હજી કેટલી જાતના 'મત' ?!

ચાલો, ગુજરાતમાં મતદાન થઈ ગયું, દેશમાં હજી બાકી છે. પણ ભાઈ, આમાં ને આમાં ‘મત’ કેટલી જાતના હોય છે એ તો ગણવાનું જ રહી ગયું ! ગણો…

*** 

‘મત’દાન : આમાં રિવાજ એવો છે કે પહેલાં કહેશે ‘મત’ દેના… પછી કહેશે, ‘મત’ આના !

*** 

‘મત’વાલા : એ તમામ નેતાઓ જેમને ચૂંટણી આવતાંની સાથે એક જાતનો નશો ચડે છે !

*** 

મત’દાર : જેની ઉપર તમામ નેતાઓને ‘મ-દાર’ હોય છે ! પણ માત્ર ‘મત’દાન સુધી જ !

*** 

તહો‘મત’ : કાદવની જેમ તહો‘મત’ પણ સામસામે ઉછાળ્યાં જ કરવાનાં હોય છે ! એમાં કોઈ સાબિતીની જરૂર જ નથી.

*** 

કયા‘મત’ : ના. રિઝલ્ટનો દિવસ નહીં ! આ તો આ વખતની ચૂંટણીમાં સામેની પાર્ટી સત્તામાં આવશે તો શું શું થશે એનું ચિત્ર બતાડે છે, એ !

*** 

સલા‘મત’ : જ્યારે એક સીટનું વોટિંગ ભરોસાપાત્ર ના લાગતું હોય ત્યારે ઉમેદવાર જે બીજા વિસ્તારના ભોળા મતદારોને શોધે છે… એ !

*** 

ગની‘મત’ : અપક્ષ ઉમેદવારો માટેની સાંત્વના ! ચાલો, પચાસ મત તો મળ્યા ?

*** 

કિં‘મત’ : ચૂંટણીની આગલી રાત્રે કેશ અથવા પોટલી સ્વરૂપે ચૂકવાય છે તે નહીં ! આ તો નેતાઓને ચૂંટ્યા પછી બિચારી દેશની પ્રજા જે ચૂકવે છે તે…!

*** 

કરા‘મત’ : હારનારી પાર્ટીઓને હાર્યા પછી ઈવીએમમાં અચૂક દેખાય છે તે !

*** 

મરમ્‌‘મત’ : બંગાળ, બિહાર, યુપી વગેરેમાં ગુંડાઓ જે કરે છે તે, અને પોલીસ ગુંડાઓને નથી કરી શકતી તે !

*** 

ઉન્‌‘મત’ : ‘અબ કી બાર ૪૦૦ પાર’ના ફાંકામાં જે ફરી રહ્યા છે તે !

*** 

મ‘મત’ : ગુજરાતમાં જ્ઞાતિઓ વચ્ચે ચાલ્યું છે તે !

*** 

રહે‘મત’ : ટેક્સ ભરનારી પ્રજાએ નેતાઓ પાસેથી જેની અપેક્ષા નથી રાખવાની તે !

*** 

બહુ‘મત’/અલ્પ‘મત’ : આમાં જોવા જેવી વાત એ છે કે જ્યાં બહુમત છે ત્યાં મતદાન ‘અલ્પ’ છે અને અલ્પમત છે ત્યાં મતદાન ‘બહુ’ છે !

***

-મન્નુ શેખચલ્લી

Comments