આજકાલ ઇન્ટરનેશનલ લેવલે જાતજાતની એવી સમસ્યાઓ ઊભી થઈ છે કે એ વિદેશીઓને સમજ જ નથી પડતી કે આનું કરવું શું ? પણ આપણા દેશી ભેજાંઓ પાસે એના ઉપાય છે ! જુઓ…
***
અમેરિકામાં હિટ-વેવ ચાલ્યું છે ! બિચારાઓ બાવન ડીગ્રીમાં હાંફળા ફાંફળા થઈ ગયા છે !
એમણે એક રાજકોટવાસીને પૂછ્યું તો એણે કહ્યું : ‘ચિંતા કરો મા ! બપોરે ૧ થી ૪ ઘર અને દુકાનનાં બારણાં બંધ કરીને ઊંઘી જાવાનું રાખો ! અને ચા પીઓ ચા… ગરમાગરમ આદૂ-ફૂદીનો અને ઇલાયચીવાળી !’
***
ફ્રાન્સમાં ચૂંટણી પછી રમખાણો ફાટી નીકળ્યાં છે ! અને હવે ગઠબંધન સરકાર બનાવવી પડે એમ છે !
ફ્રાન્સના પ્રેસિડેન્ટ મેંક્રોએ મનમોહનસિંહને ફોન કર્યો ! જોકે ફોનમાં તો મૌનમોહનજી ‘બોલે’ જે શેના ? પણ પછી એમણે ઇ-મેઈલ કર્યો કે ‘મારી જેમ ચૂપચાપ બેસીને બધું જોયા કરો… જેને જે કરવું હોય તે કરવા દો… મોંમાં જ્યાં સુધી મગ ભરી રાખ્યા હશે ત્યાં સુધી ટકી શકશો ! હું તો દસ વરસ ટકી ગયો હતો !’ બોલો.
***
અવકાશીયાત્રી સુનીતા વિલિયમ્સ નાસાના સ્પેસ-સ્ટેશનમાં ફસાઈ ગઈ છે ! એમાં વિચિત્ર યાંત્રિક ગડબડ ઊભી થઈ છે !
નાસામાંથી એક અમદાવાદી કાકાને ફોન આવ્યો ! કાકાએ કીધું : ‘એક કામ કરોને… તમારું જે સ્પેસ-સ્ટેશન ખરું ને, એને સહેજ ત્રાંસુ કરીને… પછી સીધું કરીને ચાલુ કરી જુઓ ! ના થાય તો પૈસા પાછા !’
***
અમેરિકાની બે મોટી મોટી કંપનીઓ જો બાઈડનને ચૂંટણી માટે ફંડ આપવાની ના પાડે છે !
આમાં શું મોટી ધાડ મારવાની છે ? ભારતની ઈડીએ કહેવડાવ્યું છે કે ‘તમે એ કંપનીઓ ઉપર કચકચાવીને રેડ પાડો ને ? પછી જુઓ, કેવા ફંડ નથી આપતા !’
***
બ્રિટનમાં બિચારા રીશી સુનક પણ મુંઝાયા છે ! એમની પાર્ટીને માત્ર ૧૧૦ સીટો મળી છે !
રાહુલ ગાંધીએ કહ્યું ‘બિલકુલ ફિકર મત કરો ભૈયા ! મિડીયા મેં બોલતે રહો કે યે તો હમારી મોરલ વિક્ટરી હૈ !’
***
ઇરાનમાં નવા ચૂંટાયેલા વડાપ્રધાન હિજાબના વિરોધી છે પરંતુ ત્યાંના સુપ્રીમો ખોમૈની અત્યંત રૂઢિચુસ્ત છે.
ભારતના બુદ્ધિજીવીઓ કહે છે ‘અમારી પાસેથી કંઈ શીખો ! અમે નારી-મુક્તિ, મહિલા અધિકાર, વુમન પાવર… બધાનો જોરશોરથી સપોર્ટ કરીએ છીએ, પણ સાથેસાથે હિજાબનો પણ સપોર્ટ કરીએ જ છીએ ને ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment