સરકારની નીતિ આયોગની બેઠકમાં ૨૭માંથી ૧૦ તો નોંતરું મુકવા છતાં આવ્યા જ નહીં ! એમાંય મમતાજી આવ્યાં તો રીસાઈ ઝગડીને ચાલ્યાં ગયાં !
આ બધું પત્યા પછી લગ્નમાં બૈરાંઓ પંચાત કરે છે એ રીતે નિતી આયોગમાં પણ પંચાત ચાલી હોત તો ?
***
‘બળ્યું, હું તો કહું છું કે આવાંઓને તો બોલાવવા જ ના જોઈએ.’
‘જવા દો ને મારી બઈ ? ના બોલાઈયે તો કે’શે કે અમોંને ચમ ના બોલાયં ?’
‘પણ આ લોકો બોલાયા પછી અપમોન કરેં ઇમોંના ય ખરા ને ? જુવોને, પેલોં મમતા માશીને ચેવું કર્યું ?’
‘ના હોં ! એ મમતા માશી તો છે જ એવોં ! તમારા મોદી કાકા ઇમને ત્યોં ગૈલા તાણે ય ચેવોં ચાલુ પ્રસંગે હેંડતોં થયેલોં ?’
‘ઇનોં કરતેં આપડા રાહુલભઈ ચેવા હારા ? અંબાણીને ત્યોં ય ના જ્યા !’
‘જાય શી રીતે ? રાહુલભઈ પાંહે પે’રવા લાયક કોંય છ જ નંઈ, ભૈશાબ ! જ્યોં જાય ત્યાં પેન્ટ ને ટી-શટ પેરીને જોંય છ ! લગનમોં કોંઈ હારાં લાગતાં હૈશે પેન્ટ ને ટી-શટ ?’
‘ઓ મારી બુન, તું શાોંતિ રાખ ને ? રાહુલ ભઈને તો કંકોતરી જ નંઈ મેકલી !’
‘અંબાણીને ત્યાોંથી?’
‘ના અલી ! મોદીકાકાને ત્યોંથી ! કેમકે જે હત્તાવી નોંમ હતાં, ઇંમોં રાહુલભઈનું નોંમ જ નહીં.’
‘પણ મારી બઈ, એ રાહુલભૈના કીધે જ ઇમનાંવારા દહ જણોં આયોં જ નંઈ ને ?’
‘તે હારું થ્યું ક ના આયા ! નકર મંડપમોં બધોંને નીચાજોણું કરાવત… કે અમોંન પોંણી ચમ ના આલ્યું, અમારા ભોંણામોં દાળ ચમ ઠંડી અતી? મોહનથાર તો આલ્યો જ નંઈ !’
‘તૈણ તૈણ હજ્જારની ડીસ અતી… હારું થ્યું ! તરી હજ્જાર બચી જ્યા !’
‘ને પેલોં મમતા માશી ? એ તો આયેલોં જ ભવાડો કરવા હારુ ! અડધે ભાણેથી ઊટીને હેંડતા થ્યા, કે’છે કે બીજોંને વીશ વીશ ગુલાબજોંબુ આલ્યાં ને, મને પોંચ જ આલ્યાં !’
‘જુવોન બુન ? તૈણ હજ્જારની ડીશ હોય ત્યોં કશર કરતું અ’શે? પણ ઇંયોંન વોંક જ કાઢવો તો, અટલે શું થોંય ?’
‘હારું હારું… છેવટે બધું પત્યું ન ? પણ અલી, દિલ્હીમોં બધોંને શેના હારુ તેડાયેલા ?’
‘લે મારી બુન, ખબર નહીં ? નિતીબુનનોં ને આયોગભઈનોં લગન હતોં !’
‘ઇંમ ? તો ઇંમોં પેલા નિતિશફૂવા ચમ ના આયા ? ઇંયોન તો ૫૯ હજ્જારની પે’રામણી આલેલી !’
‘દઈ જોંણે મારી બઈ…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment