કહેવતોમાં ચૂંટણીના ચોકઠાં !

જુની કહેવતોની મજા એ છે કે એ વરસો પછી પણ ગમે તે સિચ્યુએશનો ઉપર ફીટ થઈ જાય છે ! આજકાલની ચૂંટણીની સિઝનમાં પણ કહેવતોના કેવા કેવા રંગ ખૂલે છે…

*** 

મારું તે મારું, ને તારું-મારું સહિયારું
વિરોધ પક્ષના ગઠબંધનની આ જ હાલત છે. બંગાળમાં મમતા બેનરજી કહે છે કે અહીં એકપણ સીટ નહીં આપું ! છતાં બીજા રાજ્યોમાં સીટો માગે છે. આવું જ આમ આદમી પાર્ટી, એનસીપી, સીપીએમ વગેરે કહી રહ્યા છે…

*** 

લડ, કાં તો લડનારો દે
આ હાલત ગુજરાત ભાજપમાં છે ! સામે ટક્કર આપનારી કોંગ્રેસમાં જોર નથી રહ્યું તો હવે પોતાના જ પક્ષના અમુક જુથોને ઉભા કર્યાં છે, પોતાની જ સામે લડવા માટે ! બોલો.

*** 

નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન
આમાં પણ ભાજપ સલવાયું છે ! એક બાજુ ‘ચારસો પાર’નું ઊંચું નિશાન લઈને મંડ્યા છે, પણ બીજી બાજુ એક નેતાથી બોલવામાં ‘નિશાનચૂક’ થઈ ગઈ એમાં હવે ‘માફી’ નથી મળતી ! બોલો, કેવી હાલત છે, નહીં ?

*** 
વચનેષુ કિમ દારિદ્રયમ્‌
સદીઓ જુની આ સંસ્કૃત કહેવત તો દર ચૂંટણીએ સાચી સાબિત થાય છે, કે ભઈ, વચન જ આપવું છે તો એમાં કંજુસાઈ શું કરવી ? જુઓને રાહુલબાબાએ તો એક જાહેરસભામાં કહી દીધું કે ‘એક ઝટકે મેં ગરીબી હટા દેંગે !’ હવે આ ઝટકો કોને લાગશે એની તો વાત જ ક્યાં છે ?

*** 

ઝાઝા હાથ રળિયામણા
આ કહેવત ભાજપે બરોબરની પચાવી લીધી છે ! દેશને કોંગ્રેસમુક્ત કરાવની નવી ફોર્મ્યુલા એ છે કે ‘હાથ’ની નિશાનીવાળા નેતાઓના જ ‘ખેસ-પલટા’ કરાવી નાંખવાના !

*** 

ભાગતા ભૂતની ચોટલી ભલી
બિચારી પ્રજાની આ જ હાલત છે ! આપણને ખબર છે કે નેતાઓ વોટ લઈને પાંચ વરસ માટે ભાગી જ જવાના છે, છતાં જે પંદર દહાડા એમની ચોટલી ઝાલી રાખવા મળે તેની વ્યર્થ કોશિશ કરીએ છીએ…

***

- મન્નુ શેખચલ્લી

Comments