા જ હશે. પરંતુ એ બધા સમાચારોમાં હજી અમુક સમાચારો એવા છે જે હજી ટીવીમાં નથી આવ્યા કે છાપામાં પણ નથી આવ્યા ! જુઓ…

*** 

ભૂવાનું વાહન ભૂવામાં
ડામર રોડ ઉપર પડેલા ભૂવામાં એક ભૂવાનું સ્કુટી પડી જવાથી ગુંચવાડો ઊભો થયો હતો કે આમાં વધારે પાવરફૂલ ભૂવો કોને કહેવાય ?

*** 

સિનિયર સિટીઝનની ચીવટ
શહેરના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની દહેશતથી અમુક વિસ્તારોમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. જેમાં એક ઘરમાં ભૂલથી બાથરૂમનો નળ ચાલુ રહી જવાનું યાદ આવવાથી એક વયોવૃદ્ધ નાગરિક કેડ સમાણા પાણીમાં પાછાં આવીને નળ બંધ કરી ગયા હતા. જેથી પાણીનો બગાડ ન થાય !

*** 

સ્વિમિંગ પૂલમાં પાણી ભરાયાં
છેલ્લા છ મહિનાથી સમારકામને અભાવે બંધ પડેલા મ્યુનિસિપાલિટીના સ્વિમિંગ પૂલમાં વરસાદના પાણી ભરાઈ ગયાં હતાં. છતાં કમનસીબી જુઓ કે એકપણ તરવૈયાએ તેનો લાભ લીધો નહોતો !

*** 

તણાયેલા પુલે બચાવ્યા
નદીમાં આવેલા ઘોડાપુર સાથે સેલ્ફી લેવા જતાં ત્રણ યુવાનો એ જ નદીમાં તણાવા લાગ્યા હતા. પરંતુ માત્ર ત્રણ જ વરસ પહેલાં બંધાયેલો એક પુલ પણ પાણીમાં તણાવા લાગતાં આ યુવાનો તે પુલ ઉપર ચડી જતાં તેમનો જીવ બચી ગયો હતો. યુવાનોએ પુલ બાંધનારા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરનો દિલથી આભાર માન્યો છે !

*** 

ચોરાયેલાં ઢાંકણાં પાછાં મળ્યાં
ઉનાળા દરમ્યાન ચોરાઈ ગયેલાં ગટરનાં ચાર ઢાંકણાં આ ચોમાસાના પૂરમાં તણાઈને વધુ એક ખૂલ્લી ગટરના કાણામાં ફસાઈ જતાં પોલીસની ઘણી મહેનત બચી ગઈ હતી !

*** 

જુગારમાં ડૂબ્યાં નાણાં
પોલીસથી છૂપાઈને એક મકાનના ભોંયરામાં પત્તાંનો જુગાર રમી રહેલા જુગારીઓને અચાનક ધસી આવેલાં પાણીથી બચવા માટે ભાગવું પડ્યું હતું. જેમાં એમનાં જુગારનાં નાણાં પાણીમાં ડૂબી ગયાં હતાં. હવેથી માત્ર ધાબા ઉપર રમીને માત્ર ડિજીટલ લેવડ દેવડ જ કરવાનું નક્કી કર્યું છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments