ન્યૂઝ ઉપર એક્સ્ટ્રા કોમેન્ટ !

રાજકીય પંડીતો તો કોઈ નેતાને છીંક આવે એનાં પણ જાતજાતનાં અર્થઘટન કાઢી શકે છે ! પરંતુ અમારી અક્કલ ઓછી હોવાથી માત્ર ન્યુઝ ઉપર અવળચંડી કોમેન્ટ કરીએ છીએ ! જુઓ…

*** 

ન્યુઝ :
આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે હવે અમારે કોંગ્રેસ સાથે કોઈ સંબંધ રહ્યો નથી.

કોમેન્ટ :
ચાલો, ફક્ત ૩ સીટો જીત્યા પછી અસલી દુશ્મન કોણ છે એની તો ખબર પડી ? પણ હવે આગળ શું કરવાનું છે ? ઇન્ડી ગઠબંધનમાં શી રીતે રહેશો ? પાણીમાં રહીને મગર સાથે વેર ?

*** 

ન્યુઝ :
ઇડીના કેસમાં પ્રફૂલ્લ પટેલને રાહત… ૧૩૦ કરોડની કિંમતના ફ્લેટ પાછા મળી ગયા.

કોમેન્ટ :
આને કહેવાય મોદીની ગેરંટી ! મહારાષ્ટ્રમાં માત્ર ૧ સીટ લાવ્યા છતાં રાજ્ય સરકાર બચાવવાની છે ને !

*** 

ન્યુઝ :
ઇન્દોરમાં ૧૪ ટકા મુસ્લિમ મતદારો છે. અને આ વખતે પુરા ૧૪ ટકા મત ‘નોટા’ (કોઈ ઉમેદવાર લાયક નથી)ને મળ્યા.

કોમેન્ટ :
જોયું ? કોંગ્રેસનો એક ઉમેદવાર ચૂંટણીમાંથી ખસી જાય તો લોકશાહીને કેટલો ફાયદો થાય છે ! મતદારોને નેતાઓના અસલી ચહેરા દેખાઈ જાય છે ! … લગે રહો કોંગ્રેસ… લોકશાહી બચાવો !

*** 

ન્યુઝ :
કંગના રાણાવત કહે છે કે મને એક થપ્પડ પડી છતાં બેશરમ બોલીવૂડમાંથી કોઈ રિ-એક્શન નથી !

કોમેન્ટ :
સાચી વાત છે કંગનાજી ! જુઓને, શાહરૂખને અમદાવાદમાં માત્ર ઝાડા થઈ ગયા ત્યારે કેટલા બધા સ્ટાર લોકોએ ચિંતાના મેસેજો કર્યા હતા ? અરેરે…. ક્યાં ઝાડા અને ક્યાં થપ્પડ ? બહુત ના-ઇન્સાફી હૈ !

*** 

ન્યુઝ :
પાકિસ્તાનની ટીમ યુએસએની સાવ નબળી ટીમ સામે સુપર ઓવરમાં મેચ હારી ગઈ.

કોમેન્ટ :
અહીં ઇરફાન પઠાણની કોમેન્ટ પરફેક્ટ છે. એણે કહ્યું ‘પાકિસ્તાન હંમેશા સામેવાળી ટીમના ‘લેવલ’ પ્રમાણે આવીને રમે છે !’

***

ન્યુઝ :
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ કહે છે કે જોજો, છ મહિનામાં ફરીથી ચૂંટણી આવી રહી છે.

કોમેન્ટ :
તમારા મોંમાં ઘી-શક્કર ભૂપેશજી ! જો એમ થાય તો વોટ નહીં આપવા ગયેલા કરોડો હિન્દુઓને પોતાનાં ‘પાપ’ ધોવાનો ચાન્સ મળી જશે ! જય લોકશાહી !

***

- મન્નુ શેખચલ્લી

Comments