હાસ્ય દિવસે 'અઘરાં' હાસ્યો !

આજે ‘વર્લ્ડ લાફ્ટર ડે’ છે ! આમાં આપણને ખડખડાટ હસવું, મંદ મંદ હસવું કે પેટ પકડીને હસવા જેવાં હાસ્યોની તો ખબર છે પણ અમુક હાસ્યો બહુ અઘરાં હોય છે, ભૈશાબ !

*** 

મૂછમાં હસવું
આવું તો સ્ત્રીઓ પણ હસી શકે છે. બોલો ! અલ્યા, તમે મૂછો ના રાખતા હો તો પણ મૂછમાં હસી શકો, તો એને ‘મૂછમાં’ હસવું શી રીતે કહેવાય ? અને મૂછનો દોરો પણ ના ફૂટ્યો હોય એમને ‘મૂછમાં' હસવું હોય તો ? અઘરું છે ભઈ…

*** 

ફિલ્મી વિલન હાસ્ય
તમે માર્ક કરજો, જૂની ફિલ્મોના વિલનો હિરોઈનને રેપ કરતાં પહેલાં અને હીરોના બાપને મારી નાંખતા પહેલાં એક જ ટાઇપનું હસતા હતા ! આમાં પ્રોપર માપ મુજબનું સ્ટાન્ડર્ડ કહી શકાય એવું હાસ્યનું ધોરણ અમરિશ પુરીએ સેટ કરી આપ્યું હતું ! અને હિંમત હોય તો આવું પત્ની આગળ હસી બતાડજો ! અઘરું છે ભઈ…

*** 

પૌરાણિક રાક્ષસી હાસ્ય
જ્યાં ત્રણ મિનિટની વારતા, ત્રીસ મિનિટ સુધી ચલાવવાની હોય ત્યાં બીજું થાય પણ શું ? રાક્ષસે માત્ર ‘અસંભવ…’ એટલું જ બોલવાનું હોય છતાં એ બત્રીસી બતાડીને બત્રીસ વાર ‘હા… હા… હા… હા…’ કરશે અને પછી એક વાર ‘અસંભવ’ બોલશે ! અઘરું તો ખરું ને…

*** 

સિધ્ધુ / અર્ચના હાસ્ય
સાલું, ત્રણ જણા બેસી શકે એવી ખુરશીમાં બેસીને ફક્ત હસ્યા જ કરવાનું ? એના વળી હજારો રૂપિયા મળે ! બહુ અઘરું ભૈશાબ…

*** 

કવિ સંચાલક હાસ્ય
હાસ્ય કવિ સંમેલનોમાં તમે પેલા સ્ટેજ ઉપર બેઠેલા સંચાલકને જોયો છે ? આખા હોલનું ઓડિયન્સ હસે કે ના હસે એ માણસ શી ખબર, શેનું પ્રદર્શન કરવા માટે આટલું બધું હસતો હશે ? અઘરું ભૈશાબ, અઘરું….

*** 

સેવક હાસ્ય
ચૂંટણીના પ્રચાર વખતે નીકળેલા સરઘસમાં પેલી ખુલ્લી જીપમાં ઊભા રહીને બે હાથ જોડીને આપણી સામે જે મંદ મંદ હાસ્ય વેરે છે… એ આપણને સરવાળે કેટલા કરોડનું પડે છે ? ગણ્યું છે ? અઘરું છે મિત્ર, બહુ અઘરું….

***

-મન્નુ શેખચલ્લી

Comments