ચોમાસાની દેશી ઓલિમ્પિક્સ !

ચાર વરસે આવતી ઓલિમ્પિક્સ ભલે પેરિસમાં શરૂ થઈ ગઈ પણ ગુજરાતનાં શહેરોમાં દર વરસે ચોમાસામાં અમુક ‘રમતો’ આપણી જોડે રમાઈ જ જતી હોય છે ! જુઓ, તમે પણ રમો છો ને…

*** 

ખાડા-કૂદ…
રોડ ઉપર પડેલો એક ખાડો, સામટા બે ખાડા કે પછી શતરંજના ઘોડાની જેમ સટાસટ અઢી ખાડા કૂદી જવાની નૈસર્ગિક આવડત હોય તો જ આમાં પડવું ! (એટલે કે, કૂદવું !)

*** 

છોળ-કૂદ…
રાહદારીઓ માટેની આ સૌથી અઘરી રમત છે જેમાં વરસાદ ચાલુ હોય, હાથમાં છત્રી હોય, બીજા હાથમાં ટિફીન હોય અને સામેથી સડસડાટ આવતી કાર જે પાણીની છોળ ઉડાડવાની છે, તેની આગોતરી ગણત્રી કરીને સેકન્ડના સાતમા ભાગમાં જમ્પ મારવાનું અહીં કૌશલ્ય હોવું જરૂરી છે !

*** 

વિઘ્ન-દોડ…
સાંજે ઓફિસ છૂટવાના સમયે જ્યારે વરસાદ ચાલુ થઈ ગયો હોય ત્યારે સમયસર છટકી જવામાં અનેક વિઘ્નો પાર કરવાનાં હોય છે. જેમકે (૧) બોસની કેબિન (૨) બોસના ચમચાની નજર (૩) ભીનાં પગથિયાં (૪) રોડના ખાડા (૫) ખાડાના પાણી (૬) પાણીમાં રહેલા ખાડા (૭) ખાડાને કૂદાવતાં વાહનો (૮) વાહનોનો વાંકોચૂકો ટ્રાફિક અને (૯) વાહનોએ ઉડાડેલી પાણીની છોળો… પાર કરીને તમારે તમારી બાઈક સુધી પહોંચવાનું છે !

*** 

ગરનાળાં-વીંધન…
અંડરપાસના ગરનાળામાં પાણી તો ભરાયું છે પણ શું તમારું સ્કુટર/બાઈક એ પાણીને વીંધીને સડસડાટ પેલે પાર નીકળી શકે ખરું ? સાહસ, ઝડપ, સંતુલન અને હિંમતની કસોટી કરતી સ્પર્ધા…

*** 

દ્વિ-ચક્રી-ખેંચ…
દોરડાં-ખેંચમાં સામેની ટીમ દોરડું ખેંચતી હોય છે પણ અહીં તમારે તમારું બંધ પડેલું બાઈક / સ્કુટર ઘુંટણ સમાણાં પાણીમાં ખેંચતા ખેંચતાં જવાનું છે ! અહીં સમયસર ઘરે પહોંચવા છતાં ઈનામમાં ગરમાગરમ ભજિયાં મળતાં નથી, ઉલ્ટું પત્નીની કચકચથી મૂડના પોઇન્ટ્સ કપાઈ જાય છે.

*** 

વાણી-ફેંક…
આ ઇન-ડોર ગેમ છે. આમાં ઘરે બેઠાંબેઠાં ‘તંત્ર ખાડે ગયું છે, સરકાર કંઈ કરતી નથી. વોટ આપીને પસ્તાયા…’ વગેરે સ્ટાન્ડર્ડ વાક્યો ફેંકવાના હોય છે. જોકે ટીવી પત્રકારો માટે આ આઉટડોર ગેમ છે અને એમાં સ્પર્ધા પણ ઘણી છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments