માઠી ચાલતી હોય ત્યારે... !

એક રીતે જોવા જાવ તો આજે ભાજપની ‘માઠી’ દશા ચાલી રહી છે ! જીતવા છતાં હારી ગયાની ફિલીંગ છે અને ઉપરથી હારેલાઓ સલાહ આપી જાય છે !

જોકે આપણા જેવા મામૂલી માણસોની માઠી ચાલતી હોય ત્યારે તો દશા ઔર ખરાબ હોય છે ! દાખલા તરીકે…

*** 

માઠી ચાલતી હોય ત્યારે…
રસ્તે ઊભેલો ભિખારી પણ ટોણો મારી જાય છે કે ‘છુટ્ટા રાખતાં શું થાય છે ?’

*** 

માઠી ચાલતી હોય ત્યારે…
કાગડો બાજુવાળી બાલ્કની ઉપરથી ચરકે તોય એની ચરક પવનથી તમારા માથે આવીને પડે છે !

*** 

માઠી ચાલતી હોય ત્યારે…
પંચર તમારી નવી નક્કોર બાઈકમાં પડે છે અને પત્ની અકળાઈને પાડોશીના ઠાઠીયા સ્કૂટર પાછળ બેસીને ઘરે જતી રહે છે !

*** 

માઠી ચાલતી હોય ત્યારે…
એક બાજુ ભૂલથી તમારા બેન્કના ખાતામાં ૫૦,૦૦૦ જમા થઈ જાય છે ! પણ બીજી બાજુ તમારા સ્માર્ટ મીટરનું બિલ દોઢ લાખ રૂપિય આવી જાય છે ! સાલું…

*** 

માઠી ચાલતી હોય ત્યારે…
તમારા ઘરમાં ચોર ઘૂસ્યો હોય તો તમારે કહેવું પડે ‘અલ્યા જો ને, તને ક્યાંકથી રૂપિયા મળી જાય તો એમાંથી મને થોડા ઉધાર આપજે ને ?’

*** 

માઠી ચાલતી હોય ત્યારે…
બરડામાં ‘ખંજવાળ’ પણ એવી જગ્યાએ આવે છે જ્યાં કોઈપણ રીતે તમારા હાથ પહોંચી શકતા નથી ! બોલો.

*** 

માઠી ચાલતી હોય ત્યારે…
જીવન વીમાનો એજન્ટ તમને તમારા મરવાના જે ફાયદા ગણાવે છે તે સાંભળીને તમારી પત્ની ખુશ થઈને બોલી ઊઠે છે : ‘સ્કીમ બહુ સારી છે હોં !’ (તારી ભલી થાય…)

*** 

એ તો ઠીક…
માઠી ચાલતી હોય ત્યારે…

તમારા બેસણાની જાહેરખબરમાં ફોટો કોઈ બીજાનો છપાઈ જાય ! તારીખ લખવામાં તમારી પત્નીએ જ ભૂલ કરી હોય ! અને છતાંય… તમારા લેણદારો પેલા વીમા એજન્ટને લઈને પહોંચી ગયા હોય ! (હદ કહેવાય ને, માઠીની…)

*** 

બાકી, માઠી ચાલતી હોય ત્યારે…
કોઈ તમારી પાસે વીસેક હજાર રૂપિયા ઉધાર માગે… તો કેટલું સારું લાગે ? નહીં !

***

- મન્નુ શેખચલ્લી

Comments