કોંગ્રેસને આટલી બધી સીટો શી રીતે આવી એનો જવાબ જ્યાં કોંગ્રેસીઓ પાસે જ નથી, ત્યાં અમુક સહેલા (બિન-રાજકીય) સવાલોના જવાબો પણ ક્યાંથી મળવાના હતા ? છતાં પૂછી રહ્યા છીએ કે…
***
જો રેસ્ટોરન્ટના વેઇટરને ‘વેઇટર’ કહેવામાં આવે છે, પણ જ્યારે આપણે જ વેઇટરની રાહ જોઈ રહ્યા હોઈએ ત્યારે આપણે ‘વેઇટર’ ના કહેવાઈએ ?
***
જ્યારે ક્રિકેટરો દોડીને રન લે છે ત્યારે એને ‘રન’ કહેવાય છે પણ જ્યારે તેઓ ઊભા ઊભા ચોગ્ગા અને છગ્ગા મારે છે તેને પણ ‘રન’ શા માટે કહે છે ?
***
જો ફૂલદાનીમાં ફૂલ રાખવામાં આવે છે, અત્તરદાનીમાં અત્તર રાખવામાં આવે છે અને ધૂપદાનીમાં ધૂપ રાખવામાં આવે છે… તો મચ્છરદાનીમાં મચ્છર કેમ નથી રખાતા ? (મચ્છરોના પ્રેસિડેન્ટ પૂછાવે છે.)
***
‘સ્ટેન્ડીંગ કમિટીની બેઠક’ એટલે શું ? જો એ ‘બેઠક’ હોય તો ‘સ્ટેન્ડીંગ’ શી રીતે હોય ? અને ‘સ્ટેન્ડીંગ’ હોય તો એમાં ‘બેઠક’ કરીને શું થતું હોય છે ? (બૂટલેગરો પૂછાવે છે.)
***
એવું જ ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ’નું છે. જો ‘મેનેજમેન્ટ’ થયું હોય તો ‘ડિઝાસ્ટર’ કેમ થઈ જાય છે ? અને જો ‘ડિઝાસ્ટર’ થતા જ રહેતા હોય તો ‘મેનેજમેન્ટ’ કરે છે શું ? (જનતા જાણવા માગે છે.)
***
તોફાની અને ઠોઠ છોકરાને ક્લાસની ‘બહાર’ ઊભો રાખવામાં આવે છે. પણ કોઈ સ્ટુડન્ટ નવ્વાણુ ટકા માર્કસ લાવે તેને ‘આઉટ-સ્ટેન્ડિંગ’ પરફોર્મન્સ કહેવામાં આવે છે ! એવું કેવું ?
***
ચોમાસામાં જે ‘રોગચાળો’ ફાટી નીકળે છે એમાં ‘રોગ’ શું છે એ તો સમજ્યા, પણ ‘ચાળો’ કોણ કરે છે ? (જનતા જાણવા માગે છે.)
***
બેડરૂમને બેડરૂમ એટલા માટે કહીએ છીએ કેમકે એમાં ‘બેડ’ હોય છે. બાથરૂમને બાથરૂમ એટલા માટે કહીએ છીએ કેમકે એમાં ‘બાથ’ લઈએ છીએ… તો ડ્રોઇંગરૂમને ‘ડ્રોઇંગરૂમ’ કયા હિસાબે કહીએ છીએ ? શું ત્યાં દિવાલો ઉપર ‘ડ્રોઇંગ’ કરવાનાં હતાં ? (લોનના હપ્તા ભરનારા પૂછે છે.)
***
અને… જો દુનિયાના ૧૯૫ દેશોમાંથી માત્ર ૨૦ દેશો ક્રિકેટનો ‘વર્લ્ડ-કપ’ રમે છે તો ‘જી-૨૦’ને આપણે ‘જી-વર્લ્ડ’ કેમ નથી કહેતા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment