જો બાઈડને કહ્યું કે ચીન, રશિયા, જાપાન અને ભારતમાં ‘ઝેનોફોબિયા’ છે !
‘ઝેનોફોબિયા’ એટલે ? વિદેશી લોકો અને વિદેશી સંસ્કૃતિ માટે ધિક્કાર ! લો બોલો. અહીં જે દેશમાં દિવાળી કરતાં થર્ટી ફર્સ્ટ નાઇટમાં વધારે લોકો ઝૂમે છે અને વસંતપંચમી કરતાં વેલેન્ટાઇન્સ ડે વધારે ધામધૂમથી ઉજવાય છે એમાં એમને ‘ઝેનોફોબિયા’ ક્યાં દેખાયો ?
બાઇડન સાહેબને માલુમ થાય કે અહીં બીજા જ પ્રકારના ફોબિયા (ડર) છે !
***
નમો-ફોબિયા
આ ફોબિયા લગભગ તમામ બુદ્ધિજીવીઓ, સેક્યુલરો અને વિચારકોમાં ઘૂસી ગયો છે. જો કે વિપક્ષી નેતાઓ એનો ખાસ અનોખો સામનો કરે છે. એક બાજુ કહેતાં ફરે છે કે દેશમાં ચારેબાજુ ડરનું વાતાવરણ છે. અને બીજી બાજુ કહે છે, અમે કોઈથી ડરતા નથી !
***
ઈડી-ફોબિયા
આ પણ માત્ર વિપક્ષી નેતાઓને જ સતાવે છે. જોકે આ દેશમાં એનો ઉપચાર પણ જડી ગયો છે. જો તમે કેસરીયો ખેસ ધારણ કરી લો તો પછી ફોબિયા રહેતો નથી.
***
કેસરી-ખેસ-ફોબિયા
આ ફોબિયા વિપક્ષોમાં અને ખાસ કરીને કોંગ્રેસમાં ઘણો છે. એમને સતત ડર રહે છે કે ક્યારે કઈ ઘડીએ પોતાની પાર્ટીનો નેતા રાજીનામું આપીને (ક્યારેક તો ઉમેદવારી પાછી ખેંચીને) કેસરી ખેસ ધારણ કરી લેશે !
***
ઈવીએમ-ફોબિયા
ચૂંટણીના પરિણામ પછી આ ફોબિયાનો અચાનક વિસ્ફોટ થાય છે ! હારેલા નેતાઓ ઇવીએમની ખામીનો વાંક કાઢે છે. જોકે એ જ નેતાઓને વોટિંગ વખતે ઇવીએમની ચોક્કસાઈનો ડર હોય છે !
***
વાયરલ-ફોબિયા
પોતાના ગુપ્ત વિડીયો એઝ ઇટ ઇઝ, અને જાહેર વિડીયોને કાપકૂપ કર્યા પછી વાયરલ કરવામાં આવે તેનો આજકાલ સૌને ડર છે. એમાંય કર્ણાટકે તો વિક્રમ સર્જી દીધો છે !
***
વાઈફોબિયા
આ નવો નહીં, વરસો જૂનો શબ્દ છે. જેનં મૂળ સ્વરૂપ છે : 'વાઇફ-ફોબિયા' ! કોઈપણ પરણેલા પુરુષને પૂછી જોજો… પત્નીથી કોને ડર નથી લાગતો ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment