નેતાઓના મોબાઈલ 'ચુંટણી' મોડમાં !


એક વાત તો નક્કી છે કે ચૂંટણી આવતાંની સાથે જ દેશના તમામ નેતાઓના મોબાઈલો ‘સ્પીકર મોડ’ ઉપર આવી ગયા છે ! આ સિવાય પણ દરેક નેતાના મોબાઈલો અલગ અલગ મોડમાં છે…

*** 

મમતા બેનરજી
માત્ર સ્પીકર નહીં, ‘લાઉડ-સ્પીકર’ મોડમાં છે ! બેટરી બહુ ઝડપથી ગરમ થઈ જાય છે. ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે.

*** 

નિતીશ કુમાર
ગમે ત્યારે નેટવર્ક બદલી નાંખે છે. ક્યારેક તો ત્રણ ત્રણ કંપનીના ટાવર એકસાથે પકડી રાખે છે ! હવે તો નંબર પોર્ટેબિલીટી પણ ઓટોમેટિક કરાવી લાગે છે.

*** 

કેજરીવાલ
ઘણા દિવસોથી રોમિંગ સદંતર બંધ છે. એક જ લોકેશન બતાડે છે. ગુગલ મેપ કામ નથી કરતો. જોકે રોમિંગ માટે કોર્ટમાં અરજી કરી છે ! હાલ તો પત્ની સાથે કોલ-ફોરવર્ડીંગ વડે કામ ચલાવી રહ્યા છે.

*** 

રાહુલ ગાંધી
મોબાઇલમાં નવાં ફિચર્સ ઉમેરાતાં નથી. વારંવાર લોન્ચ થવા છતાં અપ-ડેટ થતું નથી. હાલમાં નવી પાવર બેન્કની તલાશમાં છે. દરમ્યાનમાં મમ્મીનો ફોન વાપરવા લીધો છે.

*** 

પ્રિયંકા ગાંધી
ઘણા સમયથી સ્વિચ-ઓફ મોડ ઉપર હતો. હવે અચાનક એક્ટિવ થયો છે. રીંગ ટોનમાં હવે ભજન, આરતી, સ્તુતિ વાગવા લાગ્યાં છે. જોકે ફેમિલી પ્લાનમાં ભાઈ સાથે શેરિંગમાં છે !

*** 

સોનિયા ગાંધી
આ તો હંમેશાં સાયલન્ટ મોડમાં જ હોય છે. છતાં થોડા સમય પહેલાં સલામત લેન્ડ-લાઈન બુક કરાવી દીધા પછી ફોન પુત્રને સોંપ્યો છે.

*** 

દેવેગૌડા
પૌત્રના વિડીયો વાયરલ થયા પછી સદંતર સ્વિચ-ઓફ મોડમાં છે ! ઓપરેટીંગ સિસ્ટમમાં મોટી ખામી લાગે છે.

*** 

નરેન્દ્ર મોદી
ફૂલ રોમિંગ મોડમાં છે. ૪૦૦થી વધુ પાવર બેન્કનો સોદો કરવા માટે ઠેર ઠેર ફરી રહ્યા છે. જોકે ફોનમાં પોતાના જ અવાજના પડઘા પડ્યા કરે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments