અનંત... જિઓ... અને રિ-ચાર્જ !

આખરે અનંત અંબાણીના લગ્ન પત્યાં ખરાં ! લોકો કહેતા હતા કે ભૈશાબ… હજુ કેટલું ચાલશે ? પણ જેનું નામ જ ‘અનંત’ (જેનો અંત નથી) હોય એનું કંઈ ઝટ પતે ખરું ?

એ સિવાય પણ બીજી રમૂજો છે…

***

લોકો ફરિયાદ કરે છે કે મુકેશભાઈએ ‘જીઓ’ના રિ-ચાર્જનો ભાવ વધારીને લગ્નનો ખર્ચો પબ્લિકને માથે નાખી દીધો !

હા, પણ ‘જીઓ’ સિવાયની કંપનીઓને કયા રાજકુમારો પરણાવવાના હતા, કે એમણે પણ ભાવ વધારી દીધા છે ?

***

સવાલ એ છે કે ‘પ્રિ-વેડિંગ’માં જો ‘પ્રિ-પેઇડ’ના આટલા ભાવ વધ્યા છે, તો ‘પોસ્ટ-પેઈડ’ના ભાવ જે વધ્યા છે... 

એમાં શું ‘પોસ્ટ-વેડિંગ’ (એટલે હનીમૂન)ના ખર્ચા કાઢવાના છે ?

***

અમને તો પેલા જસ્ટિન બિબરની દયા આવે છે. અંબાણીના ફેમિલીવાળા ગોલ્ડથી મઢેલાં કપડાં પહેરીને મહાલ્યા... અને આ ભાઈ એક બનિયાન, અડધી ચડ્ડી અને ચડ્ડી દેખાય એવું ઢીલું પેન્ટ પહેરીને હાલ્યો આવેલો ! બિચ્ચારો...

***

મુકેશભાઈની ચાલાકીને પણ દાદ આપવી પડે હોં ? જ્યારે સામી ચૂંટણીઓ હતી ત્યારે જામનગરમાં સીધા સાદા ગામલોકોને પુરી-શાક, ભજીયાં, દાળ-ભાત અને મોહનથાળમાં પતાવી દીધા...

પણ જેવી ચૂંટણીઓ પતી કે તરત ક્રુઝમાં પહેરવા માટે તિજોરીમાંથી સોને મઢેલાં કપડાં કાઢ્યાં !

***

‘જીઓ’નું નવું સ્લોગન : ‘કર લો માર્કેટ મુઠ્ઠી મેં...’

વોડાફોનનું નવું સ્લોગન : ‘વ્હેરેવર જિઓ ગોઝ... અવર નેટવર્ક ફોલોઝ !’

***

જીઓ ઉપરાંત બીજાં નેટવર્ક છોડીને જે લોકો બીએસએનએલમાં જઈ રહ્યા છે. એમને ચિંતા એ વાતની છે કે લોકો અમને શું કહેશે ? ‘ગરીબ’ કે ‘દેશભક્ત?’

***

અનંતના તમામ ફંકશનોમાં હજી દુનિયાની જે જે સેલિબ્રિટીઝને નથી બોલાવ્યા એ લોકોને ઇન્ફીરીયારીટી કોમ્પલેક્ષ થઈ ગયો છે ! એમાંય પાકિસ્તાની ક્રિકેટરો તો હજી રડે છે કે ‘અગર હમ વર્લ્ડ કપ જીત ગયે હોતે તો અનંત કી શાદી મેં પેટ ભર કે ખાને કો મિલા હોતા !’

***

જોકે હજી અમુક સેલિબ્રિટીઝ એવી છે જેમણે આશા છોડી નથી... એ પૂછાવે છે કે ‘હનીમૂનમાં તો અમને બોલાવશો ને ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments