અમુક સમાચારો જ એવા હોય છે કે તમને એની ઉપર મમરા મુકવાનું મન થાય, થાય… ને થાય જ ! જુઓ…
***
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ બંધાવેલો ૫૬૦ કરોડનો મહેલ આજે ભારે વિવાદમાં છે.
- પેલી બાજુ કેજરીવાલ કહેતા હશે કે યાર, મેં તો બંગલામાં માત્ર ૧૧ કરોડનું ઇન્ટિરીયર જ કરાવેલું ! છતાં મને ધોઈ નાંખ્યો મિડીયાએ…
***
આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી ચંદ્રાબાબુએ જગન રેડ્ડીની પાર્ટીની એક ગેરકાયદેસર ઓફિસ ઉપર બુલડોઝર ચલાવી દીધું !
- આ તો થવાનું જ હતું. ભાજપના સાથી પક્ષ બન્યા છે તો થોડી યોગીજીની અસર તો આવવાની જ ને !
***
અમેરિકામાં પ્રમુખની ચૂંટણી લડી રહેલા ટ્રમ્પ કહે છે કે વિદેશના વિદ્યાર્થીઓ અહીં ગ્રેજ્યુએટ થાય કે તરત ગ્રીન કાર્ડ આપી દઈશું !
- હવે તમે જોજો, અમેરિકામાં પેપરલીક કૌભાંડો ના થાય તો મને કહેજો !
***
દેશભરમાં હિટવેવ ચાલુ રહેતાં અને ચોમાસુ ખેંચાઈ જતા હવામાન ખાતાની નિયમિત અને સારા ચોમાસાની આગાહીઓ ખોટી પડી છે !
- અમને તો લાગે છે કે એમાં પણ એક્ઝિટ પોલ જેવું સેટિંગ હતું !
***
પાકિસ્તાની ટીમના કોચ કહે છે કે આખી ટીમમાં કદી સંપ હતો જ નહીં !
- હોતું હશે ? એમણે સંપીને જ કેચો છોડ્યા છે ! સંપીને જ સસ્તામાં આઉટ થયા છે ! અને બુકીઓ સાથે સંપ કરીને મેચો ફેંકી દીધી છે !
***
હિન્દી ફિલ્મના પ્રોડ્યુસરોએ હવે મોટા ફિલ્મ સ્ટારોની મોટી ફી અને વાહિયાત ડિમાન્ડો સામે ફરિયાદો કરવા માંડી છે !
- તમે જ એમને માથે ચડાવ્યાં હતા ! હવે એક કામ કરો, એમને વધારાના રૂપિયા આપવાને બદલે વધારાની ટિકીટો (ચોથા વીક પછીની જો ફિલ્મ એટલી ચાલે તો) મફતમાં આપી દો ! જાવ, ‘બ્લેક’માં વેચી ખાજો !
***
બિહારમાં વધુ એક પુલ તૂટી પડ્યો ! અગાઉ એક પુલ ઉદ્ઘાટન પહેલાં જ તૂટી ગયો હતો !
- ગુજરાતમાં તેર તૂટી ગયા છે ! આખા દેશમાં પચાસથી વધારે તૂટી ગયા છે ! હવે તો એક જ ઉપાય છે… સિમેન્ટ કંપનીઓ ઉપર ‘ખો’ આપો ! કેમકે નહેરુનો તો આમાં વાંક કઢાય એવું નથી.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment