ચૂંટણીના પરિણામો આવી ગયાં, નવી સરકાર પણ બની ગઈ, પરંતુ એ દરમ્યાનમાં નેતાઓનાં મોબાઈલનાં સેટિંગો ફરી ગયાં છે ! જુઓ….
***
મોદી સાહેબ ફરી ફ્લાઈટ મોડમાં છે. (હવામાં છે કે નહીં તે ખબર નથી.) જુઓને, ‘જી-સેવન’ માટે ઇટાલી પહોંચી ગયા છે !
***
રાહુલ ગાંધીની બેટરી ફૂલ છે ! રિ-ચાર્જ પણ ફૂલ છે ! રીંગટોન પણ ફરી ગયાં છે ! બસ, ઓનલાઇન પેમેન્ટ બરાબર થતું નથી… અનેક લેણદારો ૮૫૦૦ માગે છે !
***
નિતિશ કુમાર દિલ્હીનાં નવાં એક ડઝન સિમકાર્ડ ખિસ્સામાં લઈને ફરે છે ! જોકે ક્યારે એમનો રીંગટોન ફરી જાય એનો ભરોસો નથી !
હમણાં તો રીંગટોનમાં આરતી સેટ કરેલી છે !
***
ખડગે સાહેબનું સ્પિકર હજી ફાટે છે ! વાયબ્રેટ પણ બહુ મારે છે ! છતાં બેલેન્સ ફૂલ છે એટલે ગ્રુપ એડમિન તરીકે ચાલુ રહેશે.
***
અજિત પવાર આમ કહેવાય ગ્રુપ એડમિન, પણ ગ્રુપમાં મેમ્બર એક જ છે ! છતાં, દિલ્હીના નવા ગ્રુપમાં એડમિન થવું છે !
***
અમિત શાહ ધીમે રહીને સાયલન્ટ મોડમાં જતા રહ્યા હોય એમ લાગે છે ! નેટવર્ક નબળું પડવાથી સીએએ અને એનસીઆરના ટાવર રેન્જની બહાર જતા રહ્યા છે…
***
અખિલેશ યાદવે નવા ઉર્દૂ ફોન્ટ ડાઉનલોડ કરી લીધા છે ! અહીં બેઠાં બેઠાં છેક પાકિસ્તાનમાં નેટવર્કો પકડવાની કોશિશ ચાલુ થઈ ગઈ છે…
***
ફારુક અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી ઘણા ટાઈમથી સ્વિચ-ઓફ હતાં. પણ હવે ફરી સ્વિચ-ઓન થયાં છે ! સાથે સાથે પાકિસ્તાની ટાવરની રેન્જમાં પણ આવી ગયાં છે…
***
મોહન ભાગવત ઘણા વખત પછી અચાનક એક્ટિવેટ થયા છે ! જોકે એમણે કયા નવા પ્લાન લીધા છે તે જાણવા મળતું નથી…
***
બહુ લોકો એવા ભ્રમમાં હતા કે શરદ પવારનો પ્રિ-પેઇડ ફેમિલી ગ્રુપ-પ્લાન કેન્સલ થઈ ગયો હતો ! પણ હવે લાગે છે કે પોસ્ટ-પેઇડ ફેમિલી પ્લાનમાં ફરીથી ભત્રીજાને એડ કરી દેશે !
***
ઉદ્ધવ ઠાકરે ઉપર પાસવર્ડ બદલવાનું દબાણ વધી રહ્યું છે…
ચિરાગ પાસવાને કહ્યું છે કે એમના રીંગટોનમાં આરતી તો રહેશે જ !
અને ગુજરાત ગ્રુપમાં સીઆર પાટિલ પછી નવા ગ્રુપ એડમિન કોણ હશે એની ચર્ચા ગ્રુપની બહાર વાયરલ થઈ રહી છે.
***
બાકી, શક્તિસિંહની હાલત ખરાબ છે… ગ્રુપના એક મેમ્બર દિલ્હી જતાં રહેશે અને પાંચ તો ઓલરેડી છોડી ગયા છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment