બ્રિટનમાં ચૂંટણી પછી સત્તાપલટો થયો. રિશી સુનક ગયા અને કેર સ્ટાર્મર આવ્યા. પરંતુ જરા બે દેશોની લોકશાહીની સરખામણી કરવા જેવી છે…
***
વિસ્તાર અને વસ્તીમાં માંડ ગુજરાત જેવડું છે, આ બ્રિટન છતાં એમને ત્યાં ૬૫૦ સાંસદો ચૂંટાય છે...
અને આપણે ગુજરાતમાં માત્ર ૨૬થી ચલાવી લઈએ છીએ ! બોલો.
***
ત્યાં બ્રિટનમાં દરેક મતવિસ્તારના મતદારોની સરેરાશ સંખ્યા માંડ ૧ લાખની છે...
અહીં ગુજરાતમાં તો જો ૧ લાખની લીડથી જીત થાય તો ઉપરથી કડક આદેશ આવે છે કે ભાઈ, પાંચ લાખની લીડ કેમ ના આવી ? બોલો, વટ છે ને !
***
બ્રિટનના સાંસદને વરસે ૯૭ લાખ રૂપિયા જેટલો પગાર મળે છે...
બસ ? આટલું તો અહીંનો મામૂલી કોર્પોરેટર છ મહિનામાં ‘કરી’ નાંખે છે ! બોલો, વટ છે ને !
***
બ્રિટનમાં લેબર પાર્ટીનું રાજ પુરા ૧૪ વરસ પછી પાછું આવ્યું...
- નસીબ સારાં કહેવાય ! અહીં ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લાં ૩૯ વરસથી મથે છે ! બોલો.
***
બ્રિટનમાં ત્રણ નેતાઓ માત્ર ૧૫, ૧૮ અને ૨૦ મતે જીત્યા છે !
એમાં શું ? આવું તો અમારે ત્યાં લગભગ દરેક ગામડાંની ‘પંચાયત’ની ચૂંટણીઓમાં થતું હોય છે ! જરા મોટું વિચારવાનું રાખો, અંગ્રેજો !
***
બ્રિટનમાં ચૂંટણીઓના રિઝલ્ટ પછી ક્યાંય મારામારી, તોડફોડ કે આગજની થતી નથી...
હા, પણ ત્યાં જો અમથી નાની ફૂટબોલ મેચો હારી જાય તો રીતસરનાં રમખાણો ફાટી નીકળે છે ! હવે કહો, બ્રિટીશરો માટે ઇમ્પોર્ટન્ટ શું છે, ફૂટબોલ કે લોકશાહી ?
(ભારતમાં ઊંધું છે. મેચ હારીએ તો એક કાચ પણ ફૂટતો નથી, વર્લ્ડ-કપમાં ય નહીં ! પૂછો કેમ ? કારણ કે લોકશાહી વધારે ઇમ્પોર્ટન્ટ છે !)
***
અને હા, રિશી સુનક સામેની પાર્ટીને ૪૦૦ પાર સીટો મળી...
એમાં અહીં કોંગ્રેસીઓ કેમ આટલા બધા રાજી થઈ રહ્યા છે ? બોલો ને.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment