બકરી અને કૂતરાવાળી ટૂલ-કિટ ?

છેલ્લા એકાદ મહિનાથી ચાલી રહેલી ચૂંટણીની ચર્ચા જે રીતે રાજકીય પંડીતો કરી રહ્યા છે એ જોઈને એક જુની વારતા યાદ આવે છે…

*** 

એક ગામડીયાએ એક પશુમેળામાંથી એક બકરી ખરીદી. તેને લઈને એ જઈ રહ્યો હતો ત્યાં વારાફરતી અમુક ઠગ લોકો તેનું મગજ ફેરવવાની કોશિશો કરતા રહે છે.

એક ઠગ કહે છે : ‘અલ્યા, આ શું ઉપાડી લાવ્યો ? આ બકરું નથી, આ તો કૂતરું છે !’

બીજો ઠગ કહે છે : ‘આ કુતરું તો વળી રોગીષ્ટ લાગે છે ! જોજે ભઈ, ક્યાંક તને ચેપ ના લાગી જાય !’

ત્રીજો ઠગ કહે છે : ‘આવા મામૂલી કૂતરાના આટલા બધા પૈસા અપાતા હશે ?’

ચોથો ઠગ કહે છે : ‘ભાઈ, આ બકરું હોય કે કૂતરું બધાને કંઈ વિચિત્ર તો લાગે જ છે !’

પાંચમો ઠગ કહે છે : ‘આવા પ્રાણીને ઘરે લઈ જતાં સો વાર વિચાર કરજો, ભૈશાબ !’

ખેર, વારતામાં તો ઠગો એ કૂતરું પડાવી જ લે છે…

*** 

પણ તમે ચૂંટણીની ચર્ચાઓમાં એક વાત માર્ક કરી ? બધા વિષ્લેશકોએ ફક્ત ભાજપની જ વાતો કર્યે રાખી :

‘શું ભાજપ ૩૭૦ બેઠકો લાવી શકશે ?’

‘શું એનડીએ ૪૦૦ પાર થઈ શકશે ?’

‘લાગતું તો નથી… હા, ભાજપની સીટો જરૂર ઘટી જશે…’

‘ભાજપને દક્ષિણમાં કાઠું પડશે…’

‘બંગાળમાં ભાજપ સામે ભારે ટક્કર…’

‘યુપીનો કોઠો ભાજપ માટે પાર કરવો મુશ્કેલ છે…’

‘મહારાષ્ટ્રનો ચતુષ્કોણિય મુકાબલો ભાજપને કેટલો નડશે ?’

‘બિહારમાં નિતીશકુમાર ભાજપ સાથે રહેશે કે ફરી છેડો ફાડશે ?’

- એમાંય અમુક પ્રાયવેટ યુ-ટ્યુબ ચેનલો તો આદુ ખાઈને પાછળ પડી ગઈ હતી:

‘ભાજપનો ફૂટી ગયો છે ભાંડો…’

‘ભારે પડશે ભાજપને…’

‘અઢીસો સીટો ઉપર ફસી જશે ભાજપ…’

‘ઉલ્ટો પડી ગયો ભાજપનો દાવ…’ વગેરે.

*** 

જોવાની વાત એ છે કે આમાંથી ભાગ્યે જ કોઈ ચર્ચામાં એવી વાત નીકળી છે કે ભઈ, કોંગ્રેસનું શું થશે ? શું એની બાવન સીટોથી આગળ જશે ખરી ? જ્યાં સુરત અને ઇન્દોરમાં ચૂંટણી પહેલાં જ ઉમેદવારો ખસી ગયા ત્યાં બીજે શું થશે ? આટલા બધા કોંગ્રેસીઓ ભાજપમાં કેમ જોડાઈ રહ્યા છે ? કોંગ્રેસમાં અંદરખાને શું ચાલી રહ્યું ?

- બોલો, આવું તમે સાંભળ્યું ?

મારા એક શાણા મિત્ર કહે છે કે મન્નુભાઈ, આને જ ‘મિડીયા ટુલ-કીટ’ કહેવાય !

- તમને શું લાગે છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments