તાડી પીધી ફાંકડી, લપસ્યો તો પડી લાકડી !



નવી શ્રેણી...ઝાંઝવું નામે ગામ

ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધે ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…

***

‘ગામનું નામ વાંકડી, ત્યાં તાડી મલે ફાંકડી !’

અમારા દક્ષિણ ગુજરાતના ગામોમાં ઠેર ઠેર તાડી પીવા મળી રહે. પરંતુ અમારા ગામથી આઠ-દસ કિલોમીટર દૂર આવેલું વાંકડી નામનું ગામ એની ‘સ્વાદિષ્ટ’ તાડી માટે એટલું ફેમસ હતું કે અમારા પંથકમાં ઉપર લખેલી કહેવત ફેમસ થઈ ગઈ હતી.
જે રીતે આજે છેક સુરતથી દમણ સુધી દારૂના શોખીનો કાર, સ્કુટર અને બાઇક લઈ લઈને લાંબા થાય છે એવું જ એ વખતે વાંકડી ગામનું હતું. શોખીનો ક્યાં ક્યાંથી તાડી પીવા આવે !

એવા જ બે શોખીનો અમારા ગામના. એકનું નામ જિતેશ ઉર્ફે જીતુ અને બીજાનું નામ મિતેશ ઉર્ફે મિતુ. બન્ને એક દિવસ ઉપડ્યા તાડી પીવા…

વાંકડીની તાડી જ એટલી ફાંકડી કે પીતાં પીતાં પડી ગઈ રાત. મિતુ કહે ‘ભાઈ, હવે તું ઊભો થા, કેમકે તારે તો મારી બાઈકની પાછલી સીટે જ બેહવાનું છે પણ બાઇક ચલાવવાની છે મારે.’

જીતુની તલબ હજી પુરી થઈ નહોતી. એણે વધુ એક લોટો મંગાવતા કહ્યું ‘પાછલી સીટ પર બેહીને મારે તને રસ્તો થોડો બતાવવાનો છે ? હહરીના, મને તો પીવા દે ?’

આમાં ને આમાં જીતુ થઈ ગયો ફૂલ-ટુ ટુન્ન ! પછી રાત્રે દસેક વાગે એમણે અમારા ગામની વાટ પકડી. હવે તમે આખો સીન જોજો… એક તો પૂનમની મસ્ત મજાની રાત… ઉપરથી હળવો હળવો પવન ચાલે… અને ગામડાંના રસ્તા સુમસામ, એટલે જીતુની બાઈક પણ પાણીના રેલાની જેમ હળવી હળવી વહે ! આમાં ને આમાં પાછલી સીટ પર બેઠેલા જીતુને આવી ગઈ ઘસઘસાટ ઉંઘ !

એવામાં એક રસ્તો એવો આવ્યો કે જ્યાં વારાફરતી ઉપર નીચે ઉપર-નીચે એવા ઢાળ હોય ! બસ, આવા જ એક બમ્પ-સમાન ઢાળમાં બાઈક સ્હે… જ જ ઉછળી ! એમાં પાછળ બિરાજેલા જિતુભાઈ ઉછળીને હળવેકથી પડ્યા રસ્તામાં !

પણ અહીં મજા જુઓ… દક્ષિણ ગુજરાતના કાચા રસ્તાની ખુબી એ છે કે ચોમાસામાં તો એ કાદવથી ભરપુર હોય પરંતુ શિયાળા-ઉનાળામાં એ જ કાદવનું રૂપાંતર પોચી, લીસ્સી, રેશમી ધૂળમાં થઈ જાય ! જીતુ જ્યારે પડ્યો ત્યારે આવી જ રેશમી ધૂલના જથ્થામાં પડ્યો. તાડીના નશામાં એને સ્હેજ ધક્કા જેવું તો લાગ્યું, પણ પછી એ શાંતિથી ત્યાં જ લાંબો થઈને ઘસઘસાટ ઊંઘમાં સરી પડ્યો !

પેલી બાજુ અમારા ગામનો મિતુ અમારા ફળિયામાં પહોંચ્યો. અહીં પહેલું આવે જીતુનું ઘર, પછી આવે પોતાનું ઘર. એટલે જીતુના ઘર પાસે બાઈક ઊભી રાખીને એ અડધી ઊંઘમાં બોલ્યો : ‘એલા, ઉતરી ગિયો કે ?’

અહીં તાડીનો નશો એટલો મસ્ત ચડેલો હતો કે જીતુનો હોંકારો પણ સાંભળ્યા વિના મિતુએ બાઇક હંકારી મુકી. એને એમ કે જીતુ ઉતરી જ ગયો હશે ને ? પછી એ નિરાંતે ઘરમાં જઈને ઊંઘી ગયો !

હવે પેલી બાજુ જીતુનું શું થયું ? એ ભાઈ તો ફૂલ નશામાં હતા ! ઉપરથી પૂનમની રાતનો મંદ મંદ મીઠો પવન આવી રહ્યો હતો. એમાંય અમારાં અંતરિયાળ ગામડાંમાં રાતના સમયે ટ્રાફિક તો હોય જ શાનો ? એટલે ભાઈ તો મસ્તીથી પેલી પોચી, રેશમી ધૂળમાં પડખાં ફરીને ઊંઘતા રહ્યા !

પણ પરોઢના સમયે એની આંખ ખુલી ત્યારે એ વિચારમાં પડ્યો : ‘એની બેનને.. હું અંઈ કેમ કરીને આઈવો ?’ આજુબાજુ જોતાં એને પોતાના સવાલનો જવાબ આપનારું કોઈ દેખાયું નહીં એટલે તે ઊભો થયો અને સડક છોડીને દૂર દેખાતાં થોડાં ઘર તરફ જવા ભાગ્યો. થોડે આગળ જતાં જ એના મનમાં મીઠો ઝબકારો થયો :

‘ઓહો… આ તો મારી સંગીતાનું સાસરું !’

હવે તમે પૂછશો કે આ સંગીતા કોણ ? તો મિત્ર, સંગીતા એ જીતુની જુની પ્રેમિકા હતી. બન્ને પુરેપુરા ‘લવ’માં હતા. પરંતુ સંજોગોવશાત્‌ પરણી શક્યા નહોતા. બીજી મેઇન વાત એ પણ જાણી લો કે જીતુ પણ પરણી ચૂક્યો હતો, એક જિગ્ના નામની જાડી-સરખી છોકરીને ! પણ એ જાડી જિગ્ના તો હજી અમારા ફળિયામાં પોતાના ઘરમાં ઘસઘસાટ ઊંઘી રહી હતી.

આ બાજુ જીતુનું દિલ અચાનક રોમાન્સથી છલકાઈ ઉઠ્યું ! તે સંગીતાના ઘરે પહોંચીને દરવાજો ખખડાવતાં કહે છે:
 
‘સંગુઉઉ… ઓ મારી સંગુઉઉ… જો તો ખરી ? કોણ આઈવું ?’

અંદર સૂતેલી સંગુ ઉર્ફે સંગીતા ચમકી. કેમકે આ અવાજ એના પતિ રાકેશ ઉર્ફે રાકલાનો નહોતો ! હજી એ આંખો ચોળે છે ત્યાં તો બહાર દરવાજે ઢળું ઢળું થઈ રહેલા જીતુનો અવાજ વધુને વધુ મોટો થઈ રહ્યો હતો : 

‘સંગુઉઉ… ઓ મારી સંગુઉઉ ! બારણું ખોલનીં ? જો કોણ આઈવું ?’

સંગીતાને થયું. જો તે બારણું નહીં ખોલે તો સવાર સવારનાં આખા ફળિયામાં તાયફો થશે. એના કરતાં જીતુને ઘરમાં લઈ લેવો સારો. બીજી મહત્વની વાત એ હતી કે સંગીતાનો પતિ, જે બાઇક લઈને નજીકના ટાઉનની એક ફેકટરીમાં નાઈટ-શીફ્ટ કરતો હતો, તે હજી આવ્યો નહોતો.

સંગીતાએ દરવાજો ખોલ્યો… અને જીતુ તેની ઉપર ઢળી પડ્યો ! પછી તો શું ? કુદરતે માનવીના શરીરમાં જે ચૂંબકીય મેગ્નેટો મુક્યાં છે એ કંઈ ઝાલ્યાં રહેતાં હશે ? થોડી જ મિનિટોમાં બન્ને પલંગમાં હતાં !

આ બાજુ અમારા ગામના ફળિયામાં શું બન્યું ? જીતુની પત્ની સવારે ઊઠીને જુએ છે કે એનો ધણી તો હજી આવ્યો જ નથી, એટલે એ ગઈ મિતુને ઘેર ! મિતુને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે છે : ‘તમે મારા ધણીને તાડી પીવા લેઈ ગેલા તે તેને કાં મુકી આઈવા ?’

જીતુ આંખો ચોળતાં કહે છે ‘અરે, તેને મેં તારા ઘરની હાંમ્મે જ તો ઉતારેલો !’

થોડી જ વારમાં ફળિયામાં ખબર ફેલાઈ ગઈ કે ‘જિતુ બાઈક પરથી ખલવાઈ પઈડો !’ (ખલવાઈ પઈડો એટલે ટ્રક ખાલી થતી હોય તેમ ‘ખાલી’ થઈને ક્યાંક પડી ગયો !)

હવે પેલી બાજુ સંગીતાના ઘરે શું થયું ? જે બિચારાં પ્રેમી પંખીડાઓએ એકબીજાને સાત સાત જનમ સુધી સાથે રહેવાના કોલ આપેલા. એ બિચારા પુરાં સત્તર મહિના પછી એકબીજાને મળ્યાં હતાં ! ઉપરથી પતિ પણ નાઈટ-શીફ્ટમાં હતો, એટલે પ્રેમના દરિયામાં વારંવાર ભરતીઓ આવી !

આ બાજુ અમારા ગામના ફળિયામાં તો શોધખોળ ચાલી કે આખરે જીતુ ક્યાં આગળ ‘ખલવાઈ પડેલો’ હશે ? પરંતુ પેલી બાજુ સંગીતાના ગામમાં ‘વિલન’ની એન્ટ્રી થવાની બાકી હતી !

નાઇટ શીફ્ટ પતાવીને રાકેશ પોતાના ઘર પાસે બાઈક પાર્ક કરીને જેવો અધખુલ્લું બારણું હડેસલીને અંદર દાખલ થાય છે, તો જુએ છે કે એની પત્ની અને એનો જુનો પ્રેમી અડધી ઊંઘમાં અને અડધી જાગતી હાલમાં પલંગમાં પડ્યાં પડ્યાં પડખાં ઘસી રહ્યાં છે !

એ જોતાં જ રાકેશની કમાન છટકી ! ‘તારી જાતનો જિતીયો મારું ! તું ઊભો જ રહેજે ! આજે તારી ખેર નથી !’ કહેતો એ બહાર ગયો અને ક્યાંકથી એકાદ લાકડી ઉપાડી લાવ્યો ! 

જીતુ સમજી ગયો કે હવે બહુ માર પડવાની છે એટલે એ ‘પહેરેલાં કપડે’ (અડધાં તો પહેરેલાં હતાં) પલંગમાંથી કૂદીને નાઠો ! રાકેશે એને ઘેરીને તડાતડ લાકડી ફટકારવા માંડી ! છતાં જેમતેમ કરીને, કબડ્ડીના ચતૂર ખેલાડીની માફક જીતુ વાંકો વળીને, રાકેશની બગલમાંથી છટકીને બહાર નીકળી ગયો. 

અહીં તે જુએ છે કે રાકેશની બાઈકમાં હજી ચાવી ભરાવેલી જ છે ! એણે કાચી સેકન્ડમાં બાઈક સ્ટાર્ટ કરીને મારી મુકી !

દરમ્યાનમાં અમારા ફળિયામાં જીતુની પત્ની જાડી જિગ્નાએ જે કાળો કકળાટ કરવા માંડ્યો એના પગલે તાત્કાલિક એક ‘જીતુ સર્ચ કમિટિ’નું ગઠન કરવામાં આવ્યું કે ‘ભાઈ, બબ્બે જણા બાઈક વગેરે લઈ લઈને નીકળો, અને શોધો કે જિતુ ક્યાં ‘ખલવાઈ પઈડો’ ?’

પેલી તરફ રાકેશ એટલો ધૂંધવાઈ ઉઠ્યો હતો કે એણે બૂમાબૂમ કરીને પોતાના ફળિયામાં પણ ‘જીતુ સર્ચ કમિટી’ ઊભી કરી નાંખી કે ‘હહરીનો એના મનમાં હમજે હું ? આજે તો એને પકડીને બો’ મારવાના !’ ટુંકમાં એ ગામથી પણ ત્રણ ચાર બાઈકો ઉપર ડંડાધારી સિપાહીઓ જીતુના ગામ તરફ આવવા નીકળ્યા !

અહીં હજી અમારી ફળિયા કમિટીના સભ્યો ગામને નાકે પહોંચે છે ત્યાં તો જુએ છે કે જીતુ ‘પહેરેલે કપડે’ બાઈક ઉપર આ તરફ ધસી આવી રહ્યો છે ! એટલું જ નહીં, બીજાં ચાર બાઇકો ઉપર બેઠેલું ડંડાધારી સૈન્ય એની પાછળ ધસમસતું આવી રહ્યું છે !

છેવટે આખું લશ્કર અમારા ફળિયામાં જીતુના ઘર પાસે આવીને અટકે છે. જીતુ ઘરમાં ઘૂસી ગયો છે. રાકેશ એને લલકારી રહ્યો છે. ‘બહાર નીકળ સ્સાલા ! મારી બૈરીને મલવા તું રોજ રાતના આવતો છે ને ? આજે તારો બરડો નીં ફાડી લાખું તો મારું નામ રાકલો નીં !’

રાકેશની બૂમો સાંભળીને જીતુની જાડીસરખી પત્ની જિગ્ના બહાર આવીને જુએ છે તો… ‘અરે તું ? અહીં ?’ એવા ઉદ્‌ગારો સાથે જિગ્ના રાકેશને જઈ રહી છે અને રાકેશ જિગ્નાને જોઈ રહ્યો છે ! બન્ને લગભગ પૂતળાં બની ગયાં છે !

પૂછો કેમ ? તો મામલો એવો હતો કે એક સમયે રાકેશ જિગ્નાના ગાઢ પ્રેમમાં હતો ! પણ સંજોગોવશાત્‌ એમનાં લગ્ન થઈ શક્યાં નહોતાં…

તમે પૂછશો કે આખરે આ મામલામાં આગળ થયું શું ? તો વાત એમ બની કે બે ચાર મહિના સુધી તો બન્ને પતિઓ સામસામે આક્ષેપો કરીને ઝગડતા રહ્યા કે ‘જ્યારે હું ઘરમાં નીં હોઉં ત્યારે તું મારા ઘરમાં આવીને મારી બૈરીને…’

છેવટે આખો ઝગડો બે ગામના પંચ પાસે ગયો. આજની રીતે જોવા જાવ તો વાંક વડીલોનો જ હતો ને ? બિચારાં બન્ને પ્રેમી જોડલાંઓને એમને ગમતાં પાત્રો સાથે પરણવા દીધાં હોત તો શું ખાટુંમોળું થઈ જવાનું હતું ?

પણ હવે ઉપાય શું ? બન્ને ગામના પંચ એકબીજાનો વાંક કાઢી રહ્યા હતા. એવામાં અમારા ગામના મિતેશ ઉર્ફે મિતુએ મમરો મુક્યો કે ‘આ બધી લમણાંફોડ છોડોની? બન્નેનાં બૈરાંની અદલા-બદલી કરી લાખો !’

વાત જરા વિચિત્ર હતી પણ એક વડીલને તરત ગમી ગઈ ! એમણે તરત જ જીતુને તાળી આપતાં કહ્યું : ‘હાચી વાત છે ! અદલા-બદલી કરી લાખોનીં ? જેને જે જોઈતું છે તે મલી રેહે, ને આપડે ઝંઝટ મટે !’

તમે નહીં માનો, બન્ને ગામના લોકોને આ આઇડીયા એટલો બધો ગમી ગયો કે તાત્કાલિક પેંડા મંગાવવામાં આવ્યા ! આ બાજુ જીતુ પણ રાજી હતો અને પેલી બાજુ રાકેશ પણ તૈયાર થઈ ગયેલો…

પણ… હવે તમને શું કહું ?

બે દિવસ પછી રાકેશ ફરી ગયો ! કેમ ? તો કહે ‘મારા વાળી તારાવાળી કરતાં બો’ ફાઇન છે ! મેં તો નીં આપું !’

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments