ભારતના વૈજ્ઞાનિકોએ એક જબરદસ્ત લાઈ-ડિટેક્ટર મશીન બનાવી કાઢ્યું ! આ મશીન એવું કે તમે એની ખુરશીમાં બેસીને કંઈપણ બોલો… જો સ્હેજ પણ જુઠ્ઠાણું હોય તો તરત જ મશીનમાં લાલ-પીળી લાઈટો થવા માંડે ! એટલું જ નહીં, સાથે સાથે પોલીસવાન જેવી ‘સાયરન’ પણ વાગવા લાગે !
આ મશીનનું એક દિવસે લાઇવ ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું…
સૌથી પહેલાં એમાં રાહુલ ગાંધી આવ્યા તે ખુરશીમાં બેસીને બોલ્યા :
‘જબ મૈં ભારત કા પ્રધાનમંત્રી બનુંગા તબ…’
ત્યાં તો ઝબુક ઝબુક કરતી લાલ-પીળી લાઇટો થવા માંડી ! સાથે સાયરન પણ વાગવા લાગી !
રાહુલ ગાંધી પછી લાલુ યાદવ આવ્યા. એ તો વ્હીલ-ચેર ઉપર હતા. છતાં એમને બે જણાએ ઉંચકીને મશીનની ખુરશીમાં બેસાડ્યા.
લાલુ યાદવ કહેવા લાગ્યા. ‘દેખિયે, હમ કોઈ ઘોટાલા-વોટાલા નહીં કિયા હું, હમરે દિલ મેં તો બિહાર કે પસુઓં કે લિયે દયા કે સિવા -’
એ જ ક્ષણે સાયરન ગુંજી ઊઠી ! અને લાલ-પીળી લાઈટો પણ લબુક-ઝબુક થવા લાગી !
લાલુજી ગયા પછી કેજરીવાલનો વારો હતો. એ આવ્યા, ખુરશીમાં બેઠા, કોલર સરખા કર્યા અને ખોંખારો ખાઈને કહેવા લાગ્યા :
‘ભાઈઓં ઔર બહેંનોં, ચાર જુન કો અગર ઇન્ડિયા ગઠબંધન જીત જાતા હૈ તો પાંચ જુન કો મૈં જેલ સે બાહર આ જાઉંગા !’
તરત જ લાઈટો ઝબુકી… સાયરન વાગી…
એ તો ઠીક… લાઇવ પ્રસારણ જોઈને છેક સુપ્રીમ કોર્ટથી ફોન આવી ગયો કે ‘આ માણસ કાનૂનને મજાક સમજે છે ?’
હવે છેલ્લે મોદી સાહેબનો વારો હતો. એ આવ્યા. એમણે આખું મશીન જોયું, વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા… ફોટા પડાવ્યા… પ્રેક્ષકો તરફ હાથ હલાવતાં એ ખુરશીમાં બેસતાં પહેલાં કહેવા લાગ્યા :
‘જબ હમ સ્કુલ મેં પઢતે થે, તો વિજ્ઞાન કી ક્લાસ મેં હમ ઐસી હી છોટી છોટી જુઠ પકડનેવાલી મશીને બનાયા કરતે થે. મુઝે તો સાયન્સ પ્રોજેક્ટ મેં ઇનામ ભી મિલા થા…’
હજી આટલું કહ્યું એટલામાં તો મશીનમાં કંઈક ધડાકા થયા ! બધી લાઈટો બંધ થઈ ગઈ ! સાયરનને બદલે એક તીણી ચીસ સંભળાઈ !
વૈજ્ઞાનિકોએ તપાસ કરીને કીધું : ‘લગતા હૈ, મશીન બેહોશ હો ગઈ હૈ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment